Gandhinagar

એક સપ્તાહની મેઘમહેરથી ગુજરાતના ડેમોમાં 70% એ પહોંચ્યું જળસ્તર, 28 હાઈ એલર્ટ પર

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સપ્તાહની મેઘમહેરથી જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યના 206 ડેમમાં સરેરાશ જળસ્તર 69.96% થયું છે. 43 જળાશયો 90%થી વધુ ભરાતા હાઈ એલર્ટ પર છે. 28 ડેમ છલોછલ છે. સરદાર સરોવર 75.65% ભરાયું છે. ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક સપ્તાહની મેઘમહેરથી ગુજરાતના ડેમોમાં 70% એ પહોંચ્યું જળસ્તર, 28 હાઈ એલર્ટ પર

Gujarat Dam water levels 2026: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પડેલા સારો વરસાદ અને મેઘમહેરના કારણે રાજ્યના જળસ્તરમાં મોટો વધારો નોંધાયો છે. પાણીની આ આવકથી રાજ્યના જળાશયો અને ડેમોની સ્થિતિ ઘણી સંતોષકારક બની છે.

ગુજરાતના ડેમમાં સરેરાશ જળસ્તર અને હાઇ ઍલર્ટની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી થયેલી મેઘમહેરથી જળસ્તરમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69.96 ટકા પહોંચ્યું છે, જ્યારે 43 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ થઈ જતાં તેમને હાઇ ઍલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.

વિવિધ જિલ્લાઓમાં છલોછલ જળાશયોની સ્થિતિ

રાજ્યના 28 જળાશયો હાલ સંપૂર્ણપણે છલોછલ છે. જ્યારે 39 જળાશયોમાં 70થી 100 ટકા વચ્ચે, 25માં 50થી 70 ટકા વચ્ચે અને 41 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત, 73 જળાશયોમાં હજુ જળસ્તર 25 ટકાથી નીચું છે. જિલ્લાવાર વાત કરીએ તો, ભાવનગરના પાંચ, અમરેલીના ચાર અને બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી તેમજ રાજકોટના બે-બે જળાશયો છલોછલ ભરાયા છે. આ સાથે જ કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર અને તાપીના 1-1 જળાશયનો પણ આ છલોછલ ડેમોમાં સમાવેશ થાય છે.

સરદાર સરોવર ડેમ અને એક સપ્તાહમાં થયેલો વધારો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 75.65 ટકા જળસ્તર નોંધાયેલું છે. જો સરખામણી કરીએ તો, બરાબર એક સપ્તાહ અગાઉ એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર 65.29 ટકા હતું અને સરદાર સરોવરમાં 63.23 ટકા જળસ્તર હતું. આમ, માત્ર એક જ સપ્તાહના ટૂંકા સમયગાળામાં રાજ્યના જળસ્તરમાં નોંધપાત્ર અને ઉત્સાહવર્ધક વધારો જોવા મળ્યો છે.