વૈજ્ઞાનિકોએ સ્પેસ ડસ્ટની મદદથી નેપ્ચૂનની પાર પાણીના પુરાવા શોધ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નેપ્ચૂન : સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ
આપણી સૂર્યમાળાનો દૂરનો ગ્રહ નેપ્ચૂન છે. તેને આઠમો ગ્રહ ગણવામાં આવે છે. સૂર્યનો પ્રકાશ ન પહોંચતો હોવાથી આ ગ્રહ થીજેલો રહે છે. તે સૂર્યથી ૪૪.૯૭ લાખ કિલોમીટર દૂર છે અને તેને સૂર્યની પ્રદક્ષિણા કરતા ૧૬૪.૮૦ પૃથ્વી-વર્ષ લાગી જાય છે. નેપ્ચૂન પૃથ્વીનું એક ચક્કર લગાવે ત્યાં સુધીમાં પૃથ્વી પર પેઢીઓ બદલાઈ જાય છે! ખૂબ જ દૂર હોવાથી તેના પર ઓછામાં ઓછું સંશોધન થઈ શક્યું છે. એની પેલે પાર શું છે તે બાબતે પણ અનેક અટકળો થતી રહે છે. ત્યાંથી સેમ્પલ મેળવી શકાય એટલી ટેકનોલોજી હજુ વિકસી શકી નથી. માણસે બનાવેલો એક માત્ર પદાર્થ નેપ્ચૂન પાસેથી પસાર થયો છે, એ છે વોયેજર-૨. ૧૯૮૯માં નેપ્ચૂન પાસેથી પસાર થયેલા વોયેજર-૨ની માહિતી પછી માણસની આ ગ્રહનું જ્ઞાન વધ્યું હતું. નેપ્ચૂન સુધી પહોંચતા બાર વર્ષ લાગે. એટલે માણસે ત્યાં પહોંચવા માટે હજુ રાહ જોવી પડશે.
- નેપ્ચ્યુન પારના પ્રાચીન બરફનો પુરાવો
અબજો વર્ષ પહેલાં જ્યારે આપણા સૌરમંડળના ગ્રહો બની રહ્યા હતા, ત્યારે પાણી અને અન્ય પદાર્થો ક્યાં અને કેવી રીતે વહેંચાયેલા હતા? આ પ્રશ્નનો જવાબ શોધવામાં નાસાના વૈજ્ઞાનિકોને મહત્ત્વની સફળતા મળી છે. સંશોધકોએ નેપ્ચૂન ગ્રહની પાર આવેલા કુઇપર બેલ્ટમાં પ્રાચીન બરફનો ભંડાર હોવાના નક્કર પુરાવા મેળવ્યા છે. કુઇપર બેલ્ટ એ નેપ્ચૂનની કક્ષાની બહારનો વિશાળ વિસ્તાર છે, જે સૌરમંડળના પ્રારંભિક ઇતિહાસના બચેલા બર્ફિલા અને રેતાળ પદાર્થોનું પડ છે. આ સંશોધન સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે. - સૂક્ષ્મ ધૂળના કણોએ કેવી રીતે ખોલ્યું રહસ્ય?
વૈજ્ઞાનિકોએ સ્ટ્રેટોસ્ફિયરમાંથી એકત્ર કરાયેલા ધૂળના માત્ર ૧૨ અતિ સૂક્ષ્મ કણોનું વિશ્લેષણ કર્યું. આ કણો નાસાના ખાસ ઊંચાઈએ ઉડતા સંશોધન વિમાન ઈઆર-૨ દ્વારા એકઠા કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ આ કણો પર સૂર્યમાંથી આવતા ઉચ્ચ ઊર્જાના કણો દ્વારા પડેલા નિશાનોની તપાસ કરી, જેના પરથી સાબિત થયું કે આ ધૂળ કુઇપર બેલ્ટમાંથી આવી છે. હ્યુસ્ટન સ્થિત નાસાના જોન્સન સ્પેસ સેન્ટરના સંશોધકોએ અત્યાધુનિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી આ કણોના ખનિજોની તપાસ કરી, જ્યારે કેલિફોનયાની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આયન માઇક્રોપ્રોબની મદદથી તેમાં રહેલા ઓક્સિજનનું માપન કર્યું. આ તપાસમાં મળેલા ખનિજો અબજો વર્ષ પહેલાં સૌરમંડળના શરૂઆતના સમયમાં ધૂળ અને પાણીના સંપર્કમાં આવવાથી બન્યા હતા. આ પ્રાચીન પાણીમાં ભારે ઓક્સિજન એટલે કે ટેકનિકલ ભાષામાં જેને ઓક્સિજન આઇસોટોપ કહે છે તેનું પ્રમાણ અસામાન્ય વધારે હતું. ઓક્સિજનના પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યાના આધારે તેના અલગ-અલગ સ્વરૂપો હોય છે, જેની મદદથી વૈજ્ઞાનિકો કોઈ પદાર્થ ક્યાંથી આવ્યો અને સમય જતાં તેમાં કેવા ફેરફારો થયા તે જાણી શકે છે. - સ્પેસ ડસ્ટ : તેરી ખુશ્બૂ કા પતા કરતી હૈ!
માણસ નેપ્ચૂન સુધી ન પહોંચે ત્યારે નેપ્ચૂનથી કંઈક માણસ સુધી પહોંચે તો કંઈક જાણકારી મળી શકે. નેપ્ચૂનથી એવું તો શું માણસને હાથ લાગી શકે? સંશોધકો પાસે જવાબ હતો - સ્પેસ ડસ્ટ, અંતરીક્ષની ધૂળ. અંતરીક્ષ તો ધૂળની ડમરીઓથી ભરેલું છે. ચારે તરફ માત્ર ધૂળની ડમરીઓ જ ફેલાયેલી છે. એમાંથી સંશોધકોએ કેટલાક સેમ્પલ એકઠા કરીને ચકાસણી કરી. સુક્ષ્મ ધૂળની વિગતવાર તપાસ કરી તો એમાંથી નેપ્ચૂન આસપાસના વાતાવરણની જાણકારી મળી. દુનિયામાં આવું પહેલી વખત બન્યું કે પૃથ્વીના વાતાવરણની પાર ઊંડી ભ્રમણકક્ષામાંથી મેળવેલા સેમ્પલનો અભ્યાસ થયો ને એમાંથી ૪૫ લાખ કિલોમીટર દૂરની જાણકારી મળી! સ્પેસ ડસ્ટે નેપ્ચૂન નજીકની એવી જાણકારી સાચવી રાખી હતી કે જેના કારણે માણસ કહી શકે છે : તેરી ખુશ્બૂ કા પતા કરતી હૈ, મુજપે અહેસાન ડસ્ટ કરતી હૈ! - સૌરમંડળના દૂરના વિસ્તારની જાણકારી
- વૈજ્ઞાનિકો દાયકાઓથી માનતા હતા કે બાહ્ય સૌરમંડળમાં ભારે ઓક્સિજન ધરાવતો બરફ રહેલો છે. અગાઉ ઉલ્કાપિંડો અને કાર્બનયુક્ત એસ્ટરોઇડ્સના નમૂનાઓમાંથી આ અંગે કેટલાક સંકેતો મળ્યા હતા, પરંતુ નક્કર પુરાવા મેળવવાનું કામ મુશ્કેલ હતું. તેનું કારણ એ હતું કે પૃથ્વી પર મળતા મોટા ભાગના અંતરીક્ષના ખડકો સૂર્યની નજીકના વિસ્તારોમાંથી આવે છે. ઓક્સિજન આઇસોટોપની સરખામણી માટે નાસાના જેનેસિસ મિશનના માપનોને સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ નવા તારણો દર્શાવે છે કે કુઇપર બેલ્ટમાં રહેલા પાણીયુક્ત પદાર્થો સૌરમંડળના પદાર્થોથી મોટા ભાગે અલગ રહ્યા હતા. વિશાળ ગ્રહોના નિર્માણે એક અવરોધ તરીકે કામ કર્યું હશે, જેના કારણે બાહ્ય સૌરમંડળના પદાર્થો અંદરની તરફ આવતા અને ભળતા અટક્યા હશે. આ સંશોધન બતાવે છે કે શરૂઆતના સૌરમંડળમાં પાણી એકસરખી રીતે વહેંચાયેલું કે ભળેલું નહોતું. આનાથી સૌરમંડળના વિવિધ ભાગોનું રાસાયણિક બંધારણ કેમ અલગ છે અને ગ્રહોના નિર્માણમાં વિવિધ વિસ્તારોના પદાર્થોએ કેવો ફાળો આપ્યો તે સમજવામાં મદદ મળશે.
- અંતરીક્ષની શોધમાં આનાથી શું ફરક પડશે?
અંતરીક્ષ સંશોધનની દૃષ્ટિએ આ શોધ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે સાબિત કરે છે કે પૃથ્વી સુધી પહોંચતા ધૂળના સૂક્ષ્મ કણો એવા દૂરના વિસ્તારોની મહત્ત્વપૂર્ણ માહિતી સાચવી રાખે છે, જ્યાં સુધી હજુ કોઈ અંતરીક્ષયાન સીધા નમૂના લેવા માટે પહોંચ્યું નથી. આ સંશોધન સૌરમંડળના વિશાળ ઇતિહાસની તપાસ કરવાનો એક નવો માર્ગ ખોલે છે, જેમાં સૂક્ષ્મ અંતરીક્ષ ધૂળનો ઉપયોગ તેના દૂરના ભૂતકાળના પુરાવા તરીકે કરી શકાય છે. પરિણામે, માત્ર ઉલ્કાપિંડો કે નજીકના એસ્ટરોઇડ્સ પર આધાર રાખવાને બદલે વૈજ્ઞાનિકો હવે પૃથ્વીના વાતાવરણમાંથી મળતી આવી ધૂળ દ્વારા બાહ્ય સૌરમંડળ અને ગ્રહોની ઉત્પત્તિના રહસ્યોને વધુ સારી રીતે ઉકેલી શકશે.




