JEE ટોપર્સને ગુજરાતની IIT પસંદ નથી! ટોપ 1000માંથી 1 પણ ગાંધીનગર ન ગયો, બોમ્બેમાં પડાપડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

JEE Advanced 2026: દેશની આઈઆઈટીમાં પ્રવેશ માટેની JEE એડવાન્સ પરીક્ષાના પરિણામ બાદ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. પાંચથી છ ઓનલાઈન પ્રવેશ રાઉન્ડ બાદ પ્રવેશ પ્રક્રિયાને અંતે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી દ્વારા દર વર્ષે પરીક્ષા, પરિણામ અને પ્રવેશનો ફાઈનલ રિપોર્ટ જાહેર કરાય છે. આ વર્ષના 2026ના રિપોર્ટ મુજબ, આ વર્ષે પણ દેશના ટોપ એક હજાર વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થીએ આઈઆઈટી ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી.
છેલ્લા પાંચ વર્ષથી ટોપર્સની પસંદગીમાં આઈઆઈટી ગાંધીનગર બહાર
છેલ્લા પાંચ વર્ષના રિપોર્ટ પર નજર કરીએ તો, આઈઆઈટી ગાંધીનગરમાં એડવાન્સના ટોપ એક હજાર રેન્કરમાંથી વિદ્યાર્થીઓ આવતા જ નથી. એટલું જ નહીં, ગુજરાતના ટોપર્સની પણ આઈઆઈટી ગાંધીનગર પહેલી પસંદ રહેતી નથી. વર્ષ 2025માં ટોપ 1000માંથી માત્ર 1, ટોપ 2000માંથી 17 અને ટોપ 5000માંથી 87 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2024માં માત્ર એક જ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો અને વર્ષ 2022 તેમજ 2023માં પણ દેશના ટોપ 1000માંથી એકપણ વિદ્યાર્થીએ આ સંસ્થામાં પ્રવેશ લીધો ન હતો.
આઈઆઈટી બોમ્બે વિદ્યાર્થીઓની સર્વોત્તમ પસંદગી
દેશમાં કુલ 23 આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી) આવેલી છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈઆઈટી બોમ્બે વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી છે. એડવાન્સ પરીક્ષાના દેશના ટોપ પાંચ હજાર વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ આઈઆઈટી મુંબઈમાં પ્રવેશ લીધો છે. આ વર્ષે આઈઆઈટી બોમ્બેમાં ટોપ 100માંથી 68, ટોપ 200માંથી 99, ટોપ 500માંથી 183, ટોપ 1000માંથી 406 અને ટોપ 5000 રેન્કમાંથી 764 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
આઈઆઈટી ગાંધીનગરનું આ વર્ષનું એકંદર ચિત્ર
આ વર્ષે આઈઆઈટી ગાંધીનગરમાં કુલ 361 પ્રવેશ થયા છે, જેમાં 20 ટકા યુવતીઓ સામેલ છે. જોકે, જેઈઈ એડવાન્સ 2026ના રિપોર્ટ મુજબ ટોપ એક હજાર વિદ્યાર્થીમાંથી એક પણ વિદ્યાર્થીએ અહીં પ્રવેશ લીધો નથી. જ્યારે ટોપ 2000માંથી 7 અને ટોપ 5000માંથી 81 વિદ્યાર્થીઓએ આઈઆઈટી ગાંધીનગરમાં પ્રવેશ મેળવ્યો છે.
ગુજરાતના ટોપર્સ પણ મુંબઈ તરફ આકર્ષાય છે
દેશના ટોપ 100 વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 4થી 5 વિદ્યાર્થીઓ હોય છે અને ટોપ 1000માં ગુજરાતમાંથી સરેરાશ 40થી 50 વિદ્યાર્થીઓ હોય છે. પરંતુ ગુજરાતના આ ટોપર્સ પણ આઈઆઈટી ગાંધીનગરમાં પ્રવેશ મેળવતા નથી. ટોપર્સની પહેલી પસંદ હંમેશાં આઈઆઈટી મુંબઈ જ હોય છે અને કોમ્પ્યુટર સાયન્સ તેમની સૌથી મનપસંદ બ્રાંચ રહેતી હોય છે.




