Gandhinagar

ગુજરાતમાં દવાના વ્યવસાયની કડવી હકીકત, નામધારી ફાર્માસિસ્ટના સહારે મેડિકલ સ્ટૉર ચલાવવાનો ખેલ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 15,508 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ હોવા છતાં, અનેક મેડિકલ સ્ટોર્સ લાયસન્સ 'ભાડે' લઈને નિયમોનો ભંગ કરી રહ્યા છે. ભાવનગરમાં એક ફાર્માસિસ્ટના લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો પકડાયો, જ્યારે વડોદરામાં 7 પેઢીઓને નોટિસ અને 1 દુકાનનું લાયસન્સ રદ કરાયું. ફાર્માસિસ્ટની હાજરી અનિવાર્ય છે, અને લાયસન્સનો દુરુપયોગ ગંભીર ગુનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દવાના વ્યવસાયની કડવી હકીકત, નામધારી ફાર્માસિસ્ટના સહારે મેડિકલ સ્ટૉર ચલાવવાનો ખેલ

Gujarat Registered Pharmacists : કોઈ પણ નાગરિક જ્યારે દવાની દુકાને જાય ત્યારે તેને હંમેશા એ વાતનો ભરોસો હોય છે કે તેને યોગ્ય માન્યતા ધરાવતા ફાર્માસિસ્ટ દ્વારા જ દવા આપવામાં આવી રહી છે. પરંતુ 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી વચ્ચે ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી હકીકત સામે આવી છે. જ્યાં રાજ્યમાં અનેક મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના લાયસન્સ 'ભાડે' લઈને નિયમો સાથે ચેડાં કરીને ધમધમી રહ્યા છે. ફાર્મસી કાઉન્સિલના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 15,508 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નોંધાયેલા છે અને આ બાબતમાં ગુજરાત દેશભરમાં સાતમા ક્રમે આવે છે, પરંતુ લાયસન્સના વ્યવસ્થિત દુરુપયોગનો આ મુદ્દો હવે આરોગ્ય તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

ફાર્માસિસ્ટનું લાયસન્સ એક જવાબદારીનું સત્તાવાર પ્રમાણપત્ર છે

નિયમો અનુસાર ફાર્માસિસ્ટનું લાયસન્સ એ માત્ર નામ કે કાગળનો ટુકડો નથી પરંતુ તે જવાબદારીનું સત્તાવાર પ્રમાણપત્ર છે, જેમાં મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની રૂબરૂ હાજરી અને દેખરેખ હોવી અનિવાર્ય છે. માત્ર અન્ય વ્યક્તિના નામે લાયસન્સ મેળવીને દુકાન ચલાવવી કે પોતાનું લાયસન્સ અન્ય કોઈને વાપરવા માટે આપવું સંપૂર્ણપણે ગેરકાયદે છે. તાજેતરમાં ભાવનગર પોલીસે એક નોંધાયેલા ફાર્માસિસ્ટની ધરપકડ કરી હતી, જેના લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત કફ સિરપ સહિતનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યો હતો. આ પ્રકારની ગેરરીતિ માત્ર એકલદોકલ કિસ્સા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વડોદરામાં પણ તપાસ દરમિયાન ગેરરીતિ અને લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટની ગેરહાજરી માલૂમ પડતાં વિભાગ દ્વારા 7 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. એક દુકાનનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું અને 83 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

ફાર્માસિસ્ટની હાજરી ખૂબ જ જરૂરી

ફૂડ ઍન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન(FDCA) દ્વારા મેડિકલ સ્ટોર્સ પર સતત તપાસ કરવામાં આવે છે કે દુકાનમાં ફાર્માસિસ્ટ હાજર છે કે નહીં તેમજ ખરીદી-વેચાણના રૅકોર્ડ નિયમો મુજબ જળવાયા છે કે નહીં. જો નિયમભંગ માલૂમ પડે તો લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની સાથે કાયદાકીય ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવે છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લાયસન્સનો અર્થ માત્ર દુકાન ચલાવવાની છૂટ નથી પરંતુ દવાઓના કાયદેસર અને જવાબદાર વેચાણની મોટી નૈતિક ફરજ પણ છે, તેથી ફાર્માસિસ્ટનું લાયસન્સ અન્યના હવાલે કરવું કે ભાડે આપવું એ સમગ્ર દવા નિયંત્રણ તંત્ર માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.

image.png