Entertainment

11 અબજ ડોલરની રેકોર્ડ બ્રેક કમાણી... જાણો સ્પાઈડર મેન કેવી રીતે બન્યો બોક્સ ઓફિસનો સુપરહીરો

By GS Team
9 Aug 20263 mins read
TukuTouch Logo
સ્પાઈડર-મેન ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. 2002માં ટોબી મેગ્વાયરથી શરૂ થયેલી આ સફર ટોમ હોલાન્ડ સુધી પહોંચી છે. કુલ 11 ફિલ્મોએ સ્ટાર વોર્સ, હેરી પોટર જેવી દિગ્ગજ ફ્રેન્ચાઈઝીને પાછળ છોડી દીધી છે. પીટર પાર્કરનું સામાન્ય પાત્ર દર્શકોને ખૂબ ગમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

11 અબજ ડોલરની રેકોર્ડ બ્રેક કમાણી... જાણો સ્પાઈડર મેન કેવી રીતે બન્યો બોક્સ ઓફિસનો સુપરહીરો

Spider Man Franchise Crosses 11 Billion World Box Office Collection | તાજેતરમાં રિલીઝ થયેલી સ્પાઈડર મેનની લેટેસ્ટ ફિલ્મ ‘Spider-Man: Brand New Day’ દુનિયાભરમાં રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. કોમિક્સની દુનિયામાં 'Friendly Neighborhood Spider-Man' તરીકે ઓળખાતો આ હીરો સિનેમાના ઇતિહાસમાં કમાણીનું સૌથી મોટું મશીન બની ગયો છે. 2002માં ‘ટોબી મેગ્વાયર’થી શરૂ થયેલી આ સફર આજે ‘ટોમ હોલાન્ડ’ સુધી પહોંચી છે, જે દરમિયાન સ્પાઈડર મેનની 11 ફિલ્મોએ વિશ્વભરમાં કુલ $11 બિલિયનથી વધુ (આશરે ₹93,000 કરોડ)ની કમાણી કરી છે. આ સાથે સ્પાઈડર મેને ‘સ્ટાર વોર્સ’, ‘હેરી પોટર’, ‘જેમ્સ બોન્ડ’, ‘ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિઅસ’ જેવી ફિલ્મ ફ્રેન્ચાઈઝીને પણ પાછળ ધકેલી દીધી છે.

spidermanbrandnewday_online_1080x1350_ninjas_02.webp

દમદાર શરૂઆતથી લઈને બિલિયન ડૉલર ક્લબ સુધીની સફર
વર્ષ 2002માં સામ રાઇમી નિર્દેશિત ‘સ્પાઈડર મેન’ રિલીઝ થઈ હતી, જેણે દર્શકોને ઘેલા કર્યા અને વિશ્વભરમાં $821 મિલિયન કમાયા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 11 સ્પાઈડર મેન ફિલ્મો આવી ગઈ છે. સૌથી પહેલા ટોબી મેગ્વાયર, પછી એન્ડ્રુ ગારફિલ્ડ અને હવે ટોમ હોલાન્ડે આ પાત્રને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.

ફિલ્મ
વર્ષ
વિશ્વભરની કમાણી
સ્પાઈડર મેન
2002
$821 મિલિયન
સ્પાઈડર મેન 2
2004
$783 મિલિયન
સ્પાઈડર મેન 3
2007
$890 મિલિયન
ધ અમેઝિંગ સ્પાઈડર મેન
2012
$757 મિલિયન
ધ અમેઝિંગ સ્પાઈડર મેન 2
2014
$709 મિલિયન
સ્પાઈડર મેન: હોમકમિંગ
2017
$880 મિલિયન
સ્પાઈડર મેન: ઇનટુ ધ સ્પાઈડર-વર્સ
2018
$375 મિલિયન
સ્પાઈડર મેન: ફાર ફ્રોમ હોમ
2019
$1.13 બિલિયન
સ્પાઈડર મેન: નો વે હોમ
2021
$1.92 બિલિયન
સ્પાઈડર મેન: અક્રોસ ધ સ્પાઈડર-વર્સ
2023
$690 મિલિયન
સ્પાઈડર મેન: બ્રાન્ડ ન્યુ ડે
2026
$1.25 બિલિયન+

રેકોર્ડબ્રેક કમાણી: No Way Home અને Brand New Day નો જાદુ
આ સફરમાં સૌથી મોટી સફળતા 2021ની ‘સ્પાઈડર મેન: નો વે હોમ’ને મળી, જેણે $1.92 બિલિયન કમાઈને નવો ઈતિહાસ રચ્યો. એ ફિલ્મમાં ત્રણેય સ્પાઈડર મેનને એક સાથે સ્ક્રીન પર લાવવાનો નિર્ણય દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.

2026માં આવેલી ‘સ્પાઈડર મેન: બ્રાન્ડ ન્યુ ડે’એ ઓપનિંગ વીકએન્ડમાં જ $932 મિલિયન કમાઈને વિશ્વનું બીજું સૌથી મોટું ઓપનિંગ મેળવ્યું. હાલમાં જ આ ફિલ્મે $1 બિલિયનનો આંકડો વટાવીને $1.25 બિલિયનથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ‘સ્પાઈડર મેન: નો વે હોમ’નો રેકોર્ડ તોડે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં સિનેમાના ઇતિહાસનું સૌથી મોટું ઓપનિંગ મેળવવાનો રેકોર્ડ 'એવેન્જર્સ: એન્ડગેમ' (2019)ના નામે છે. આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં જ વિશ્વભરમાંથી $1.223 બિલિયન (આશરે ₹10,000 કરોડથી વધુ)ની કલેક્શન મેળવ્યું હતું.

‘સ્ટાર વોર્સ’, ‘હેરી પોટર’ અને ‘જેમ્સ બોન્ડ’ કરતાં ‘સ્પાઈડર મેન’ આગળ
સ્પાઈડર મેનની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેણે કમાણીના મામલે હોલિવૂડની દિગ્ગજ ફ્રેન્ચાઇઝીઓને પાછળ છોડી દીધી છે. ‘સ્ટાર વોર્સ’ની 12 ફિલ્મોએ કુલ $10.5 બિલિયન કમાયા છે, જેની સામે સ્પાઈડર મેને માત્ર 11 ફિલ્મોમાં આ રેકોર્ડ તોડી નાખ્યો છે. અન્ય મોટી ફ્રેન્ચાઇઝી સાથે સરખામણી જોઈએ.

ફ્રેન્ચાઇઝી
વિશ્વભરની કમાણી
સ્પાઈડર મેન
$11 બિલિયન+
સ્ટાર વોર્સ
$10.5 બિલિયન
હેરી પોટર
$9.6 બિલિયન
જેમ્સ બોન્ડ
$7.8 બિલિયન
ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિઅસ
$7.3 બિલિયન

અસાધારણ સફળતા પાછળનું રહસ્ય શું?
સ્પાઈડર મેનની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેની માનવીય લાગણીઓ છે. ‘પીટર પાર્કર’ કોઈ જાદુઈ કે અમર પાત્ર નથી; તે અભ્યાસ, પ્રેમ, ઘરની જવાબદારી અને પૈસાની તંગી સામે ઝઝૂમતો એક સામાન્ય છોકરો છે, જેને લીધે યુવાનો તેની સાથે સરળતાથી ‘કનેક્ટ’ થઈ જાય છે. આ ઉપરાંત સમય સાથે પાત્રમાં કરાયેલા ફેરફારો, જેવા કે કે ટોબી મેગ્વાયરનો ગંભીર અંદાજ, એન્ડ્રુ ગારફિલ્ડનો આધુનિક લુક, ટોમ હોલાન્ડનો યુવા મિજાજ અને સ્પાઈડર-વર્સનો એનિમેશન અવતાર, એ તમામ બાબતો દર્શકોને કાયમ જકડી રાખે છે. 2002માં જે બાળકોએ સ્પાઈડર મેનની પહેલી ફિલ્મ જોઈ હતી, તે આજે પોતાના બાળકો સાથે 2026ની ફિલ્મ જોઈ રહ્યાં છે. આ જ કનેક્શન સ્પાઈડર મેનને સિનેમાની સૌથી મોટી બ્રાન્ડ બનાવે છે.