Gandhinagar

VDIEO| રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ યથાવત: દાખલા-પ્રમાણપત્રો માટે અરજદારો અને વિદ્યાર્થીઓ હેરાન, સરકાર મૌન

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મહેસૂલ વિભાગના વર્ગ-3ના હજારો કર્મચારીઓ 14 પડતર માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કારકુનો સહિતના કર્મચારીઓની આ રાજ્યવ્યાપી હડતાળથી સરકારી કચેરીઓનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. અમરેલી, છોટાઉદેપુર, નસવાડી અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો થયા. અરજદારોના આવકના દાખલા અને જમીન સંબંધિત કામગીરી અટકી પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VDIEO| રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ યથાવત: દાખલા-પ્રમાણપત્રો માટે અરજદારો અને વિદ્યાર્થીઓ હેરાન, સરકાર મૌન

Gujarat Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંકી દીધું છે. વિવિધ 14 જેટલી વ્યાજબી માંગણીઓનું નિરાકરણ ન આવતાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને રેવન્યુ કારકુન સહિતની કેડરના હજારો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી જતાં સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.

14 મુખ્ય માંગણીઓને લઈને આક્રમક વલણ

વર્ષ 2012થી પેન્ડિંગ નાયબ મામલતદારોના પ્રમોશન, રેવન્યુ તલાટીઓ પરનું કામનું ભારણ ઘટાડવું અને અન્યાયી બદલીઓ રદ કરવા જેવી મુખ્ય માંગણીઓ સાથે કર્મચારીઓ રસ્તા પર ઊતર્યા છે. અગાઉ માસ સી.એલ. પર ઊતરીને સરકારને અલ્ટીમેટમ આપવા છતાં પણ કોઈ સંતોષકારક ઉકેલ ન આવતાં આખરે કર્મચારી મંડળે રાજ્યવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

જિલ્લાઓમાં વિરોધના વંટોળ: ક્યાં કેવી અસર?

અમરેલી: કલેક્ટર કચેરી બહાર મહેસૂલી કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ ધરણાં પ્રદર્શન યોજી હડતાળમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુર અને નસવાડીમાં જિલ્લા સેવાસદન ખાતે આશરે 300 જેટલા કર્મચારીઓ હાથમાં પ્લે કાર્ટ્સ સાથે હડતાળ પર બેઠા છે. નસવાડી તાલુકા સેવાસદનના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાતાં આદિવાસી વિસ્તારના 212 જેટલા ગામોના અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં પણ રેવન્યુ કર્મચારીઓએ કચેરી કામકાજનો સંપૂર્ણ બહિષ્કાર કરીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો છે.

અરજદારો અને વિદ્યાર્થીઓ ભારે હેરાન-પરેશાન

અચોક્કસ મુદતની આ હડતાળના કારણે સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓના આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો તેમજ જમીન-મહેસૂલને લગતી કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે, જેના કારણે કચેરીઓએ આવતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

કર્મચારી મંડળની સ્પષ્ટ ચીમકી

કર્મચારી મંડળના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની 14 જેટલી ન્યાયિક માંગણીઓનું સંતોષકારક અને કાયમી નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી આ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે.