Gir Somnath

ગીરના જંગલની ખેરાત! લાયસન્સ રદ થયેલા ગેરકાયદે રિસોર્ટને જંગલની જમીન વેચવાની તૈયારી

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટ ગીર અભયારણ્ય નજીક ગેરકાયદે રિસોર્ટ સામે કડક બનતા, અમરેલીના ધારી વન વિભાગની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. ધારી ડીસીએફ દ્વારા ખીચા ગામ નજીક લિયોનિયા રિસોર્ટને રસ્તો આપવા રિઝર્વ ફોરેસ્ટની 0.3 હેક્ટર જમીન વેચવાની દરખાસ્ત કરાતા વિવાદ થયો છે. પ્રવાસન વિભાગે લાયસન્સ રદ કર્યા છતાં વનતંત્રની મહેરબાનીથી આ દરખાસ્ત થતા સિંહપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીરના જંગલની ખેરાત! લાયસન્સ રદ થયેલા ગેરકાયદે રિસોર્ટને જંગલની જમીન વેચવાની તૈયારી

Gir Forest Illegal Resort: ગુજરાત હાઇકોર્ટ એક તરફ ગીર અભયારણ્યની આસપાસ ધમધમતા ગેરકાયદે હોટલ-રિસોર્ટ સામે કડક વલણ અપનાવી તંત્ર પાસે યાદી માંગી રહ્યું છે. બીજી તરફ અમરેલી જિલ્લાના ધારી વન વિભાગની સાઠગાંઠ અને શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. રહેણાક હેતુની જમીનમાં વાણિજિયક હેતુ સાથેના એક આલીશાન ગેરકાયદે રિસોર્ટને રસ્તો કરી આપવા માટે ધારી ડીસીએફ દ્વારા રિઝર્વ ફોરેસ્ટ (જંગલ)ની જમીન વેચી દેવા એફસીએ હેઠળ દરખાસ્ત કરવામાં આવતાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.

ધારી નજીક રહેણાંક હેતુની જમીનમાં ધમધમતા લિયોનિયા રિસોર્ટને 0.3 હેક્ટર જમીન વેંચવા ડીસીએફે દરખાસ્ત કરી

ધારી તાલુકાના ખીચા ગામના સર્વે નંબર 184ની 9358 ચોરસ મીટર જમીન વર્ષ 2018માં વન વિભાગના અભિપ્રાય સાથે માત્ર રહેણાક હેતુ માટે બિનખેતી થઈ હતી. 34 જેટલી આકરી શરતો સાથે મળેલી મંજૂરીનો સરેઆમ ભંગ કરીને અહીં લિયોનીયા હેરિટેજ હોમ સ્ટે એન્ડ રિસોર્ટ નામે આલીશાન વાણિજ્યિક પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ હતી. આ જમીનને અડીને જ રિઝર્વ ફોરેસ્ટ આવેલું છે.

રિસોર્ટ સંચાલકોએ અગાઉ વન વિભાગની સરહદી દીવાલ તોડીને જંગલમાંથી ગેરકાયદે રસ્તો બનાવી લીધો હોવાનું જણાતાં જે તે સમયે વન વિભાગે દંડ ફટકારીને આ દીવાલ રિપેર કરાવી હતી, પરંતુ હવે ધારી ડીસીએફ દ્વારા નિયમોને નેવે મૂકીને આ ગેરકાયદે રિસોર્ટને કાયદેસર રસ્તો આપવા માટે રિઝર્વ ફોરેસ્ટની 0.3 હેક્ટર જમીન આપવાની દરખાસ્ત ગાંધીનગર પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટી સમક્ષ મોકલી અકળ મહેરબાની દર્શાવવામાં આવી છે. આ જ અફસરે બાબ૨કોટ નજીક રિઝર્વ ફોરેસ્ટની જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે આપવા દરખાસ્ત કરી હતી. હજુ તે વિવાદ બંધ નથી થયો ત્યાં ગેરકાયદેસર હોટલ માટે જંગલની જમીન વેંચવા દરખાસ્ત કરાતાં મોટો વિવાદ ઊભો થયો છે.

ટુરિઝમ વિભાગે લાયસન્સ રદ કર્યું છતાં વનતંત્રના આશીર્વાદ!

વન વિભાગના શરતભંગ અંગેના વિરોધ બાદ પ્રવાસન વિભાગે 13 માર્ચ 2025ના રોજ આ રિસોર્ટનું હોમ સ્ટે લાયસન્સ રદ કરી દીધું હતું. હોમ સ્ટેનું લાયસન્સ રદ થયું હોવા છતાં અને વાણિજ્યિક વપરાશની મંજૂરી જ ન હોવા છતાં આ ગેરકાયદે રિસોર્ટ માટે જંગલની જમીન પધરાવી દેવાની તજવીજ કોના ઈશારે થઈ રહી છે? તે મોટો સવાલ છે.

જવાબદાર અધિકારી સામે દાખલારૂપ પગલાં ક્યારે ?

રાજ્ય સરકાર એશિયાટિક સિંહના સંરક્ષણ માટે 1 ઈંચ પણ નવું જંગલ બનાવી શકે તેમ નથી, ત્યારે બીજી તરફ ઉદ્યોગો અને ગેરકાયદે રિસોર્ટ માલિકોને જંગલની જમીનો ભેટ ધરી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. સિંહપ્રેમીઓનો આરોપ છે કે, ધારી ડીસીએફ દ્વારા અવારનવાર આવા વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવે છે છતાં પણ સીઈએફ, પીસીસીએફ, હેડ ઓફ ફોરેસ્ટ, અગ્ર સચિવ કે મંત્રી કક્ષાએથી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.

ગીરના ઈતિહાસમાં આટલો વિવાદાસ્પદ નિર્ણય લેવાયાનો આ પહેલો કિસ્સો છે. સરકારે આ કૌભાંડમાં સામેલ જવાબદારોને છાવરવાનું બંધ કરી તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ.