જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ
MNREGA Corruption Case: અમદાવાદ જિલ્લાની ભગાપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તેના મળતીયાઓ દ્વારા મનરેગા હેઠળના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર અને સરકારી ગ્રાંટની બારોબાર ઉચાપતના લાખો રૂપિયાના કથિત કૌભાંડ મામલે હાઇકોર્ટના સિંગલ જજે અમદાવાદ જિલ્લા કલેક્ટરને તપાસ કરવા અંગે કરેલા હુકમનું પાલન નહી થતાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મહત્ત્વની કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરાઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર સામે અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે.
સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા વિવિધ કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ
હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી નવેમ્બર મહિનાાના બીજા સપ્તાહમાં રાખી છે અને ત્યાં સુધીમાં હાઈકોર્ટના સીંગલ જજ દ્વારા કરાયેલા હુકમનું પાલન કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરવા પણ ખંડપીઠે અમદાવાદ જિલ્લા કલેક્ટરને સ્પષ્ટ તાકીદ કરી છે. અમદાવાદ જિલ્લાની ભગાપુરા ગ્રામ પંચાયના પૂર્વ સભ્ય લાખુભા ભવાનસિંહ સોલંકી દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશન(એમસીએ ફોર કન્ટેમ્પ્ટ)નં 2072/2025માં હાઈકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, મનરેગા યોજના હેઠળ ભગાપુરા ગામ ખાતે દિવાલ બનાવવા, ગરનાળા સહિતના કામોમાં ભગાપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના મળતીયાઓ દ્વારા ગંભીર ભ્રષ્ટાચાર આચરી લાખો રૂપિયાની ગ્રાંટની બારોબાર ઉચાપત કરવામાં આવી હતી. જેમાં પાણી સિમિતની ગ્રાંટની પણ બારોબાર ઉચાપત કરાઇ હતી.
નોંધનીય વાત તો એ છે કે, પાણી સમિતિના જે સભ્યો છે તેઓને પણ ખબર નહોતી કે, તેઓ આ સમિતિમાં સભ્યો છે કે તેમની સહીઓ પણ લેવાઈ ન હતી અને બારોબાર ચૂકવણી થઈ ગઈ હતી. તો દિવાલના કામોમાં પ્લીન્થ જ બનાવાઈ ન હતી. જો પ્લીન્થ જ ના બનાવી હોય તો તેના પર દિવાલ કેવી રીતે બનાવી શકાય? આમ અરજદારે ગંભીર સવાલો ઉઠાવી અદાલતને આ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, દિવાલ નહીં બની હોવા છતાં વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ જારી કરી દેવાયું હતું.
એટલું જ નહીં, સત્તાવાળાઓ તરફથી અરજદારની વારંવારની ઉગ્ર રજૂઆતો બાદ આ પ્રકરણમાં સ્થાનિક ચીટનીશ અધિકારીને જ તપાસ સોંપી દેવાઇ હતી, પરંતુ તેને કેવી રીતે તપાસ સોંપી શકાય કારણ કે, ચીટનીશ પોતે જ ચૂકવણી અધિકારી હતા., તેથી તેમણે તેમની જ વિરૂદ્ધની ગેરરીતિઓની બાબતમાં ક્લીન ચિટ આપી દીધી હતી. આમ સમગ્ર કૌભાંડમાં તપાસના નામે ડીંડક ચલાવી ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર મામલે અરજદારે વારંવાર નીચલા લેવલથી લઈ સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ સુધી અનેક રજૂઆતો કરી છતાં કોઈ પગલાં નહીં લેવાતાં આખરે તેમણે હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જેમાં જસ્ટિસ મોના ભટ્ટે ગત તા.19-12-2024ના રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટરને આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવા અને જો જરૂર જણાય તો ફરી તપાસ કરવા હુકમ કર્યો હતો.
9 મહિના વિતવા છતાં સિંગલ જજના હુકમનું પાલન નહીં
સિંગલ જજના આ હુકમનું 9-9 મહિનાઓ વીતી જવા છતાં પણ પાલન કરવામાં આવ્યું નથી. અરજદારે હુકમના પાલન સંબંધી સત્તાવાળાઓને વારંવાર રિમાન્ડર કરાવ્યું, ઉપવાસ-ધરણાં પર બેઠા, કાયદેસર નોટિસ પણ પાઠવી પરંતુ તેમછતાં અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા હજુ સુધી સિંગલ જજનું પાલન કરાયું નથી. જેને પગલે અરજદારને હાલની કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવાની ફરજ પડી છે. પ્રસ્તુત કેસમાં સિંગલ જજના હુકમનો દેખીતી રીતે જ અનાદર થયો છે, તેથી અમદાવાદ જિલ્લા કલેક્ટર વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અરજદારપક્ષની દલીલો ધ્યાનમાં લીધા બાદ હાઈકોર્ટની ખંડપીઠે આખરે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી હતી અને સમગ્ર મામલે તેમનો જવાબ માંગી કેસની વધુ સુનાવણી નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં રાખી હતી.