અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો
Ahmedabad News: અમદાવાદ ખાતે રહેતા 12 શખસોએ બનાવટી ખેડૂત બનીને ખંભાત તાલુકાના ગોલાણા સહિત ગુજરાતના અલગ અલગ સ્થળોએ બોગસ ખેડૂત ખાતેદાર બનીને કરોડો રૂપિયાની જમીનો ખરીદી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ પહોંચતા તપાસ કરતા બોગસ ખેડૂતો દ્વારા કરોડો રૂપિયાની જમીન ખરીદીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરાયો છે. તપાસ આણંદ એલસીબી દ્વારા હાથ ધરાઈ છે.
દસ્ક્રોઇના કસીન્દ્રા અને ખંભાતમાં ગોલાણા ગામમાં જમીનો ખરીદી નકલી સટિ. રજૂ કર્યા
તારાપુરના ગલીયાણાના વિજયકુમાર ભરવાડે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા સુવર્ણા બેન સુરેન્દ્રભાઈ સોની સહિતના વ્યક્તિઓએ ખેડૂત ન હોવા છતાં ખંભાતના ગોલાણાની સીમમાં ખેતીલાયક જમીન ખરીદી હોવાનું ધ્યાને આવતા તેમણે આણંદ જિલ્લા જમીન તકેદારી સમિતિમાં રજૂઆત કરી હતી.
એસઆઇટીએ તપાસ કરતા સુવર્ણાબેન સોની, દીપ્તીબહેન કિરણકુમાર ચોક્સી, નિશિથ સુરેન્દ્રભાઈ સોની, તૃપ્તિબેન સુરેન્દ્રભાઈ સોની, સ્વપ્નિલ સુરેન્દ્રભાઈ સોની, સ્નેહા કિરણકુમાર ચોકસી, પૌલોમી કિરણકુમાર ચોકસી, રવિ કિરણકુમાર ચોકસી, અલ્પા નિશિથ ભાઈ સોની, સાગર નીસિથ ભાઈ સોની, આકાશ નીષિથ ભાઈ સોની અને બાદલ નિશિથ ભાઈ સોનીએ ભેગા મળી કાવતરું રચી કચ્છના લખપતના લાખાપરની જમીનના મહેસૂલી રેકોર્ડમાં સાત બારના ઉતારામાં મૂળ માલિકનું નામ સુરેન્દ્ર અંબાલાલ (બ્રાહ્મણ) નોંધાયેલું હતું. પરંતુ તેમની અટકનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેનો ખોટી રીતે લાભ લઈ સુવર્ણા બેનના પતિનું નામ પણ સુરેન્દ્ર અંબાલાલ હોવાથી સમાન નામનો દૂર ઉપયોગ કરી તૃપ્તિ અંબાલાલ સોનીએ ઓક્ટોબર 2018માં જમીન સુરેન્દ્રભાઈ સોનીની હોવાનું જણાવી વારસાઈ નોંધ દાખલ કરવા માટે અરજી આપી હતી.
આ પ્રક્રિયાને કાયદેસરતાનો ખોટો ઓપ આપવા માટે સુરેન્દ્ર અંબાલાલ સોનીને 23 જાન્યુઆરી 2009ના રોજ અવસાન પામ્યા હોવાનું બતાવી બોગસ મરણનો દાખલો રજૂ કરી સુવાણાબેન સોની, દિપ્તી ચોકસી, નિશિથ સોની, તૃપ્તિ સોની અને સ્વપ્નિલ સોનીને કાયદેસર વારસદાર તરીકે દર્શાવતું ખોટું પેઢીનામુ અને પંચનામુ બોપલના તલાટી કમ મંત્રી સમક્ષ રજૂ કર્યું હતું. બોગસ પુરાવાના આધારે લખપત મામલતદારને ગેરમાર્ગે દોરી ત્રીજી ઓક્ટોબર 2018ના રોજ વારસાઇની નોંધ પ્રમાણીત કરાવી હતી. જેના આધારે અમદાવાદના દસક્રોઈના કાસીન્દ્રની જમીન 26 ડિસેમ્બર 2018ના રોજ બોગસ વારસાઇના મુખ્ય પુરાવા તરીકે ઉપયોગ કરી જમીન ખરીદી હતી. બાદમાં દિપ્તી ચોકસીએ બોગસ સોગંદનામા અને પેઢી નામ કરી સહભાગીદાર તરીકે પરિવારના અન્ય સભ્યોને જમીનમાં નામ ઉમેરાયા હતા. અમદાવાદના સોની પરિવારના 12 વ્યક્તિ સામે ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.