ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ખેડૂતોની નારાજગીનો ડર, હવે મત ઉઘરાવવા ગામડાંમાં શરૂ કરી કવાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat assembly elections 2026: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ માટે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત મતદારોની નારાજગી ચિંતાનો મોટો વિષય બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વીજપોલ, જમીન વળતર અને પાક વીમા જેવા અતિ સંવેદનશીલ મુદ્દાઓને લઈને ખેડૂતો સરકારથી ભારોભાર ખફા છે. સરકાર જ્યારે ખેડૂતોના આ રોષને શાંત કરવામાં સફળ નથી રહી, ત્યારે હવે ભાજપે ગામડાઓમાં રાજકીય ગાબડું પડે તે પહેલાં જ કિસાન મોરચાને મેદાને ઉતારી દીધો છે.
‘ચલો ભેરું ગામડે’ અભિયાન દ્વારા ખેડૂતોને મનાવવાની કવાયત
ચૂંટણીના આરે ભાજપ કોઈપણ સંજોગોમાં અન્નદાતાની નારાજગી પોસાય તેમ નથી, તેથી ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને રાજી કરવા માટે પક્ષે ખાસ રાજકીય રણનીતિ ઘડી છે. આ વ્યૂહાત્મક રણનીતિના ભાગરૂપે કિસાન મોરચો આગામી દિવસોમાં ‘ચલો ભેરું ગામડે’ અભિયાનને વેગવંતુ કરશે. આ અભિયાન હેઠળ નેતાઓ અને સ્થાનિક કાર્યકરો સીધા ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે ‘ખાટલા પરિષદ’ યોજશે અને તેમની સાથે સીધો સંવાદ સાધશે. ભાજપનો મુખ્ય હેતુ ખેડૂતોના આક્રોશને રૂબરૂ સાંભળીને તેમની જમીન વળતર અને વીજળી સંબંધિત ફરિયાદોની તીવ્રતા ઓછી કરવાનો છે.
સરપંચોને સાાથ લેવા માટે ‘સરપંચ સંવાદ’નું આયોજન
માત્ર સામાન્ય ખેડૂતો જ નહીં, પરંતુ ગ્રામીણ સ્તરે સત્તાના કેન્દ્ર સમાન સરપંચોને પણ પક્ષ સાથે મજબૂત રીતે જોડી રાખવા માટે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે જો સરપંચો પક્ષની તરફેણમાં હશે તો વિપક્ષ માટે ગ્રામીણ વિસ્તારોમાં પકડ બનાવવી મુશ્કેલ બનશે, તેવી ગણતરી સાથે ભાજપે અગમચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
મોરબી-જેતપુરના આંદોલનો બન્યા ભાજપ માટે લાલબત્તી સમાન
કમલમમાં સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને કિસાન મોરચાને ખેડૂતોના દ્વાર સુધી જઈને તેમની મુશ્કેલીઓ સમજવાની અને વહીવટી તંત્ર પાસે તેનો વહેલી તકે ઉકેલ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ છે કે મોરબી અને જેતપુરથી માંડીને અન્ય સ્થળોએ ખેડૂત આંદોલનો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, જે ભાજપ સરકાર અને પક્ષ બંને માટે લાલબત્તી સમાન છે.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપની આ કવાયત સ્પષ્ટ સંકેત આપે છે કે ચૂંટણી જીતવા માટે ગ્રામીણ મતબેંક પર પકડ જાળવી રાખવી અનિવાર્ય છે. હવે એ જોવાનું રહેશે કે કિસાન મોરચાનો આ ‘ચલો ભેરું ગામડે’ પ્રયોગ ખેડૂતોના રોષને શમાવવામાં કેટલો કારગર નીવડે છે અને આગામી ચૂંટણીમાં ભાજપના ગઢને કેટલો સુરક્ષિત રાખી શકે છે.




