Gujarat

વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે

By GS TEAM
31 Oct 20251 min read
વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા  ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે

વડોદરાઃ વડોદરા જિલ્લામાં વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનનો સર્વે શરૃ કરવામાં આવ્યો છે.એક સપ્તાહમાં તેનો અહેવાલ તૈયાર કરવામાં આવનાર છે.

છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલને કારણે ખેતીના પાકને મોટો ફટકો પડયો છે. વડોદરા જિલ્લામાં ખાસ કરીને ડાંગર,કપાસ, મગફળી,દિવેલાં,સોયાબીન જેવા પાકને વધુ અસર થઇ છે.

આ પૈકી કેટલાક તાલુકામાં તો પાક તૈયાર થઇ ગયો હતો.પરંતુ દિવાળીને કારણે મજૂરો નહિ મળતાં પાક ઉતારી શકાયો નહતો.લાભપાંચમે મજૂરો આવે તે પહેલાં વરસાદ આવી જતાં ખેડૂતોને મોં સુધી આવેલો કોળિયો છીનવાઇ જાય તેવો વખત આવ્યો છે.

વડોદરા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે,ખેતીના પાકને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરવા માટે અમે આઠ તાલુકામાં કુલ ૪૯ ટીમો રવાના કરી છે.હજી વધુ કર્મચારીઓને પણ આ કામગીરીમાં લગાવવામાં આવનાર છે.તો બીજીબાજુ ખેડૂતોનું કહેવું છે કે,અમારું આ વર્ષ બગડયું છે.સરકાર મજાકરૃપ વળતર ના આપે તેવી અમારી લાગણી છે.