જો એ સાયબર એટેક નહોતો, તો પછી અમેરિકા ચાર કલાક શા માટે થંભી ગયું?

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
ક લ્પના કરો કે વિશ્વની સૌથી શક્તિશાળી અને આધુનિક ટેક્નોલોજી ધરાવતા દેશોમાંના એક, અમેરિકામાં અચાનક વિમાનોની અવરજવર જ અટકી જાય. દેશનાં વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ જાય, એરલાઇન્સની કામગીરી ખોરવાઈ જાય અને હવાઈ ટ્રાફિક નિયંત્રિત કરતી સંસ્થાઓને, પોતાના જ નેટવર્કની સ્થિરતા અંગે ગંભીર ચિંતા ઊભી થાય. આવી ભયાનક પરિસ્થિતિ કોઈ યુદ્ધ, આતંકવાદી હુમલા કે કુદરતી આફતને કારણે નહીં, પરંતુ માત્ર એક ટેલિકમ્યુનિકેશન નેટવર્કની ખામીને કારણે ઊભી થાય તો તેને શું કહેવું? ૧૩ નવેમ્બર, ૨૦૨૬ના (બ્લેક ફ્રાઈડે) રોજ અમેરિકામાં બરાબર આવું જ કંઈક બન્યું હતું. ૧૫ નવેમ્બરના સત્તાવાર ખુલાસા પ્રમાણે, દેશનાં ૨૨ એર રૂટ ટ્રાફિક કંટ્રોલ સેન્ટર્સમાંથી, ૧૭ કેન્દ્રોમાં ટેલિકમ્યુનિકેશન નેટવર્કની ગંભીર અસ્થિરતા જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ ૩,૫૦૦ વિમાનોને મહામહેનતે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યાં હતાં. જ્યારે અંદાજે ૧૨,૪૬૨ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. લગભગ ૪ કલાક અને ૪૫ મિનિટની ભારે જહેમત બાદ, રાત્રે ૮ઃ૧૫ વાગ્યે અમેરિકાના પૂર્વીય સમય પ્રમાણે, હવાઈ સેવાઓ માંડ માંડ ફરી શરૂ થઇ હતી. શું આ અમેરિકા ઉપર થયેલો સૌથી મોટો સાયબર એટેક હતો?
એક અદ્રશ્ય ખામીઃ કાચના મહેલમાં ઉડાન
૧૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજઅમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા દેશવ્યાપી ફ્લાઇટ ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કરવામાં આવ્યો હતો. આનો સીધો અર્થ એ હતો કે 'હવાઈ સુરક્ષા અને નિયંત્રણ વ્યવસ્થા ફરીથી સંપૂર્ણપણે સ્થિર ન થાય, ત્યાં સુધી તમામ વિમાનોના પ્રસ્થાન પર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.- આ તમામ રદ થયેલી ફ્લાઇટ્સ પાછળનું કારણ માત્ર ગ્રાઉન્ડ સ્ટોપ જ નહોતું, પરંતુ નેટવર્કની અસ્થિરતાએ એક ડોમિનો ઇફેક્ટ સર્જી હતી. આધુનિક વિમાન વ્યવસ્થા કેટલી હદે ડિજિટલ સંચાર અને અદ્રશ્ય નેટવર્ક પર આધારિત છે? તેનું આ એક ચોંકાવનારૂ ઉદાહરણ આપે છે. આશ્ચર્યની વાત એ છે કે 'આ જ ઘટનાની આસપાસના દિવસોમાં, માઈક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને અન્ય ક્લાઉડ સેવાઓમાં પણ, એક મોટી વૈશ્વિક ખામી સર્જાઈ હતી. એટલું જ નહીં, અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સ ખાતે, જહાજની અથડામણની અસામાન્ય ઘટના પણ નોંધાઈ હતી. કેટલાક અમેરિકન ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા કારણોસર, ગુપ્ત લશ્કરી મથકોમાં રહેવા ગયા હોવાના અહેવાલો પણ વહેતા થયા. આ બધી સમાંતર ઘટનાઓને કારણે અમેરિકામાં કોઈ મોટા, સંકલિત સાયબર હુમલાની આશંકાએ ભારે જોર પકડયું હતું. પરંતુ અહીં વિજ્ઞાન અને પત્રકારત્વનો એક પાયાનો સિદ્ધાંત સમજવો જરૂરી છે કે 'એક જ સમયે અનેક ઘટનાઓ ઘટે, એટલે તે બધી એક જ કારણથી ઉદ્ભવી હોય એવું ક્યારેય સાબિત થતું નથી.'
પ્રાચીન ચીની ફિલસૂફ સન ત્ઝુએ તેમના વિખ્યાત ગ્રંથ 'ધ આર્ટ ઓફ વોર'માં કહ્યું હતું કે, 'શ્રેષ્ઠ યુદ્ધ કળા એ છે કે લડયા વિના જ દુશ્મનને શસ્ત્રો હેઠા મુકવા પડે.' આજે આ સિદ્ધાંત ડિજિટલ રણભૂમિ પર અક્ષરશઃ સાચો ઠરી રહ્યો છે. જ્યાં અદ્રશ્ય કોડ અને ફાઇબર ઓપ્ટિક કેબલ્સ, દેશની સુરક્ષાનું નવું કેન્દ્ર બની ગયા છે. અમેરિકામાં તાજેતરમાં બનેલી એક ઐતિહાસિક ઘટનાએ, આધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની, આ ક્ષણભંગૂરતા તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જે સાબિત કરે છે કે 'આપણી અત્યાધુનિક વ્યવસ્થાઓ વાસ્તવમાં કાચના મહેલ જેવી છે!
જર્જરિત નસો અને ચમકતાં વિમાનો
જાણીતા સાયબર સુરક્ષા નિષ્ણાત નિકોલ પર્લરોથ તેમના પુસ્તક 'ધીસ ઇઝ હાઉ ધે ટેલ મી ધ વર્લ્ડ એન્ડ્સ'માં કહે છે કે 'હવે દુનિયાનો અંત કોઈ પરમાણુ બોમ્બથી નહીં, પરંતુ કોમ્પ્યુટર સ્ક્રીન પાછળ બેઠેલા હેકર્સના એક કમાન્ડથી આવી શકે છે.' જેને આધુનિક પરિભાષામાં 'સાયબર વોરફેર' કહેવામાં આવે છે. સાયબર હુમલાના અનેક પ્રકારો પૈકી ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDoS) એટેક અત્યંત ઘાતક માનવામાં આવે છે. જેમાં અનેક કમ્પ્યુટર્સ દ્વારા, કોઈ એક સર્વર પર અતિશય ડેટા ટ્રાફિકનો મારો ચલાવવામાં આવે છે. પરિણામે તે સિસ્ટમ ક્રેશ થઈ જાય છે. અહીં એ યાદ રાખો કે નેટવર્કમાં અચાનક ડેટાનો પ્રવાહ વધી જાય એટલે, તે સાયબર હુમલો જ હોય એવું માનવું ભૂલભરેલું છે. ઘણીવાર ખોટું રૂપરેખાંકન કે સોફ્ટવેરની ખામી પણ આવી જ ભયાનક સ્થિતિ સર્જી શકે છે. અમેરિકાની ઘટનામાં ભલે કોઈ બાહ્ય હુમલાનો પુરાવો ન મળ્યો હોય, છતાં સાયબર યુદ્ધનો ભય, આજે દરેક રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અગ્રતાનો વિષય બની ગયો છે. દેશની વીજળી, સંચાર નેટવર્ક, પરિવહન અને સરકારી ડેટા સેન્ટર્સ, રાષ્ટ્રીય સુરક્ષાની નવી કરોડરજ્જુ બની ગયા છે. આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવા માટે માત્ર સુરક્ષા દીવાલો ચણવી પૂરતી નથી. આપણે 'સાયબર રેઝિલિયન્સ' એટલે કે, સાયબર આઘાત સામે ટકી રહેવાની, અને ઝડપથી બેઠા થવાની ક્ષમતા વિકસાવવી અત્યંત જરૂરી છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેક્નોલોજી સંસ્થાએ, સાયબર-રેઝિલિયન્ટ સિસ્ટમ માટે અગાઉથી જોખમની ઓળખ, હુમલા દરમિયાન કામગીરી જાળવવી અને નુકસાન પછી ઝડપથી પુનઃસ્થાપિત કરવા, જેવા મૂળભૂત માપદંડો પર વિશેષ ભાર મૂક્યો છે. આ ઘટના દરમિયાન કેટલાક અધિકારીઓ લશ્કરી મથકોમાં રહેવા ગયા હતા. ભૂતપૂર્વ FBI અધિકારી ક્રિસ સ્વેકરે વિદેશી ગુપ્તચર કાર્યવાહીના સંદર્ભમાં 'મધરશિપ' જેવા શબ્દનો ઉપયોગ કર્યો. તેને UFO કે પરગ્રહવાસીઓની ટેક્નોલોજી સાથે જોડવી એ માત્ર એક વૈજ્ઞાનિક ગેરસમજ જ ગણાય.
અમેરિકાના આકાશની છુપી કમજોરી
અમેરિકાએ પ્રાથમિક તપાસ અહેવાલમાં સ્પષ્ટતા કરી હતી કે 'આ ઘટનામાં સાયબર હુમલાનો પુરાવો મળ્યો નહોતો.' તપાસ દરમિયાન નેટવર્કમાં અસામાન્ય પ્રમાણમાં ડેટા ટ્રાફિક અને જૂનાં સાધનોની કામગીરી અંગે ચોક્કસ પ્રશ્નો ઊભા થયા હતા! તેથી આ ઘટનાને અમેરિકાની હવાઈ વ્યવસ્થામાં સર્જાયેલી એક ગંભીર ટેક્નિકલ કટોકટી કહેવી ઉચિત છે. આધુનિક વિમાન વ્યવસ્થા માત્ર રનવે, અત્યાધુનિક વિમાન અને કુશળ પાઇલટ્સના ભરોસે હવામાં નથી ઊડતી. તેની પાછળ એક વિશાળ અને અત્યંત જટિલ ડિજિટલ નેટવર્ક રાત-દિવસ ધબકતું હોય છે. આ જટિલ વ્યવસ્થાને એર ટ્રાફિક કંટ્રોલ કહેવામાં આવે છે. જેની જવાબદારી હવામાં રહેલા દરેક વિમાનની સ્થિતિ, ઊંચાઈ, ગતિ, દિશા અને અન્ય વિમાનો સાથેનું સુરક્ષિત અંતર સતત જાળવી રાખવાની હોય છે. હવાઈ ટ્રાફિક કંટ્રોલર્સ રડાર, સંચાર ઉપકરણો, નેવિગેશન સિસ્ટમ અને કમ્પ્યુટર નેટવર્કના માધ્યમથી, હજારો વિમાનોની અવરજવરનું અત્યંત બારીકાઈથી સંચાલન કરે છે. જ્યારે વિમાન હવામાં હોય છે, ત્યારે તેને એક નિયંત્રણ કેન્દ્રમાંથી બીજા કેન્દ્રના અધિકારક્ષેત્રમાં સોંપવામાં આવે છે. હવાઈ ટ્રાફિક નિયંત્રણમાં 'માહિતીનું એકદમ ચોક્કસ અને સમયસર પહોંચવું'એ, જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. જો કોઈ નિયંત્રણ કેન્દ્રને વિમાનની સ્થિતિ અંગેની માહિતી અમુક સેકન્ડો માટે પણ મોડી મળે, તો હવાઈ ટ્રાફિક કંટ્રોલર માટે બે વિમાનો વચ્ચે સલામત અંતર જાળવવું લગભગ અશક્ય બની જાય છે. અમેરિકાની આ ઘટનાના મૂળમાં જૂની અને નવી ટેલિકમ્યુનિકેશન ટેક્નોલોજી વચ્ચેના પરિવર્તનનો મુદ્દો પણ એટલો જ જવાબદાર છે. જે દર્શાવે છે કે ટેક્નોલોજીનું અપગ્રેડેશન કેટલી જટિલ પ્રક્રિયા છે. પરંપરાગત ટેલિકમ્યુનિકેશનમાં ટાઈમ ડિવિઝન મલ્ટિપ્લેક્સિંગ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થતો હતો. જેમાં એક જ સંચાર માધ્યમ દ્વારા અલગ-અલગ સંદેશાઓને, ચોક્કસ સમયખંડોમાં વહેંચીને મોકલવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે ટાટા અને રિલાયન્સ કંપનીના, જુના સીડીએમએ મોબાઈલમાં આ પ્રકારની સંદેશા વ્યવહારની ટેકનોલોજી કામ કરતી હતી.
ડિજિટલ રાક્ષસની નાભિમાં છુપાયેલું રહસ્ય
જો કોઈ એક મોટા ક્લાઉડ પ્રોવાઇડરની સિસ્ટમમાં ખામી પણ સર્જાય, તો તેના પર આધારિત હજારો સંસ્થાઓ, એકસાથે પત્તાના મહેલની જેમ તૂટી પડે. આ પ્રશ્ન ભારત માટે પણ એટલો જ ગંભીર છે. ભારતમાં પણ વિમાન વ્યવસ્થાથી લઈને યુપીઆઇ પેમેન્ટ અને, સરકારી સેવાઓ ઝડપથી સંપૂર્ણ ડિજિટલ બની રહ્યાં છે. માઇક્રોસોફ્ટની ખામી દરમિયાન ઇન્ડિગો, એર ઇન્ડિયા અને આકાસા એર જેવી, ભારતીય એરલાઇન્સની સેવાઓ ખોરવાઈ હતી. જે દર્શાવે છે કે ભારત પણ આ વૈશ્વિક ડિજિટલ નેટવર્કનો, એક અવિભાજ્ય હિસ્સો છે. ભારતમાં CERT-In અને NCIIPC જેવી સંસ્થાઓ, સાયબર સુરક્ષા માટે ભલે સક્રિય હોય, પરંતુ ભવિષ્યમાં ભારતની પ્રાથમિકતા માત્ર હુમલા અટકાવવા પૂરતી રહેતી નથી. ભારતમાં અલગ સર્વર અને ડેટા સેન્ટરો ઉભા કરવા પડશે. જેમાં દરેક મહત્વપૂર્ણ સેવા માટે 'રિડન્ડન્સી' અને બેકઅપ સિસ્ટમ, જરૂર પડે ત્યારે સક્રિય કરી શકાય.
૨૧મી સદીના સુરક્ષા પડકારો સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે 'ભવિષ્યમાં દેશોને નષ્ટ કરવા માટે પરમાણુ બોમ્બની નહીં, પરંતુ માત્ર એક શક્તિશાળી કમ્પ્યુટર વાયરસની જ જરૂર પડશે.' અદ્યતન રડાર અને ચમકતાં વિમાનો હોવા છતાં, જો સંચાર નેટવર્ક અસ્થિર હોય, તો આધુનિકતા માત્ર એક દેખાડો બનીને રહી જાય છે. ભવિષ્યમાં દેશોએ પોતાની જૂની ટેક્નોલોજીના આધુનિકીકરણ, બેકઅપ સંચાર વ્યવસ્થા, સતત ડિજિટલ ફોરેન્સિક તપાસ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પરની, અતિશય નિર્ભરતા ઘટાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. અમેરિકાની નવેમ્બર ૨૦૨૬ની ઘટનાને, 'માત્ર એક સામાન્ય ટેકનિકલ ખામી ગણીને ભૂલી જવી' એ, ભવિષ્યના વિનાશને આમંત્રણ આપવા જેવી વાત છે. જે ડિજિટલ માળખાની પારસ્પરિક નિર્ભરતાની ભયાનક નબળાઈનું જાગતું ઉદાહરણ છે. આખરે એક અંતમાં ગંભીર પ્રશ્ન ઊભો થાય છેઃ શું આપણે વિકાસની આંધળી દોટમાં, એવા ડિજિટલ રાક્ષસને તો જન્મ નથી આપી રહ્યા. જેની નાભિમાં જ, આપણા પોતાના અસ્તિત્વના વિનાશનું રહસ્ય છુપાયેલું છે?




