For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટયુશને જતી 13 વર્ષની કિશોરીને ભગાડી જઇ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખ્તકેદ

સુરતની પોક્સો કેસોની વિશેષ કોર્ટનો ચુકાદો

Updated: Nov 17th, 2021

Article Content Image


-મૂળ રાજસ્થાનનો 28 વર્ષનો દિનેશ ઉર્ફે રાજુ ભીલ કિશોરીને લગ્નની લાલચે ઉઠાવી ગયો હતો અને બળજબરીથી શરીરસબંધ બાંધ્યો હતો

       સુરત

સવા બે વર્ષ અગાઉ ટયુશન કલાસીસમાં ગયેલી 13 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરીને લઇ જઇ સંમતિ વિરુદ્વ જોરજબરજસ્તી કરીને બળાત્કાર કરનારા રાજસ્થાનના 28 વર્ષીય દિનેશ ભીલને આજે સુરતની ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ (પોકસો એન્ડ રેપ કેસીસ) ના વિશેષ ન્યાયાધીશ આરતી વ્યાસે 20 વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો.

સુરતના ડભોલી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય તરૃણી તા.15-6-2019 ના રોજ ટયુશન કલાસીસમાં ગયા પછી પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ મળી નહીં આવતા ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ કરતા તપાસ દરમિયાન કિશોરી અને તેને ભગાડી જનાર દિનેશ ઉર્ફે રાજુ ચૂનારામ ભીલ (ઉ.વ.28 રહે. પાયલ પાર્કિગના ઝાડની નીચે ખુલ્લામાં ડભોલી રોડ, સુરત. મુળ રાજસ્થાન) બન્ને મળી આવ્યા હતા.

કિશોરીની કેફીયત મુજબ આરોપી દિનેશ ઉર્ફે રાજુ ચા-નાસ્તાની લારી ચલાવતો હતો. કિશોરી ટયુશને જતી ત્યારે દરરોજ હેરાન કરતો હતો. અને બળજબરીથી રાજસ્થાન ભગાડી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યા બાદ સુરતની ફાસ્ટ ટ્રેક સ્પીશયલ કોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની રજૂઆતો બાદ કોર્ટે આરોપી દિનેશ ઉર્ફે રાજુ ભીલને ભારતીય દંડ સહિતાની કલમ 363, 366, 376(3) 376 (2) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2012 ની કલમ હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાર ઠરાવ્યો હતો. અને 20 વર્ષની સખત કેદની સજા તથા રૃા.10,000 નો દંડ અને દંડ નહીં ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

આરોપીએ મરજી વિરુધ્ધ શરીર સબંધ બાધ્યાનું મેડિકલ, ડીએનએના સાંયોગિક પુરાવાતી પણ સમર્થન મળે છેઃ કોર્ટ

૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરતા કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીએ બનાવવાળી જગ્યાએ બનાવવાળી તારીખે, બનાવ સમયે, ભોગ બનનારને લલચાવી, ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાના ઇરાદે ભગાડી, અપહરણ કરી લઇ જઇ ભોગ બનનાર સાથે તેની સંમતિ વિના મરજી વિરુદ્વ શરીર સંબંધ બાધી બળાત્કાર કર્યાનું રેકોર્ડ પરના પુરાવાથી પુરવાર થાય છે. આ તમામ હકીકતને મેડિકલ તથા ડી.એન.એ ના સાંયોગિક પુરાવાથી સર્મથન મળે છે. વધુમાં આ હકીકતનું ખંડન કરવા માટે આરોપીના બચાપક્ષે કોઇ એવો પુરાવો રજુ કરેલો નથી જેનાથી આરોપીએ ઉપરોકત જણાવેલ કૃત્ય કર્યું નથી તેવુ સાબિત થાય.

બાળકી હોવાનું જાણવા છતા બળજબરી કરી છે

સુરત જિલ્લા પબ્લીક પ્રોસીકયુટર નયન સુખડવાલાએ ભારપૂર્વક દલીલ કરી હતી કે મુખ્ય સરકારી વકીલે દલીલમાં જણાવ્યું હતું કે, આરોપીએ ભોગ બનનાર બાળક છે તેવુ જાણવા છતા જોરજબરજસ્તી કરી તેની સંમતિ વિના મરજી વિરુદ્વ શરીર સંબંધ બાંધી, બળાત્કાર કરી ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. ત્યારે કાયદામાં ઠરાવ્યા મુજબ આરોપીને મહતમ સજા કરવા ન્યાયના હિતમાં હુકમ થવો જોઇએ. 

Gujarat