રૂ.20 માટે મજૂરી કરતો રજનીકાંતનો ફેન આજે બન્યો રૂ.50 કરોડનો સ્ટાર! એકસમયે સેટ પર કરાયું હતું અપમાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Actor Soori Inspirational Journey: સિનેમા જગત માત્ર સપનાં વેચવાનું જ નહીં, પરંતુ અશક્ય સપનાંઓને સાકાર કરવાનું માધ્યમ પણ છે. તમિલ સિનેમામાં આજે એક એવા 49 વર્ષીય અભિનેતાની સફર ચર્ચામાં છે, જેણે ક્યારેક રોજના માત્ર ₹20ની મજૂરી કરી, દાયકાઓ સુધી નાના-મોટા સહાયક રોલ અને કોમેડિયન તરીકે સંઘર્ષ કર્યો અને આખરે લીડ હીરો તરીકે ₹50 કરોડથી વધુ કમાણી કરનારી બેક-ટુ-બેક હિટ ફિલ્મો આપી. રજનીકાંત, વિજય અને શિવકાર્તિકેયન જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરનાર આ પ્રતિભાશાળી કલાકાર બીજું કોઈ નહીં પણ અભિનેતા સૂરી છે.
રોજના ₹20ની મજૂરી અને ₹1.25ના બન માટે પણ ફાંફા
સૂરીનું મૂળ નામ રામલક્ષ્મણન મુથુસામી થેવર છે. વર્ષ 1993માં તે તિરુપ્પુરમાં મિત્રો સાથે પરચૂરણ મજૂરીકામ કરતો હતો, જ્યાં તેને રોજના માત્ર ₹20 મળતા હતા. અઠવાડિયે માંડ ₹140ની કમાણી થતી, જેમાંથી અડધા એટલે કે ₹70 ઘરે મોકલવા પડતા હતા. તે સમયે ₹1.25નો કોકોનટ બન ખાવાના પણ પૈસા નહોતા, જેથી તે માત્ર ચા પીને દિવસો વિતાવતો હતો. રજનીકાંતના અત્યંત ક્રેઝી ફેન એવા આ યુવાને 1991માં આવેલી મણિરત્નમની ફિલ્મ 'દલપતિ'માં રજનીકાંતના પાત્રથી પ્રભાવિત થઈને પોતાનું નામ 'સૂર્યા' રાખ્યું હતું, જે પાછળથી ટૂંકાઈને 'સૂરી' બની ગયું.
દીવાલો પર કલરકામ અને 'પરોટા સૂરી' તરીકે ઓળખ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલાં તેણે મકાનોની દીવાલો રંગવાનું કામ પણ કર્યું હતું. તાજેતરમાં એક કાર્યક્રમમાં ગીતકાર પા વિજયે આ દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે:
"એક જમાનો હતો જ્યારે તમે દોરડા પર લટકીને દીવાલો પર પેઇન્ટિંગ કરતા હતા. આજે સિનેમા તમને પોતાના ખભા પર બેસાડીને ટોચ પર લઈ ગયું છે."
વર્ષ 1998થી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હોવા છતાં વર્ષો સુધી તેને અનક્રેડિટેડ નાના રોલ્સ જ મળ્યા. છેવટે 2009માં આવેલી ફિલ્મ 'વેન્નીલા કબ્બડી કુઝુ'થી તેને ખરી ઓળખ મળી અને તે સમગ્ર તમિલ ઇન્ડસ્ટ્રીમાં 'પરોટા સૂરી' તરીકે મશહૂર થયો.
શૂટિંગ સેટ પર શર્ટ ઉતરાવીને કરાયું હતું અપમાન
સૂરી માટે આ સફળતાનો માર્ગ ક્યારેય સરળ નહોતો. એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની સાથે સેટ પર થયેલા એક અત્યંત અપમાનજનક પ્રસંગનો ખુલાસો કર્યો હતો. તે સમયે તે એક ટોચના કોમેડિયન અને સુપરસ્ટાર સાથે શૂટિંગ કરી રહ્યો હતો. તે દર્દનાક ક્ષણને યાદ કરતાં સૂરીએ જણાવ્યું હતું કે:
"મારો શર્ટ ઉતારીને તે જ ક્ષણે મારી જગ્યાએ રિપ્લેસ કરાયેલા અભિનેતાને આપી દેવા માટે કહેવામાં આવ્યું. મારો શર્ટ કોસ્ચ્યુમ વાહનમાં ફેંકી દેવાયો અને હું કમરે માત્ર ટુવાલ લપેટીને સેટ પર ઊભો રહીને મારા કપડાં શોધતો રહ્યો, જ્યારે તેઓ બીજા કલાકાર સાથે સીન શૂટ કરી રહ્યા હતા. તે ક્ષણ અત્યંત અપમાનજનક હતી."
જે ફિલ્મે બદલી નાખી જિંદગી: ₹50 કરોડ ક્લબનો સુપરસ્ટાર
વર્ષ 2023માં પ્રખ્યાત નિર્દેશક વેટ્રીમારને સૂરી પર મોટો દાવ ખેલ્યો અને ફિલ્મ 'વિદુથલાઈ: પાર્ટ 1’માં કોન્સ્ટેબલ કુમારેસનના ગંભીર લીડ રોલમાં તક આપી. આ ફિલ્મે સૂરીની માત્ર હાસ્ય કલાકાર તરીકેની છબી હંમેશાં માટે બદલી નાખી. લીડ હીરો તરીકેની તેમની આ પ્રથમ ફિલ્મે વૈશ્વિક સ્તરે ₹53 કરોડની કમાણી કરી.
ત્યારબાદ લીડ એક્ટર તરીકે તેમની સફળતાની વણથંભી યાત્રા શરૂ થઈ ગઈ:
- વિદુથલાઈ: પાર્ટ 2: ₹55 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન
- ગરુડન: ₹59.50 કરોડની તોતિંગ કમાણી
- મામન: ₹50.75 કરોડનું ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન
આમ, રોજના ₹20થી શરૂઆત કરનારો એક સામાન્ય મજૂર આજે પોતાની મહેનતના દમ પર તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સફળ લીડ હીરો બનીને ઉભરી આવ્યો છે.




