શત્રુઘ્ન અને રેખા વચ્ચે 20 વર્ષ સુધી અબોલા રહ્યાં, કારણ જાણીને વિશ્વાસ નહીં થાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shatrughan Sinha And Rekha Didn’t Speak To Each Other For 20 Years: બોલિવૂડના 'બિહારી બાબુ' અને બેબાક અંદાજ માટે જાણીતા શત્રુઘ્ન સિન્હાને કોઈ પરિચયની જરૂર નથી. વિલન તરીકે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરીને તેમણે ધૂમ મચાવી અને જ્યારે તેઓ હીરો બન્યા ત્યારે તેમણે મોટા-મોટા સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા. તેમના ડાયલોગ્સ અને ડાન્સના મૂવ્સે દર્શકોને હંમેશા સ્ક્રીન સાથે બાંધી રાખ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે શત્રુઘ્ન સિન્હા અને રેખા 20 વર્ષ સુધી અબોલા રહ્યા હતા? આ ખોટું નથી, સત્ય છે. પણ આવું કેમ થયું? લોકોએ વિચાર્યું કે, શું તેમની વચ્ચે અબોલાનું કારણ અમિતાભ બચ્ચન તો નથી ને? પરંતુ સત્ય એ છે કે, રેખા અને શત્રુઘ્ન સિન્હા વચ્ચેના અણબનાવનું કારણ 'બીગ બી' નહોતા. તો ચાલો જાણીએ કે, તેમની વચ્ચેના અણબનાવનું કારણ શું હતું, તેમની વચ્ચે કોણે સમાધાન કરાવ્યું અને ફરી પાછી વાતચીત કેવી રીતે શરૂ થઈ.
શત્રુઘ્ન અને રેખા વચ્ચે 20 વર્ષ સુધી અબોલા રહ્યાં
શત્રુઘ્ન સિન્હા અને રેખા "દોસ્ત ઔર દુશ્મન" અને "દો યાર" જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મોમાં તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. પરંતુ પછી અચાનક તેમની વચ્ચે શું થયું કે, તેમણે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું.
શત્રુઘ્ન સિન્હાનો ખુલાસો
ત્યારબાદ આ અંગે ખુદ શત્રુઘ્ન સિન્હાએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ અમારા અબોલા અંગે ઘણી અટકળો લગાવી હતી. અમિતાભ બચ્ચનનું પણ નામ જોડવામાં આવ્યું હતું. પરંતુ તેનું કારણ 'બીગ બી' નહોતા.
રેખા અને શત્રુઘ્ન સિન્હા રાકેશ રોશનની ફિલ્મ 'ખૂન ભરી માંગ'નું શૂટિંગ કરી રહ્યા હતા અને તેમની વચ્ચે નાની-નાની વાતો પર ઝઘડો થઈ જતો હતો.
અમારી વચ્ચે નાની બાબત પર મતભેદ થઈ ગયો હતો
એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાએ ખુદ સ્વીકાર્યું હતું કે, 'અમારી વચ્ચે એક નાની બાબત પર મતભેદ થઈ ગયો હતો. ત્યારબાદ અમે 20 વર્ષથી વધુ સમય સુધી એકબીજા સાથે વાત નહોતી કરી. અમે બંનેએ લગભગ એક સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તે સમયની રેખા આજની પરફેક્ટ રેખા કરતાં ઘણી અલગ હતી.'
શત્રુઘ્ન સિન્હાના આ નિવેદને એ અહેવાલોને ફગાવી દીધા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેખાના કારણે અમિતાભ બચ્ચન સાથેની તેમની મિત્રતામાં તિરાડ પડી હતી.
પોતાની બાયોગ્રાફી "એનીથિંગ બટ ખામોશ"માં શત્રુઘ્ન સિન્હાએ ખુલાસો કર્યો છેતો કે "કાલા પથ્થર" ના શૂટિંગ દરમિયાન એક હીરોઈન અમિતાભને મળવા આવતી હતી. પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે આ મારી અને રેખાના અણબનાવથી અલગ મુદ્દો હતો.
જાણો કોણે કરાવ્યું સમાધાન
શત્રુઘ્ન સિન્હાએ આ લાંબા સમયથી ચાલતા અણબનાવનો અંત લાવવાનો શ્રેય તેમની પત્ની પૂનમ સિન્હાને આપ્યો. તેમણે કહ્યું કે, 'વાસ્તવમાં પૂનમ અને રેખા ગાઢ મિત્રો હતી, અને અમારી વચ્ચેનો આ તણાવ તેને પરેશાન કરતો હતો. તેણે જ અમારી વચ્ચે સમાધાન કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.'
શત્રુઘ્ન સિન્હાએ પોતાના અનુભવો શેર કરતા એ વાત પર ભાર મૂક્યો હતો કે, 'ગેરસમજોને વધવા ન દેવી જોઈએ અને તેને ઉકેલવા માટે પ્રયાસો કરવા જોઈએ.'
વર્ષ 2023માં રેખા અને શત્રુઘ્ન સિન્હા મુંબઈમાં લેસ્લી ટિમિન્સ અને સચી નાયકના લગ્નના રિસેપ્શનમાં મળ્યા હતા. રેખાએ શત્રુઘ્નને ગળે લગાવતા પહેલા તેમના પગ સ્પર્શ કર્યા હતા. શત્રુઘ્ન સાથે રેખાનું આ વર્તન સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયુ હતું. ત્યારબાદ રેખાએ તેમની પત્ની પૂનમ સિન્હાને ગળે લગાવી હતી.
આ પણ વાંચો: અભિનેત્રીએ 7 થપ્પડ મારી તોય અક્ષય ખન્નાએ કોઈ ફરિયાદ ન કરી, ધુરંધરનો આ સીન ચર્ચામાં
શત્રુઘ્ન સિન્હા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ "યમલા પગલા દીવાના ફિર સે"માં જોવા મળ્યા હતા. બીજી તરફ અમિતાભ બચ્ચને આ વર્ષે ઑક્ટોબરમાં રિલીઝ થયેલી "વેટ્ટૈયન"માં કામ કર્યું છે.
રેખા 'સિલસિલા', 'ખુબસૂરત', 'ઉમરાવ જાન' અને 'મુકદ્દર કા સિકંદર' જેવા ક્લાસિક માટે જાણીતી છે.








