દર્દીઓ રામભરોસે : કમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર સ્પેશિયલ ડૉક્ટરોની 65% ઘટ, જુઓ ક્યાં કેટલા સ્ટાફની જરૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Specialist Doctors Shortage Gujarat CHC: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ‘હેલ્થ ડાયનામિક્સ ઓફ ઈન્ડિયા 2024-25’ રિપોર્ટમાં ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્થાની સચ્ચાઈ ઉજાગર કરી છે. આ અહેવાલ મુજબ, ગુજરાતમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર થી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી નિષ્ણાત ડોક્ટરો, ન સંગ સ્ટાફ અને માળખાકીય સુવિધાઓની મોટી અછત જોવા મળી રહી છે. માત્ર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 65 ટકા સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો જ નથી.
નર્સિંગની 2203, ફાર્માસિસ્ટની 147, લેબ ટેકનિશિયનની 401, મેડિકલ ઓફિસરની 81, ડોક્ટરોની 380 જગ્યા ખાલી
રિપોર્ટના આંકડા મુજબ, રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની મંજૂર થયેલી 485 જગ્યાઓમાંથી 317 જગ્યાઓ ખાલી છે, જે 65.3 ટકા જેટલી મોટી ઘટ દર્શાવે છે. રાજ્યના 353 કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નિયમ મુજબ સર્જન હોવા જોઈએ, પરંતુ તેની સામે માત્ર 22 સર્જન જ કાર્યરત છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યના 353 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં માત્ર 58 ગાયનેકોલોજિસ્ટ અને 57 બાળરોગ નિષ્ણાત ડોક્ટરો ઉપલબ્ધ છે. ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ 380 ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. માત્ર ડોક્ટરો જ નહીં, પરંતુ હોસ્પિટલોની કરોડરજ્જુ ગણાતા નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની પણ મોટી અછત છે. રાજ્યમાં 6514 નર્સિંગ સ્ટાફની જરૂરિયાત સામે 2203 જગ્યાઓ ખાલી છે. કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૦૧ લેબ ટેકનિશિયનોની ઘટ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રોમાં 155 રેડિયોગ્રાફર અને 147 ફાર્માસિસ્ટની જગ્યાઓ ખાલી છે.
આરોગ્ય કેન્દ્રોમાં 24 કલાક સારવાર અને ઓપરેશન થિયેટરની અછત.
આરોગ્ય કેન્દ્રમાં 24 કલાક સારવાર અને ઓપરેશન થિયેટરની સુવિધાની સ્થિતિ પણ ચિંતાજનક છે. ગ્રામ્ય વિસ્તારના 1492 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી માત્ર 485 કેન્દ્રો જ 24 કલાક કાર્યરત છે અને 320 કેન્દ્રોમાં ઓપરેશન થિયેટર ચાલુ છે. બીજી તરફ, શહેરી વિસ્તારના 428 આરોગ્ય કેન્દ્રોમાંથી એક પણ સેન્ટર 24 કલાક માટે કાર્યરત નથી, અને માત્ર 23 આરોગ્ય કેન્દ્રમાં જ ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ છે.
શહેરોમાં 300 નવા આરોગ્ય કેન્દ્રોની જરૂર, ગરીબો ખાનગીમાં જવા મજબૂર.
રાજ્યના શહેરી વિસ્તારોમાં આશરે 3.64 કરોડની વસ્તી સામે 728 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત છે, પરંતુ હાલમાં માત્ર 428 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જ કાર્યરત છે. આમ, શહેરી વિસ્તારોમાં 41 ટકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘટ છે અને નવા 300 આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત વર્તાઈ રહી છે. ટૂંકમાં, ડોક્ટરોથી માંડીને નર્સિંગ સ્ટાફના અભાવે ગરીબ દર્દીઓને મજબૂરવશ નાછૂટકે શહેરોમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે આવવું પડે છે.




