નોરા ફતેહીને ચાર્ટર્ડ પ્લેનને ‘રમકડું’ કહેવું ભારે પડ્યું, ગાંધીનગર કોર્ટમાં ₹3 કરોડનો માનહાનિનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Case Against Nora Fatehi in Gandhinagar Court | બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી માટે એક બિઝનેસ જેટને 'રમકડાનું પ્લેન' (Toy plane) અને 'લેગો પ્લેન' (Lego plane) કહેવું ભારે પડી ગયું છે. ગાંધીનગરની એક પ્રાઇવેટ એવિયેશન કંપનીએ અભિનેત્રી નોરા ફતેહી સામે કાનૂની કાર્યવાહી કરતાં ગાંધીનગર સિવિલ કોર્ટમાં રૂ. 3 કરોડનો માનહાનિનો દાવો ઠોકી દીધો છે.
શું હતો સમગ્ર મામલો?
માહિતી મુજબ, 14 ડિસેમ્બર 2025ના રોજ નોરા ફતેહી અને તેની ટીમે 'ડ્યુન્સ એવિએશન' (Dunes Aviation) ના 'Cessna Citation CJ2' (કોલ સાઇન VT-NDA) નામના ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી જયપુર સુધીનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન નોરા ફતેહીએ કેટલાક વીડિયો પણ શૂટ કર્યા હતા અને પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી તરીકે પોસ્ટ કર્યા હતા.
નોરાએ એમેઝોનમાંથી મંગાવેલું રમકડું ગણાવ્યું હતું
કંપનીએ આરોપ લગાવ્યો છે કે નોરા ફતેહીએ વિમાનની સુરક્ષા અને ગુણવત્તા પર સવાલો ઉઠાવતા અપમાનજનક નિવેદનો આપ્યા હતા. એક વીડિયોમાં તેણે એવું પણ કહ્યું હતું કે, "આ તો એક રમકડું છે; જ્યારે તમે એમેઝોન પરથી પ્લેન ઓર્ડર કરો છો ત્યારે આવું જ મળે છે".
કંપનીનો દાવો અને નુકસાનની વિગતો
કંપનીના જણાવ્યા મુજબ નોરાએ કોઈપણ ટેકનિકલ જ્ઞાન વગર એવિયેશન સેફ્ટી પર બેજવાબદાર નિવેદનો આપ્યા છે. આ વિમાન ઉદ્યોગના ધોરણો મુજબનું 'બિઝનેસ જેટ' છે અને મુંબઈથી જયપુર સુધીની સફર તેણે પૂર્ણ સુરક્ષા સાથે પૂર્ણ કરી હતી, જે નોરાના દાવાઓને ખોટા સાબિત કરે છે. નોરાના ઇન્સ્ટાગ્રામ પર 4.66 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેના આ વીડિયો વાઈરલ થયા બાદ 45 થી 50 દિવસની અંદર કંપનીના ફ્લાઇટ બુકિંગમાં 15 થી 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને મોટા પાયે બુકિંગ કેન્સલ થયા હતા, જેનાથી કંપનીની બિઝનેસ અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું હતું.
લીગલ નોટિસનો જવાબ ન આપતા કોર્ટે ફટકારી નોટિસ
કંપનીએ દાવો દાખલ કરતા પહેલા નોરા ફતેહીને લીગલ નોટિસ પણ મોકલાઈ હતી, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. જેથી કંપનીએ વળતર મેળવવા તેમજ તે વીડિયો સોશિયલ મીડિયા પરથી તાત્કાલિક હટાવવાના કોર્ટ ઓર્ડર માટે સિવિલ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ગાંધીનગર સિવિલ કોર્ટે આ મામલે નોરા ફતેહીને નોટિસ ઇશ્યૂ કરી હતી. હાલ આ કેસ રિજોઇન્ડર (rejoinder) તબક્કે છે અને તેની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.




