Gujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ

By GS TEAM
23 Jun 20262 mins read
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ

ગત વર્ષે ૩૩૦૯ પ્રવેશ સામે અત્યાર સુધીમાં ૪૩૫૩ પ્રવેશ નોંધાયા

ખાનગી શાળામાંથી ૬૩૨ અને સીધા નવા પ્રવેશ મેળવનારા ૧૦૩૩ વિદ્યાર્થીનો વધારો, તમામ શાળા એ-બી ગ્રેડ પર પહોંચી

ભાવનગર -  ભાવનગર શહેરી વિસ્તારમાં આવેલ ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત ૬૯ પ્રા.શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યામાં વધારો નોંધાયો છે અને આજની સ્થિતિએ ધો.૧ થી ૮માં કુલ ૨૯૯૩૩ વિદ્યાર્થી છે. જ્યારે ખઆનગી શાળામાંથી ૬૩૨ વિદ્યાર્થી સરકારી શાળામાં જોડાયા છે. જે સંખ્યા વધવાની પુરી સંભાવના છે. જ્યારે સૌથી વધુ સંખ્યા ધો.૫માં ૧૦૭ અને ધો.૧-૩માં ૯૪-૯૩ વિદ્યાર્થીનો વધારો નોંધાયો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થી પ્રવેશમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. ગયા વર્ષે કુલ ૩૩૦૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩૫૩ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી નવા કિર્તિમાનની સ્થાપના કરી છે. આ રીતે કુલ ૧૦૪૪ વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે, જે ટકાવારી મુજબ ૩૧.૫૫ ટકા જેટલો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

આ વર્ષે ખાનગી શાળાઓમાંથી ૬૩૨ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આ આંકડો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પ્રત્યે વાલીઓમાં વધતા વિશ્વાસ, ગુણવત્કાયુક્ત શિક્ષણ અને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓનું પ્રતિબિંબ છે અને રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓનું ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ સી અને ડી ગ્રેડમાં હતી તે તમામ શાળાઓ એ અને બી ગ્રેડ સુધી પહોંચી છે. જ્યારે બાલવાટિકામાં ૩૩૩૫ પ્રવેશ થયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો.નિકુંજ મહેતાએ જણાવ્યું કે આ સિદ્ધિ પાછળ શાળાઓમાં સતત વધારવામાં આવતી ભૌતિક સુવિધાઓ, ગુણવત્કા યુક્ત શિક્ષણ, સ્માર્ટ વર્ગખંડો, કૌશલ્યલક્ષી શિક્ષણ, રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક સુવિધાઓ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયાસો તેમજ શિક્ષણ સમિતિની જાગૃતતા અને પરિણામલક્ષી કામગીરી જેવા અનેક પરિબળો જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે પ્રવેશ પ્રક્રિયા હજુ ૩૦-૬ સુધી ચાલુ છે અને નવા પ્રવેશો સતત મળી રહ્યા છે તેથી પ્રવેશની સંખ્યામાં હજુ પણ વધારો થવાની પુરી શક્યતા છે.

રાજ્યકક્ષાના ખેલમહાકુંભમાં સમિતિના ૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ન.પ્રા.શિ. સમિતિની ૬૯ શાળાઓમાંથી ૬૩ શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ છે. ૬૫ શાળામાં સ્માર્ટ ક્લાસ છે. ગત વર્ષે એનએમએમએસમાં ૫૨૧ વિદ્યાર્થી પાસ થયા હતા તો કેટમાં ૩૨૫૯ પરીક્ષાર્થીમાંથી ૬૬૭ વિદ્યાર્થી મેરીટમાં આવેલ અને જ્ઞાાનસાધના સ્કોલર્શીપમાં ૨૯૨૪ પરીક્ષાર્થીમાંથી ૩૧૬ મેરીટમાં આવ્યા હતાં. જ્યારે રાજ્યકક્ષા ખેલમહાકુંભમાં ૨૯ બાળકોએ ભાગ લીધો હોવાનું જણાયું છે.