તાલુકા કક્ષાના કામોમાં ધક્કા બંધ! સરકારે આયોજન સમિતિઓનું વિલીનીકરણ કરી 'UTPC'ની કરી રચના, હવે એક જ સ્થળેથી મળશે મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Forms UTPC: ગુજરાત સરકારે વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી તાલુકા કક્ષાએ કાર્યરત બે અલગ-અલગ આયોજન સમિતિઓને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની 'તાલુકા આયોજન સમિતિ' અને 'ATVT તાલુકા કાર્યવાહક આયોજન સમિતિ'નું વિલીનીકરણ કરીને 18 સભ્યોની નવી 'યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી' (UTPC) ની રચના કરી છે.આ નિર્ણય ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) ના ચોથા અહેવાલની ભલામણોને આધારે લેવામાં આવ્યો છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
GARCના રિપોર્ટ મુજબ, અગાઉ તાલુકા કક્ષાએ અલગ-અલગ યોજનાઓ માટે જુદી-જુદી સમિતિઓની બેઠકો બોલાવવી પડતી હતી. જેમાં કામોનું પુનરાવર્તન થવું, નિર્ણય લેવામાં વિલંબ થવો અને વહીવટી પ્રક્રિયા લાંબી ખેંચાવાની સમસ્યાઓ રહેતી હતી. હવે એક જ એકીકૃત સમિતિ (UTPC) હોવાથી વિકાસ કાર્યોની મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયા ઝડપી બનશે.
UTPCનું માળખું: કોણ-કોણ રહેશે સામેલ?
18 સભ્યો ધરાવતી આ નવી રચાયેલી યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીનું માળખું નીચે મુજબ રહેશે
અધ્યક્ષ: તાલુકા પંચાયતના પ્રમુખ
સહ-અધ્યક્ષ: પ્રાંત અધિકારી (SDM)
સભ્ય સચિવ: તાલુકા વિકાસ અધિકારી (TDO)
અન્ય સભ્યો: વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તેમજ આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, રોડ-મકાન અને કૃષિ વિભાગના અધિકારીઓ.
સામાન્ય નાગરિકો અને વિકાસ કાર્યો પર શું અસર પડશે?
આ નવી સમિતિ દ્વારા તાલુકાના શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રસ્તાઓ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોનું સંકલિત આયોજન કરવામાં આવશે. અલગ-અલગ સમિતિઓની મંજૂરીઓની ગૂંચવણ દૂર થતાં સ્થાનિક જરૂરિયાત મુજબના વિકાસ કામો ઝડપથી શરૂ થઈ શકશે.









