STમાં મુસાફરી દરમિયાન કાગળની ટિકિટ સાચવવાની ઝંઝટ ખતમ, હવે રેલવેની જેમ SMS ટિકિટ પણ માન્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSRTC Ticket Update: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા પેસેન્જરોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બસ સ્ટેશનના કાઉન્ટર પરથી બુક કરાવેલી ટિકિટ માટે કાગળની ટિકિટ સાચવી રાખવાની જરૂર નહીં પડે. કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવ્યા બાદ પેસેન્જરના મોબાઇલ નંબર પર ટિકિટનો SMS પણ આવશે. મુસાફરી દરમિયાન આ SMS મોબાઇલમાં બતાવીને ટિકિટ તરીકે માન્ય કરાવી શકાશે.
રેલવેમાં ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા બાદ મોબાઇલમાં આવતો ટિકિટનો SMS માન્ય ગણવામાં આવે છે. જોકે, રેલવેની મુસાફરીની જેમ GSRTCમાં પણ SMSના આધારે મુસાફરી કરતી વખતે પેસેન્જરે ઓરિજિનલ ઓળખપત્ર સાથે રાખવું પડશે. ટિકિટ ચેકિંગ દરમિયાન કંડક્ટર SMSની સાથે ઓળખપત્ર પણ ચકાસી શકે છે.
કાઉન્ટર ટિકિટનો SMS મોબાઇલમાં આવશે
અત્યાર સુધી GSRTCના કાઉન્ટર પરથી ટિકિટ લીધા બાદ પેસેન્જરોએ કાગળની ટિકિટ સાચવીને રાખવી પડતી હતી. મુસાફરી દરમિયાન ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય તો મુશ્કેલી ઊભી થતી હતી. હવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવ્યા બાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS મોકલવામાં આવશે. મુસાફરી દરમિયાન કંડક્ટર ટિકિટ ચેક કરે ત્યારે પેસેન્જર મોબાઇલમાં આવેલો SMS બતાવી શકશે. આથી કાગળની ટિકિટ સાચવવાની જરૂરિયાત ઘટશે અને ડિજિટલ માધ્યમથી ટિકિટ બતાવવાની સુવિધા મળશે.
ઓરિજિનલ ID પ્રૂફ ફરજિયાત
SMSમાં ટિકિટ મળ્યા બાદ પણ પેસેન્જરે મુસાફરી દરમિયાન અસલ ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. કંડક્ટર દ્વારા ટિકિટ ચેકિંગ વખતે SMS ઉપરાંત ઓરિજિનલ ID પ્રૂફની ચકાસણી કરવામાં આવી શકે છે. તેથી પેસેન્જરોએ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અન્ય માન્ય સરકારી ઓળખપત્ર સાથે રાખવું પડશે.
રેલવે બાદ હવે એસટીમાં પણ ડિજિટલ સુવિધા
રેલવેમાં મોબાઇલમાં આવેલા ઓનલાઈન ટિકિટના મેસેજને માન્ય રાખવાની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે. હવે GSRTC દ્વારા કાઉન્ટર પરથી બુક થતી ટિકિટને પણ SMS સાથે જોડવામાં આવતા એસટી પેસેન્જરોને કાગળની ટિકિટ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળશે. ડિજિટલ સુવિધા તરફ GSRTCનું આ વધુ એક પગલું છે.




