બાયોઈલેક્ટ્રોનિક ગેજેટ્સ દ્વારા માથામાં ફરી વાળ ઉગશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજના આધુનિક અને તણાવપૂર્ણ જીવનમાં વાળ ખરવા અને ટાલ પડવી એ એક અત્યંત સામાન્ય છતાં ગંભીર સમસ્યા બની ગઈ છે. વિશ્વભરમાં દર ત્રીજો વ્યક્તિ ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છે, જ્યારે દર બીજો વ્યક્તિ વાળ ખરવાની ફરિયાદ કરી રહ્યો છે. જ્યારે લોકો આ સમસ્યાના નિરાકરણ માટે ડોક્ટર પાસે જાય છે, ત્યારે તેમને મોંઘીદાટ દવાઓ, લોશન અને સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. આ દવાઓ લાંબા સમય સુધી લેવા છતાં પણ તેની કોઈ ગેરંટી હોતી નથી કે વાળ ખરેખર પાછા ઉગશે કે નહીં, અને ઘણીવાર તેની આડઅસરો પણ જોવા મળે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકોએ તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય કરીને એવા ક્રાંતિકારી ઉપકરણો વિકસાવ્યા છે, જે વાળના મૂળને ફરીથી સક્રિય કરીને ટાલિયા માથા પર પણ નવા વાળ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં જર્મની અને ચીનના સંશોધકો દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ સંશોધનોએ હેર લોસ ટ્રીટમેન્ટની દુનિયામાં નવી આશા જગાવી છે.
સૌપ્રથમ વાત કરીએ એક એવા ઉપકરણની જેના ઉપયોગ બાદ કદાચ દવાઓની જરૂર જ નહીં પડે. વૈજ્ઞાનિકોએ 'નિયોસ્ટેમ' નામનું એક ખાસ ડિવાઇસ તૈયાર કર્યું છે, જે વાળના મૂળ સાથે જોડાયેલા કોષોને ફરીથી જીવંત અને સક્રિય કરવાનું કામ કરે છે. પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'ડર્મેટોલોજી એન્ડ થેરાપી'માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ ડિવાઇસ 'ઇલેક્ટ્રોટ્રાઇકોજેનેસિસ' નામની અત્યાધુનિક ટેકનોલોજી પર કામ કરે છે. આ ઉપકરણને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે માથાની ચામડી પર વીજળીના અત્યંત હળવા અને સુરક્ષિત તરંગો છોડે છે, જે સુસ્ત પડી ગયેલા કોષોને ઉત્તેજિત કરે છે. આ ટેકનોલોજીની અસરકારકતા ચકાસવા માટે જર્મનીના મ્યુન્સ્ટર શહેરમાં એક વિસ્તૃત ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું.
નિયોસ્ટેમ ડિવાઈસના વિદ્યુત તરંગો કોષોને સક્રિય કરે છે
આ ઉપકરણ કેવી રીતે કામ કરે છે તેનું વિજ્ઞાન પણ ખૂબ જ રસપ્રદ છે. સાયન્સ જર્નલ 'MDPI' માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાળનો વિકાસ માત્ર તેના મૂળ પર જ નિર્ભર નથી હોતો, પરંતુ તેની આસપાસ રહેલા કોષો અને જૈવિક પ્રક્રિયાઓ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વાળના મૂળની આસપાસ 'ડર્મલ પેપિલા' (Dermal Papilla) નામના ખાસ કોષો આવેલા હોય છે, જે વાળના વિકાસને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું કામ કરે છે. જ્યારે ટાલ પડવાની શરૂઆત થાય છે ત્યારે આ કોષો નિષ્ક્રિય થવા લાગે છે. નિયોસ્ટેમ ડિવાઇસમાંથી નીકળતા હળવા વિદ્યુત તરંગો સીધા આ ડર્મલ પેપિલા કોષોને સંકેત આપે છે, જેના કારણે હેર ફોલિકલની આસપાસના તમામ કોષો ફરીથી સક્રિય થાય છે અને નવા વાળ ઉગવાની પ્રક્રિયા શરૂ થાય છે.
30 મિનિટ દરરોજ ડિવાઈસ પહેરવાના 3 મહિનામાં સારા પરિણામ મળ્યા
આ ક્લિનિકલ ટ્રાયલના પરિણામો અત્યંત ચોંકાવનારા અને ઉત્સાહજનક રહ્યા હતા. સંશોધનમાં સામે આવ્યું કે જે પુરુષોએ દરરોજ માત્ર ૩૦ મિનિટ માટે આ ઇલેક્ટ્રિક ડિવાઇસ પહેર્યું હતું, તેમનામાં ડિવાઇસ ન પહેરનારા કે માત્ર દવાઓ લેનારા લોકોની સરખામણીમાં વાળનો વિકાસ ઘણો વધારે જોવા મળ્યો હતો. સંશોધકોએ પ્રથમ ત્રણ મહિના અને ત્યારબાદ છ મહિનાના અંતે સહભાગીઓના વાળની સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસમાં જાણવા મળ્યું કે ઇલેક્ટ્રિક ડિવાઇસનો ઉપયોગ કરનારા ૩૮ પુરુષોમાં વાળની ઘનતા ખૂબ જ ઝડપથી વધી હતી. આંકડાકીય રીતે જોઈએ તો, તેમના માથામાં પ્રતિ ચોરસ સેન્ટિમીટર અંદાજે ૨૪.૪૦ જેટલા નવા વાળ વધારે જોવા મળ્યા હતા. માત્ર વાળની સંખ્યા જ નહીં, પરંતુ વાળની ગુણવત્તા અને મજબૂતીમાં પણ નોંધપાત્ર સુધારો થયો હતો, કારણ કે તેમના વાળની જાડાઈમાં પણ ૧૭.૦૬ ટકાનો વધારો નોંધાયો હતો.
હેર ફોલિકલ્સને રિપેર કરતો અનોખો કાંસકો ચીને વિકસાવ્યો
બીજી તરફ, ચીનના વૈજ્ઞાનિકોએ પણ વાળ ખરતા અટકાવવા અને ઝડપથી નવા વાળ ઉગાડવા માટે એક અનોખી શોધ કરી છે. ચીનના સંશોધકોએ કોઈ સામાન્ય કાંસકો નહીં, પરંતુ એક ખાસ પ્રકારનો 'બાયોઇલેક્ટ્રોનિક કાંસકો' તૈયાર કર્યો છે, જેને 'ડિટૈંગલ સિસ્ટમ' (Detangle System) નામ આપવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક 'નેચર કોમ્યુનિકેશન્સ'માં પ્રકાશિત થયેલા આ સંશોધન મુજબ, બેઇજિંગની બેઇહાંગ યુનિવર્સિટીના સંશોધકોએ આ અદભુત કાંસકો વિકસાવ્યો છે. આ કાંસકામાં ખાસ પ્રકારના ઇલેક્ટ્રોનિક દાંતા લગાવવામાં આવ્યા છે, જે 'હાઇટ ડિફરન્શિએટેડ ઇલેક્ટ્રોડ' અને 'ઇન્ટિગ્રેટેડ ડ્રગ લોડિંગ મોડયુલ'થી સજ્જ છે. વિશ્વમાં અબજો લોકોને પ્રભાવિત કરતી એન્ડ્રોજેનેટિક એલોપેસિયાની સમસ્યા સામે લડવા માટે આ ઇલેક્ટ્રિક કાંસકો એક અત્યંત શક્તિશાળી સાધન સાબિત થઈ શકે છે.
દવા અને ઈલેક્ટ્રોનિક શોકનો બેવડો ઉપયોગ કરવામાં આવ્યો
ચીની વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલા આ કાંસકાની કાર્યપદ્ધતિ અત્યંત વૈજ્ઞાનિક અને અસરકારક છે. આ કાંસકામાં અલગ-અલગ લંબાઈના દાંતા એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જ્યારે માથામાં કાંસકો ફેરવવામાં આવે છે, ત્યારે તે એક 'પલ્સ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ' ઉત્પન્ન કરે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, દાંતાની લંબાઈમાં રહેલા તફાવતને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે, તે એક જ લાઈનમાં રહેલા સમાન દાંતાવાળા ઉપકરણ કરતાં ૨.૬૩ ગણું વધુ મજબૂત હોય છે. આ ડિટૈંગલ સિસ્ટમ બેવડી રીતે કામ કરે છે : પ્રથમ, તેમાંથી નીકળતા ઇલેક્ટ્રિકલ પલ્સ નબળા પડી ગયેલા હેર ફોલિકલ્સને રિપેર કરીને વાળના વિકાસને વેગ આપે છેત અને બીજું, તેમાં રહેલી ડ્રગ-ડિલિવરી સિસ્ટમ થેરાપ્યુટિક મોલેક્યુલ્સ એટલે કે દવાઓને ત્વચાના ઊંડા સ્તરો સુધી સીધા જ હેર ફોલિકલ એરિયામાં પહોંચાડે છે, જેનાથી દવાની અસર અનેકગણી વધી જાય છે. હાલમાં આ ઇલેક્ટ્રિક કાંસકાનું પરીક્ષણ ઉંદરો પર કરવામાં આવ્યું છે, જેના પરિણામો અત્યંત આશ્ચર્યજનક રહ્યા છે. સાયન્સ એલર્ટના એક અહેવાલ મુજબ, ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના કારણે વાળ ગુમાવી ચૂકેલા નર ઉંદરો પર ૨૮ દિવસ સુધી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
માઈક્રો કરન્ટ ઉપર વર્ષોથી થતાં સંશોધનનું હકારાત્મક પરિણામ મળ્યું
આ ટેકનોલોજી પર સંશોધન રાતોરાત નથી થયું, પરંતુ તેની પાછળ વર્ર્ષોની મહેનત રહેલી છે. વર્ષ ૨૦૨૬ પહેલાં, મે ૨૦૨૫માં પણ આ ડિવાઇસ પર એક પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જે 'જર્નલ ઓફ કોસ્મેટિક ડર્મેટોલોજી'માં પ્રકાશિત થયું હતું. તે સમયે માત્ર ૨૧ લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં વાળની ઘનતામાં ૧૯.૩ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો, પરંતુ સેમ્પલ સાઈઝ નાની હોવાથી તેને સંપૂર્ણપણે પ્રભાવી માનવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત, અગાઉ દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ પણ માઇક્રો કરંટ પર સંશોધન કર્યું હતું, જેમાં ઉંદરો પર પ્રયોગ કરીને સાબિત કરવામાં આવ્યું હતું કે માઇક્રો કરંટ આપવાથી કોષોમાં વૃદ્ધિ થાય છે અને વાળના વિકાસ માટે જરૂરી ગ્રોથ ફેક્ટર્સ સક્રિય થાય છે. જર્મનીના તાજેતરના મોટા ટ્રાયલે હવે માનવો પર પણ આ વાતને સફળતાપૂર્વક સાબિત કરી બતાવી છે.




