ગાંધીનગર એલસીબી દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરની ધરપકડ. 7 ચોરીના ભેદ ઉકેલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Theft Case: ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ગેંગના એક રીઢા આંતરરાજ્ય ચોરને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સ્કોર્પિયો ગાડી અને સોના-હીરાના દાગીના સહિત 7.36 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુલ 7 અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.
ઓગણજ સર્કલ પાસેથી આરોપી ઝડપાયો
પોલીસ પેટ્રોલીંગ, હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીને પગલે LCB ગાંધીનગરની ટીમે ઓગણજ સર્કલથી વડસર તરફ જતા રોડ પર એક સ્કોર્પિયો કારને કોર્ડન કરી હતી. પોલીસે કારમાંથી આરોપી સાગર ઉર્ફે સાગલો કાંતીલાલ ગમેતી (ઉં.વ. 25, રહે. ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી પોલીસે 7,36,600 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કબજે કરેલા મુદ્દામાલમાં 36,000 રૂપિયાની કિંમતની વ્હાઈટ ગોલ્ડ હીરા જડીત વીંટી, 7,00,000 રૂપિયાની કિંમતની સ્કોર્પિયો કાર, 500 રૂપિયાનો લોખંડનો જેક અને 100 રૂપિયાની કિંમતના બે ડીસમીસનો સમાવેશ થાય છે. આરોપીની સઘન પૂછપરછ અને ટેકનીકલ એનાલીસીસના આધારે સાંતેજ પોલીસ સ્ટેશનના 2, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના 1, માણસા પોલીસ સ્ટેશનના 1, બાવળું પોલીસ સ્ટેશનના 2 અને કડી પોલીસ સ્ટેશનના 1 એમ કુલ 7 જેટલા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
દિવસે મજૂરીના બહાને રેકી, રાત્રે જેક વડે નકુચા તોડી ચોરી
આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાક હતી. તે પોતાના મોજ-શોખ અને વૈભવી લાઈફસ્ટાઈલ માટે દિવસે અલગ-અલગ સાઈટો પર મજૂરી કામ કરવાના બહાને સોસાયટીઓની રેકી કરતો હતો. રાત્રિના સમયે બંધ મકાનોને ટાર્ગેટ બનાવી પોતાની પાસે રહેલા લોખંડના જેક વડે બારીના સળિયા અથવા દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતો હતો. ચોરી કરેલા દાગીના વેચવા જતી વખતે જ તે પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલા આરોપી સાગર ઉર્ફે સાગલોનો મોટો ગુનાઈત ઈતિહાસ છે. તેની સામે અગાઉ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 14 અને રાજસ્થાન રાજ્યમાં 5 મળીને કુલ 19 જેટલા ચોરી, લૂંટ અને ઘરફોડના ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.









