Gujarat

શિવાલિક, શિલ્પ, શારદા ગુ્રપના દરોડામાં ચાર કરોડ રોકડા, ત્રણ કરોડના દાગીના જપ્ત

By GS Team
12 Feb 20222 mins read
This article was originally published on 12 Feb 2022
શિવાલિક, શિલ્પ, શારદા ગુ્રપના દરોડામાં ચાર કરોડ રોકડા, ત્રણ કરોડના દાગીના જપ્ત

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર

અમદાવાદના શિવાલિક બિલ્ડર, શિલ્પ ડેવલપર્સ અને શારદા કન્સ્ટ્રક્શનની ઑફિસો અને રહેઠાણ મળીને ગઈકાલે સવારથી ૩૦ સ્થળોએ આવકવેરા અધિકારીઓએ પાડેલા દરોડામાં રૃ. ૪ કરોડની રોકડ અને ૩ કરોડના બિનહિસાબી દાગીના મળી આવ્યા છે. બિલ્ડરની પૂછપરછ દરમિયાન લૉકરમાં રોકડ પડી હોવાનું જણાવતા લૉકર તરત જ ઓપરેટ કરવામાં આવતા તેમાંથી રોકડ મળી આવી હતી. આ પ્રકારનું બીજું પણ એક લૉકર ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. બાકીના વીસ લોકર દરોડાની કાર્યવાહી પૂરી થયા પછી કરવામાં આવશે, એમ આવકવેરા ખાતાનાં સૂત્રોનું કહેવું છે. ૩૦માંથી બે સ્થળે દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે. બીજા ચારથી સ્થળે દરોડાની કાર્યવાહી મોડી રાત્રે સમેટી લેવાઈ હતી, બાકીના સ્થળોએ દરોડાની કાર્યવાહી આવતીકાલે પૂરી થઈ જવાની સંભાવના હોવાના નિર્દેશ મળી રહ્યા છે. 

શિવાલિકના પ્રમોટર સતીશ શાહ મોટા પુત્ર ચિત્રક શાહ અને તરલ શાહના ફન રિપબ્લિકથી આંબલી તરફ જતાં શિવાલિક બંગલાની સ્કીમમાં આવેલા બંગલા,  શિવાલિક બિલ્ડરની રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલા સેટેલાઈટ પોલીસ સ્ટેશનની પાસે આવેલી ઑફિસના કોમ્પ્યુટર્સ તથા તેમના મોબાઈલ ફોનમાંથી ડિજિટલ ડેટા રિકવર કરવામાં આવ્યો છે. કંપનીના કોમ્પ્યુટર્સ અને લેપટોપ પણ કબજામાં લઈ લેવામાં આવ્યા છે. તેમના કોમ્પ્યુટર ડેટાનું બૅક અપ લઈને પછી તે આવકવેરા ખાતાએ લઈ લીધો છે. બિલ્ડરો ડેટા પ્રોટેક્ટ કરે અને તે ડેટાને કોઈ કોપી કરીને લઈ જાય તે પછી ઓપન કરવા જાય તો ડેટા કરપ્ટ થઈ જાય તે રીતે રાખતા હોય છે. તેથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નિષ્ણાતની મદદથી ત્રણેય બિલ્ડરના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાંથી આવકવેરા અધિકારીઓ દ્વારા ડેટા રિકવર કરવામાં આવ્યો છે. 

શિલ્પ ગુ્રપના પ્રમોટર યશબ્રહ્મભટ્ટના અને તેમના પાંચથી છ પાર્ટનરને ત્યાંની ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ જપ્ત કરી તેનો ડેટા પણ આવકવેરા અધિકારીઓએ રિકવર કરી લીધો છે. શારદા ગુ્રપના પ્રમોટર દીપક નિમ્બાર્કના સંતોષા પાર્ક સોસાયટીમાં આવેલા નિવાસસ્થાને ઉપરાંત તેમની ઑફિસની તમામ ઇલેક્ટ્રોનિક  ડિવાઈઝ માંથી ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યા છે.

દરોડા પાડવામાં આવ્યા છે. તેમના બીજા ચારથી પાંચ પાર્ટનરને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  દીપક નિમ્બાર્કના શાદરા ગુ્રપે શૈલામાં શારદા શિવાલિકના નામે ચિત્રક ને તરલ શાહ સાથે જોઈન્ટ વેન્ચરમાં સ્કીમ મૂકી હોવાથી તેના કનેક્શનમાં તેમના પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાઁણવા મળી રહ્યું છે. બીજું, તેમના જમીનમાં બહુ જ મોટા વહેવારો છે. આ જમીનમાં ૯૦ ટકા રકમ રોકડેથી લેવાતી હોવાની માહિતીને આધારે તેમને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ રોકડના વહેવારો પકડી પાડવા પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. બ્રોકેર્સ પરના દરોડા સમેટાઈ જવાની વહેલી શક્યતા છે.