Baroda

સાત ગામોની ૧૩ સ્કૂલોને ત્રણ વર્ષ પછી પણ શિક્ષણ સમિતિમાં સમાવાઈ નથી

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 7 ગામો કોર્પોરેશન હદમાં આવ્યાના 3 વર્ષ પછી પણ 13 સરકારી પ્રાથમિક શાળાઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવાઈ નથી. જિલ્લા પંચાયત હસ્તકની આ શાળાઓમાં 3500 બાળકો અને 80 શિક્ષકો છે. કોર્પોરેશન પર 20% પગારનો બોજ આવશે, તે કારણે નિર્ણય લટકી રહ્યો છે. આથી વિદ્યાર્થીઓ મફત પુસ્તકો અને યુનિફોર્મ જેવી સુવિધાઓથી વંચિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાત ગામોની ૧૩ સ્કૂલોને ત્રણ વર્ષ પછી પણ શિક્ષણ સમિતિમાં સમાવાઈ નથી

વડોદરા શહેરની આસપાસના સાત ગામને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવ્યા છે.જોકે આ નિર્ણયના ત્રણ વર્ષ પછી પણ આ સાત ગામની ૧૩ સરકારી પ્રાથમિક શાળાઓને હજી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવવા અંગેના નિર્ણયને કોર્પોરેશનના શાસકોએ લટકાવી રાખ્યો છે.
મળતી વિગતો પ્રમાણે શહેરની આસપાસના સમા, છાણી, ભાયલી, બિલ, ઉંડેરા, વડદલા અને સેવાસી હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં છે.જ્યાં ૧૩ પ્રાથમિક શાળાઓ ચાલે છે.જેનું સંચાલન હાલમાં જિલ્લા પંચાયત હસ્તક છે.જોકે હવે આ વિસ્તારના લોકો પાણી વેરા સહિતના બીજા વેરા કોર્પોરેશનને ચૂકવે છે.
આ સ્કૂલોમાં ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.સ્કૂલના સ્ટાફમાં ૮૦ જેટલા શિક્ષકોનો સમાવેશ થાય છે.સ્કૂલોને સમાવવાની દરખાસ્ત પર ત્રણ વર્ષથી નિર્ણય લેવાઈ રહ્યો નથી.સૂત્રોનું કહેવું છે કે, કોર્પોરેશનની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોનો ૮૦ ટકા પગાર સરકાર અને ૨૦ ટકા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.વધુ ૧૩ સ્કૂલોને સમાવાયા બાદ સમિતિ અને કોર્પોરેશન પર આ સ્કૂલોના સ્ટાફના ૨૦ ટકા પગારનો નાણાકીય બોજ આવી શકે છે પણ તેની સામે આ વિસ્તારના લોકોની ટેક્સની આવક કોર્પોરેશનને થઈ રહી છે.
જો આ સ્કૂલોને સમિતિમાં સમાવવામાં આવે તો તેના બાળકોને પણ સમિતિની બીજી સ્કૂલોની જેમ ફ્રી પાઠય પુસ્તકો, યુનિફોર્મ અને બીજી સુવિધાઓ મળી શકે તેમ છે.