Bhavnagar

તળાજાના જૂના રાજપરા ગામે હૃદયદ્રાવક ઘટના, માતાનું ચાર માસની બાળકી સાથે અગ્નિસ્નાન

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના તળાજા તાલુકાના જૂના રાજપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. દક્ષાબેન (ઉં.વ. 26) નામની પરિણીતાએ પોતાની 4 માસની દીકરી ત્રીશા સાથે અગ્નિસ્નાન કરતા બંનેના સારવાર દરમિયાન કરૂણ મોત થયા છે. પતિ અરવિંદભાઈ ઘર બહાર હતા ત્યારે આ પગલું ભરાયું. પાંચ વર્ષના દાંપત્ય જીવનમાં 2 દીકરીઓ હતી. દાઠા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તળાજાના જૂના રાજપરા ગામે હૃદયદ્રાવક ઘટના, માતાનું ચાર માસની બાળકી સાથે અગ્નિસ્નાન

દાઠા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

ગંભીર રીતે દાઝી ગયેલી માતા-પુત્રીના સારવાર દરમિયાન કરૃણ મોત, પાંચ વર્ષના દામ્પત્ય જીવનમાં બે દીકરીઓ હતી

તળાજા -  ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા રાજપરા (જૂના) ગામેથી હૃદયદ્રાવક અને અરેરાટી ઉપજાવતી ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારની પરિણીતાએ પોતાની માત્ર ચાર મહિનાની વ્હાલસોયી દીકરી સાથે અગ્નિસ્નાન કરી લેતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલા માતા અને પુત્રી બંનેને તત્કાલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન બન્નેના મોત નિપજ્યા હતા.

બનાવ અંગે પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તળાજાના જૂના રાજપરા ગામે રહેતા અરવિંદભાઈ નાથાભાઈ ભાલિયાના પત્નિ દક્ષાબેન (ઉં.વ.૨૬) એ આજે સવારે આશરે ૮.૩૦ વાગ્યાના સુમારે પોતાની બે પુત્રીઓ પૈકીની નાની ૪ માસની દીકરી ત્રીશાને સાથે રાખીને શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટના બની ત્યારે તેમના પતિ અરવિંદભાઈ ઘરની બહાર શેરીમાં બેઠા હતા, જ્યારે તેમના સાસુ નજીકમાં જ એક મરણોત્તર વિધિમાં ગયા હતા. ઘટનાને પગલે ગંભીર હાલતમાં માતા-પુત્રીને તાત્કાલિક ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક દક્ષાબેનનું પિયર ગોપનાથ છે, પરંતુ તેમનો પરિવાર લાંબા સમયથી રાજપરા ગામમાં જ સ્થાયી થયેલો હોવાથી ગામમાં જ તેમનું સાસરું અને પિયર હતા. આ કરુણ ઘટના મામલે મહિલાના મોસાળ પક્ષ કે પિયર પક્ષના લોકો દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા નથી. દાઢા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે. ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે અને ભાવનગર ખાતે મૃતકોનું પીએમ કરાવવામાં આવ્યું છે.

માતા-પુત્રીના અગ્નિસ્નાનના કારણનું રહસ્ય અકબંધ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઘટનાની અગાઉની રાત્રે જ ઘરે મહેમાનો આવ્યા હતા અને સવારે દક્ષાબેને બધા માટે ઉત્સાહપૂર્વક ભોજન પણ બનાવ્યું હતું. તે સમયે પરિવારના કોઈ સભ્યને આવી ઘટનાનો સહેજ પણ અણસાર આવ્યો ન હતો. લગ્નના પાંચ વર્ષના સુખી ગાળામાં બે દીકરીઓની માતા બનેલી પરિણીતાએ અચાનક કયા કારણોસર આ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે.