Gir Somnath

વન્યજીવોની ચિંતા છોડી સરકારને ફક્ત કમાણીમાં રસ! ગીરના જંગલમાં નવી 100 જીપ્સીનું તોળાતું ભારણ

By GS Team
8 Nov 20263 mins read
TukuTouch Logo
ગીર જંગલ સફારીમાં વધુ 100 જીપ્સીઓ ઉમેરવાના વન વિભાગના નિર્ણયથી સ્થાનિક જીપ્સી સંચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સાસણ ખાતે અત્યાર સુધી 182 જીપ્સીઓ કાર્યરત હતી, ત્યારે હવે આસપાસના 21 ગામોમાં નવી જીપ્સીઓને મંજૂરી અપાશે. આડેધડ નિર્ણયોથી ગીરની ઇકો-સિસ્ટમ અને સિંહોની પ્રજનન ક્ષમતા પર ગંભીર જોખમ ઉભું થયું છે. સ્થાનિકોએ તહેવારોમાં સફારી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વન્યજીવોની ચિંતા છોડી સરકારને ફક્ત કમાણીમાં રસ! ગીરના જંગલમાં નવી 100 જીપ્સીનું તોળાતું ભારણ
FILE PHOTO

Gir Jungle Safari : રાજ્ય સરકાર અને તેના વન વિભાગ દ્વારા જંગલ અને વન્ય પ્રાણીઓનાં સંરક્ષણની જવાબદારી ભૂલીને ગીરના જંગલોને માત્ર પ્રવાસન ઉદ્યોગનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. કોઈ પણ જાતના વૈજ્ઞાનિક અભ્યાસ વગર ઉપરથી લેવાઈ રહેલા આડેધડ નિર્ણયોને કારણે ગીરની ઈકો-સિસ્ટમ પર ગંભીર જોખમ ઊભું થયું છે. હાલ સાસણના જંગલમાં પહેલેથી જ ક્ષમતા કરતા વધુ ભારણ છે, ત્યારે હવે વન વિભાગ દ્વારા વધુ 100 જીપ્સીઓનું બર્ડન વધારવાની પેરવી શરૂ કરવામાં આવી છે જેને લઈને સ્થાનિક જીપ્સી સંચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

સરકારને મન સિંહોનું નહીં, ધંધાર્થીઓનું મહત્વ વધુ

સાસણ ખાતે અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ જંગલ સફારી માટે સામાન્ય દિવસોમાં સવાર, બપોર અને સાંજના સત્ર મળીને કુલ 150 (દર સત્રએ 50) તેમજ વીક-એન્ડ અને તહેવારોમાં કુલ 180 (દર સત્રએ 60) ઓનલાઈન પરમિટો આપવામાં આવતી હોય છે. આ પરમિટો પર અત્યાર સુધી માત્ર સાસણ ગામના સ્થાનિકોની 182 જીપ્સીઓ જ સંચાલન કરતી આવી છે. સરકાર દ્વારા હવે જે નવી પોલિસી અમલમાં મૂકવામાં આવી રહી છે તેમાં સાસણને બાદ કરી, સાસણની આસપાસના 10 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયાના કુલ 21 ગામોમાં 'ડ્રો' પદ્ધતિ દ્વારા નવા વાહનોને મંજૂરી આપવાનું નક્કી કરાયું છે. આ 21 ગામોની કુલ 30 હજારની વસ્તી સામે દર 300 લોકોની વસ્તીએ એક જીપ્સી ફાળવવાનું આયોજન કરાયું છે, જેનાથી સફારી પરમિટોમાં મોટો વધારો થશે.

સરકારી પરમિટની સંખ્યા અને પ્રાણીઓનાં જીવનમાં ખલેલ વધશે

વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે ગીરના સંવેદનશીલ જંગલમાં માનવીય દખલ અને વાહનોનો અતિશય વધારો સિંહોની પ્રજનન ક્ષમતા, વર્તણૂક અને વન્યજીવોના કોરિડોરને નુકસાન પહોંચાડે છે. અગાઉ ગિરનાર જંગલ સફારી અને પોરબંદરના બરડા જંગલમાં સફારી શરૂ કરવામાં આવી અને હવે સાસણમાં જીપ્સીઓની સંખ્યામાં આડેધડ વધારો કરવાના નિર્ણયો જંગલની ખરા અર્થમાં ધોર ખોદવા સમાન છે. પ્રવાસનના નામે વન વિભાગ દ્વારા વાણિજ્યિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવી રહ્યો છે જે સિંહ જેવા લુપ્તપ્રાય વન્યજીવ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવાને બદલે કમાણીના નવા ગતકડાં

દુષ્કાળની પરિસ્થિતિમાં માનવ અને વન્યજીવ વચ્ચે ઘર્ષણના મોટા બનાવોની શક્યતાઓ છે. હાલમાં થોડા સમયથી માનવ અને સિંહ-દીપડા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે, જેમાં માનવને જીવ ગુમાવવાનો અને પ્રાણીને જેલ ભોગવવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ વન્યજીવો માટે પાણીનું સુચારૂ આયોજન કરવું જરૂરી છે. ઘર્ષણ ટાળવા અને પાણીની સમસ્યા નિવારવાને બદલે સરકારે આવા ગતકડા કરી વિવાદો ઊભા કરવાને બદલે ખરા અર્થમાં માનવ અને વન્યજીવ માટે કામ કરવું જરૂરી બની ગયું છે.

સ્થાનિક જીપ્સી સંચાલકો દ્વારા તહેવારોમાં સફારી બહિષ્ટાકની શક્યતા

જો સરકાર દ્વારા આ નવી નીતિ પાછી ખેંચવામાં નહીં આવે અને જીપ્સી વધારવાનો નિર્ણય નહીં અટકાવવામાં આવે તો આગામી તહેવારોની સિઝનમાં જ સાસણના સ્થાનિક જીપ્સી સંચાલકો દ્વારા સફારીનો સંપૂર્ણ બહિષ્કાર કરી જીપ્સીઓ સદંતર બંધ કરી દેવાનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. જો આ સ્થિતિ સર્જાશે તો દેશ-વિદેશથી સાસણ આવતા પ્રવાસીઓને હાલાકી થશે અને પ્રવાસન ક્ષેત્રે અરાજકતા ફેલાશે.