સ્ક્રિપ્ટ બદલવા સરકારનું કોઈ દબાણ નહોતું: 'માતૃભૂમિ' ફિલ્મના વિવાદ પર સલમાન ખાને મૌન તોડ્યું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Salman Khan On Film Matrubhoomi Controversy : લાંબી રાહ જોયા બાદ સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' રિલીઝ માટે તૈયાર થઈ ગઈ છે. શુક્રવારે ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાને સત્તાવાર જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 4 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારનું દબાણ નહોતું.
સ્ક્રિપ્ટમાં ફેરફારની વાતો વાતો અફવા : સલમાન ખાન
ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને સ્ક્રિપ્ટ ફરીથી લખવાની વાતોને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ ભારતીય સેના અને તેમના પરિવારોના સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે સૈનિકો અને તેમના પરિવારો કેવા સંજોગોમાંથી પસાર થાય છે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સેનાના જવાનો માટે દેશ હંમેશાં પ્રથમ સ્થાને રહે છે.
રિલીઝમાં વિલંબ અંગે સલમાનની સ્પષ્ટતા
આ ફિલ્મ અગાઉ એપ્રિલ 2026માં રિલીઝ થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો હતો. ફિલ્મ મોડી થવા પાછળનું કારણ જણાવતા સલમાન ખાને પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, આ વખતે તેમના કારણે નહીં પરંતુ VFXના કામમાં સમય લાગવાને કારણે ફિલ્મ મોડી પડી છે.
સલમાને ફિલ્મના ગીત 'મેરી સેક્સી બ્યૂટી' અંગે કરી સ્પષ્ટતા
ફિલ્મના ગીત 'મેરી સેક્સી બ્યૂટી' અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે ફિલ્મમાં તમામ આર્મી ઓફિસર્સ પોતાની પત્નીઓની પ્રશંસા કરે છે તે સ્થિતિમાં આ ગીત યોગ્ય રીતે બંધબેસે છે. આ ઉપરાંત ફિલ્મના ટાઈટલ અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે અગાઉ 'બેટલ ઓફ ગલવાન' નામ માત્ર ક્લેપબોર્ડ પર કામચલાઉ રાખવામાં આવ્યું હતું. આખરે હિમેશ રેશમિયાના ગીત પરથી પ્રેરણા લઈને ફિલ્મનું નામ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' નક્કી કરવામાં આવ્યું. અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત અને ચિત્રાંગદા સિંહ અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા' સામે ટકરાશે.




