વિશ્વાસનો અર્થ બુદ્ધિશૂન્ય શ્રદ્ધા કદાપિ નહીં

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- કોઇએ કોઇનો વિશ્વાસ જ ન કરવો એમ માનીને ચાલવાની જરૂર નથી. આપણે માત્ર એટલું જ સમજવાની જરૂર છે કે આપણે ભોટમાં ખપીએ, ભોળવાઈ જઇએ, પ્રપંચ, ચાલ કે દગાનો ભોગ બનીએ એટલી હદ સુધી આંખો બંધ રાખીને ન જીવવું જોઇએ
પ્રશ્ન : 'વિશ્વાસે વહાણ ચાલે' અને 'સગા બાપનો ય વિશ્વાસ ન કરવો' આ બન્નેમાં સાચું શું ?
પ્રશ્નકર્તા : મનન પંડયા, વેલટીસ રેસ્પર, ત્રાગડ, અમદાવાદ
'વિશ્વાસે વહાણ ચાલે' એમ આપણે કહીએ છીએ, પણ છેતરનારા વ્યક્તિ તરત જ એમ પણ કહે છે કે 'આ જમાનામાં સગા ભાઈનો પણ વિશ્વાસ ન કરવો.' જમાનો બદલાઈ ગયો છે. માણસ આત્મકેન્દ્રી, સ્વાર્થી, અને ધનલોલુપ બની ગયો છે. એટલે એની દાનત બગાડતાં વાર નથી લાગતી.
વિશ્વાસઘાતના નાના નાના ઘણા અનુભવો આપણને રોજિંદા જીવનમાં જોવા મળે છે. પોતાના પુત્રના ગાલ પર ધડાધડ ચાર તમાચા ચોડી દેતાં તેના પિતા ેતેને કહી રહ્યા હતા : 'નાલાયક, મેં તને એટલા માટે હોસ્ટેલમાં દાખલ કર્યો હતો કે કોલેજના અભ્યાસ માટે મોકલેલ ફી-પુસ્તકોના પૈસા તું વાપરી ખાય અને બાપનું નામ બોળે ? નાટક-સીનેમા અને હોટલોના ખર્ચા માટે મેં મારી કાળી મજૂરીના પૈસા તને નહોતા મોકલ્યા. બાપ સાથે આવો વિશ્વાસઘાત ?'
શાકભાજી લેવા માટે મોકલેલી કામવાળી પાસે હિસાબ માગતા શેઠાણીએ તેને પૂછ્યું : 'મેં તને ૨ કિલો બટાકા લાવવાનું કહ્યું હતું અને તું જે બટાકા લાવી છે તેનું વજન દોઢ કિલો છે. સાચું કહે બાકીના પૈસાનું શું કર્યું ?'
કામવાળી ગભરાઈ ગઈ અને કહ્યું : 'બાકીના પૈસાની મેં કુલ્ફી ખાધી.'
'આવી છેતરપીંડી ? અબ ઘડી મારું ઘર છોડીને ચાલી જા. નહીં તો તારાં હાડકાં ખોખરાં કરી નાખીશ.' શેઠાણીએ કામવાળીને ઘરમાંથી કાઢી મૂકી.
આવા પ્રસંગોની યાદી કરવા બેસીએ તો કદાચ વિશ્વની તમામ સ્ટેશનરીનો સ્ટોક ખલાસ થઇ જાય - માણસ માણસને જે રીતે છેતરી રહ્યો છે. એ જોતા એમ લાગે છે કે હજી આપણી ઇન્સાનિયતની યાત્રા અધૂરી છે.
'વિશ્વાસ જીવન છે અને અવિશ્વાસ મૃત્યુ' જેવા સૂત્રનો મર્મ સમજવા જેવો છે. વિશ્વાસનો અર્થ બુદ્ધિશૂન્ય શ્રદ્ધા કદાપિ નહીં. અકારણ સંશયી ન બનવું જેટલું જરૂરી છે, તેટલું જ આડેધડ કોઇની ઉપર આંધળો વિશ્વાસ ન મૂકવો એ પણ એટલું જ વ્યવહારોચિત છે. માણસને શંકાની નજરે ન જોવો જોઇએ એ કબૂલ, પણ જ્યાં સુધી એનું વર્તન શ્રદ્ધાસ્પદ ન લાગે ત્યાં સુધી તેના વર્તનનું તટસ્થ મૂલ્યાંકન કરવાનું પણ ભૂલવું ન જોઇએ.
ઘણીવાર આપણી વધુ પડતી ઉદારતા, બેદરકારી, સહેલાઇથી વિશ્વાસ મૂકવાની કમજોરી કે અસાવધાની, સામેની વ્યક્તિને બેઇમાન બનવાનું ખુલ્લું આમંત્રણ આપતી હોય છે. એટલે પ્રકારાન્તરે તો આપણે જ એની બેઇમાની માટે જવાબદાર ઠરીએ છીએ. ક્યારેક વટ, હઠ કે આવેશમાં આવીને પણ આપણે અન્યના વર્તનની ચકાસણી કરતા નથી અને પાછળથી છેતરાયાનો અનુભવ થાય ત્યારે રૌદ્રરૂપ ધારણ કરી ખળભળાટ મચાવી દેતા હોઇએ છીએ. રામકૃષ્ણ પરમહંસે સાવધાની રાખવાના કેટલાક સ્થાનોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તે નીચે જણાવેલ પાંચથી સાવધાન રહેવું સલાહભર્યું છે.
૧. જે વ્યક્તિનાં વચન જળપ્રવાહની જેમ આડેધડ વહેતાં હોય !
૨. જેના હૃદયના દ્વાર હંમેશા બંધરહે છે એવું લાગતું હોય.
૩. જે ભક્ત કાનમાં તુલસીપત્ર ભરાવીને પોતાની ભક્તિનું પ્રદર્શન લોકો સમક્ષ કરતો હોય.
૪. જે પાણી શેવાળથી ઢંકાએલું હોય.
છેતરાઇને રડવું એના કરતાં સાવધાની રાખીને હસતા રહેવું એમાં ડહાપણ છે.
બજારમાં ખરીદી કરતી વખતે ઘણા લોકો પોતાનો વટ પાડવા માટે દુકાનદાર, ફેરિયા કે શાકભાજીવાળો આપે તેવી વસ્તુઓ ખરીદી લે છે, અને ઘેર આવ્યા બાદ વજન કે ગુણવત્તાની દ્રષ્ટિએ ઉતરતી કક્ષાની વસ્તુ વેચનારે પધરાવી દીધાનો ખ્યાલ આવતા વિશ્વાસ કરીને ભૂલ કર્યા અંગે બળાપો વ્યક્ત કરતા હોય છે. હકીકતમાં વસ્તુ ખરીદતી વખતે કાનની સાથેસાથે આંખનો ઉપયોગ પણ કરવો જોઇએ. દુકાનદાર કે વિક્રેતા સાહેબ, બેન, મેડમ, શેઠાણી કે બા જેવા શબ્દોથી સંબોધે એનાથી ફૂલાઈને તેની મીઠાશના પ્રવાહમાં વહી 'અતિ શ્રદ્ધાશીલ' બનવાનું ઉચિત નથી.
આપણે સમજી લેવું જોઇએ કે સાવધાની એ શાણપણાની પહેલા ખોળાની પુત્રી છે. એટલે જોયા વગર કોઈ પીણું પીવું નહીં અને વાંચ્યા વગર કોઇપણ કાગળમાં હસ્તાક્ષર કરવા નહીં.
મૈત્રી સંબંધોમાં પણ અતિ વિશ્વાસને કારણે માણસને કડવા અનુભવ થયાના દાખલાઓની આ સંસારમાં ખોટ નથી. એક કહેવત છે કે 'કોઇને ય મિત્ર માનતા પહેલાં એની સાથે પાશેર મીઠું ખાવું જોઇએ.' મતલબ કે જ્યાં સુધી એની મૈત્રીની નિર્મળતા તથા સાચી આત્મીયતાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી એના પ્રવાહમાં તણાવું જોઇએ નહીં, કે આંધળો વિશ્વાસ રાખવો જોઇએ નહીં. શત્રુતાને મૈત્રીને ઓઠે વિકસવાનું ઘણીવાર વધુ અનુકુળ આવતું હોય છે. અને ધોખાબાજ કહેવાતા મિત્રો કે સહેલીઓ આવી તરકીબ અજમાવીને પોતાનો સ્વાર્થ સિધ્ધ કરી લેતા હોય છે. ઘણીવાર લોકો પડોશીઓનો સ્વભાવ, સંસ્કાર, રહેણી-કરણી અને ચારિત્ર્યની જાણકારી મેળવ્યા વગર લાગણીનો ધોધ વહેવડાવવા માંડે છે અને એવો સંબંધ ક્યારેક એમને મોંઘો પડી જાય છે. જ્યાં સુધી પડોશીની ખાનદાનીની ખાત્રી ન થાય ત્યાં સુધી એની સાથે બોલવા ચાલવા, વ્યવહારનો સંબંધ પ્રગાઢ બનાવવાની કોશિશ ન કરવામાં સલામતી છે.
સંતાનો કે સ્વજનો સાથે સ્નેહ અને સખ્યનો નાતો જરૂરી છે, પણ એ બાબતમાં ય સાવધાનીને સદંતર વિસ્મરવી આવકાર્ય નથી. બાળકને રોક્યા ટોક્યા વગર તેના વર્તનને જાણ્યા નાણ્યા વગર, તેની ટેવોને તપાસ્યા વગર કેવળ ભાવાવેશમાં તેને મનફાવતી - ભાવતી છૂટ આપવાથી બાળકને પથભ્રષ્ટ થવાની નિર્ભયતા વધે છે. યૌવનમાં પદાર્પણ કરતી યુવતી કે યુવકને મા-બાપ તરફથી મળતી બિનધાસ્ત છૂટ એને સ્વેચ્છાચારી, સ્વચ્છંદી કે બેકાબૂ બનવા માટે પ્રેરે છે અને તેથી તેમના તરફ અતિવિશ્વાસભર્યું બિનસાવધાન વલણ રાખવાને બદલે સ્વસ્થ વિશ્વાસભર્યું પણ સાવધાનીયુક્ત વલણ દાખવવું જોઇએ.
માણસ એટલે તકનો લાભ લેનાર પ્રાણી તક સુલભ હોય ત્યારે તે વિવેકને બદલે ક્ષણિક આનંદને વશ થવાનું પ્રલોભન ટાળી શક્તો નથી. એટલે જ ઘણીવાર બાળકો નિશાળેથી નીસરી પાંસરા ઘેર જવાને બદલે પાસે પૈસા હોય તો 'લારી' એ આંટો મારવાનું ભૂલતા નથી. એટલે છેતરાવા ન ઇચ્છનાર મા-બાપોએ આંખો તો ખુલ્લી રાખવી જ જોઇએ. છેતરાવાના અનેક રસ્તાઓ છે, જેનાથી આપણે વાકેફ રહેવું જોઇએ.
૧. ઘણીવાર કુપાત્ર માણસને મનની વાત કરવાથી તે વ્યક્તિ પરિસ્થિતિનો લાભ લઇને બ્લેકમેઇલ કરવા સુધીની નીચતા દેખાડે છે.
૨. માનદ સેવાઓ પૂરી પાડનાર 'સેવકો' ઘણીવાર આબાદ રીતે છેતરી જતા હોય છે. વીજળીનું બીલ ભરવાનું હોય, બેેંકમાં ડીપોઝીટ ભરવાની હોય, ઘર માટે ગ્રોસરી મંગાવવાની હોય ત્યારે આવા સેવકોની મદદ ઘણીવાર ભારે પડી જતી હોય છે. આવા સેવકો બે ત્રણ સારા કામ કરીને વિશ્વાસ પ્રાપ્ત કરી લે છે, પછી રફુચક્કર થઇ જાય છે. પછી આપણને પસ્તાવાનો વારો આવે છે.
૩. કોર્ટ કચેરીમાં કે બેંક બજારમાં કોઇની ગેરંટી આપીને મુશ્કેલીમાં મુકાતા લોકો પોતે ઘણીવાર પાયમાલ થઇ જતા હોય છે.
૪. હલકટ જ્યોતિષીઓ કે એકના ડબલ કરી આપવાના ધંધો કરતા ધુતારાઓ, આપણી ભલમનસાઈનો ભરપૂર લાભ લેતા હોય છે.
૫. પુત્ર કે પુત્રીને એક્સીડન્ટ થયાની બનાવટી ખબર આપી, સગાં-વહાલાંએ હોસ્પિટલમાંથી પૈસા મંગાવ્યાનું નાટક કરી છેતરી જતા બદમાસો વગેરે લોકો પણ સરળતાથી વિશ્વાસ મૂકવાની નબળાઈનો જ ભરપૂર લાભ લેતા હોય છે.
જો કે આ ચર્ચા પરથી એમ માનીને ચાલવાની જરૂર નથી કે કોઇએ કોઈનો વિશ્વાસ જ ન કરવો. આપણે માત્ર એટલું જ સમજવાની જરૂર છે કે આપણે ભોટમાં ખપીએ, ભોળવાઈ જઇએ, પ્રપંચ, દગો કે ચાલનો ભોગ બનીએ એટલી હદ સુધી આંખો બંધ રાખીને ન જીવવું જોઇએ.
વિશ્વાસ એ કુપાત્રને દાન કરવાની વસ્તુ નથી. શ્રદ્ધા આપણને છેતરી જવા માટેનો કોઈ હાથવગો પરવાનો નથી. એટલે જ આપણે થોડીક સાવધાનીથી આપણા જીવનમાં અકારણ આવતી આફતોની વણઝારને રોકવા માટે જરૂરી 'અવિશ્વાસ'નું શરણું શોધવું આવશ્યક છે. અહીં 'ચેતતા નર સદા સુખી'ની કહેવત લાગુ પડે છે.




