Gandhinagar

'વાઈબ્રન્ટના વાયદા' હવામાં, ગુજરાતમાં ડોલ્ફિન ક્રૂઝ પ્રોજેક્ટ માળિયે ચઢાવાયો, પ્લાન ફક્ત કાગળે રહ્યો

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાતની દરિયાઈ જૈવવિવિધતા દર્શાવવા દ્વારકા ડોલ્ફિન ક્રૂઝ પ્રોજેક્ટ વ્હાઇટ એલિફન્ટ બન્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં ડોલ્ફિન ટુરિઝમ વિકસાવવાની વાત થઈ હતી, પણ હવે સરકારી ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યો છે. શિવરાજપુર અને પોશિત્રા ડોલ્ફિન જોવાના શ્રેષ્ઠ સ્થળો છે, છતાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું છે. 600થી વધુ ડોલ્ફિન હોવા છતાં પ્રવાસન વિભાગ ચૂપ છે, જેનાથી પ્રવાસીઓમાં ભારે નારાજગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વાઈબ્રન્ટના વાયદા' હવામાં, ગુજરાતમાં ડોલ્ફિન ક્રૂઝ પ્રોજેક્ટ માળિયે ચઢાવાયો, પ્લાન ફક્ત કાગળે રહ્યો

Dwarka Dolphin Cruise Project: ગુજરાતની દરિયાઇ જૈવવિવિધતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે ડોલ્ફિન ટુરિઝમ વિકસાવવાનું નક્કી કરાયું હતું. પ્રવાસીઓ લક્ઝરી બોટ કે ક્રૂઝ મારફતે ડોલ્ફિનને તેના કુદરતી નિવાસસ્થાનમાં ઉછળતી-કૂદતી જોઈ શકે તેવો આ આખો રોડમેપ હતો. આ પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારી અને પ્રવાસનને મોટો વેગ મળવાની આશા હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટ પૂરી થતાં જ આ વાતો પણ ભુલાઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે 600થી વધુ ડોલ્ફિન નોંધાયેલી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શિવરાજપુર અને પોશિત્રા ડોલ્ફિન નિહાળવા માટેના સર્વશ્રેષ્ઠ સ્પોટ માનવામાં આવે છે. ઓખાથી લઈને નવલખી સુધીના દરિયાઇ પટ્ટામાં સૌથી વધુ ડોલ્ફિન જોવા મળે છે. મોટી સંખ્યામાં ડોલ્ફિન હોવા છતાં ટુરિઝમ તરીકે વિકાસ કરવામાં સરકારી તંત્ર-ટુરિઝમ કોર્પોરેશન સદંતર નિષ્ફળ રહ્યું છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ વિશે વન વિભાગ કે પ્રવાસન વિભાગ હરફ સુદ્ધાં ઉચ્ચારતા નથી. કાયમી સંરક્ષણ અને પ્રવાસન વધારવાના સરકારી દાવાઓ વચ્ચે આખો પ્રોજેક્ટ હાલ સરકારી ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યો છે, જેને પગલે પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓમાં ભારોભાર નારાજ છે.

મનોરંજન કરતી ડોલ્ફિનની વિશેષતા

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં મુખ્યત્વે ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન તેમજ બોટલનોઝ ડોલ્ફિન એમ બે પ્રકારની ડોલ્ફિન સૌથી વધુ જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન ‘માનવમિત્ર જળચર’ તરીકે જાણીતી છે તેમજ તેના બૌદ્ધિક - મનોરંજક સ્વભાવ માટે ફેવરિટ છે. ડોલ્ફિન પાણીની લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્ટ્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે.

ગુજરાતમાં ડોલ્ફિન ક્યાં જોવા મળે છે

શિવરાજપુર બીચે બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ બીચનું પાણી અત્યંત સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી નજરે પડે છે. ઓખાથી નવલખી સુધી મરીન નેશનલ પાર્કમાં ડોલ્ફિન વધુ જોવા મળે છે. દ્વારકાથી પોરબંદર હાઇવે પર આવેલો બીચ ડોલ્ફિન સ્પોટિંગ માટે પ્રવાસીઓમાં નવું ‘હિડન જેમ’ બન્યો છે. ભાવનગરના અલંગ અને ગોપનાથ આસપાસના દરિયામાં પણ માછીમારો અને પ્રવાસીઓને ડોલ્ફિન જોવા મળે છે.