- અગાઉ તબુનો રોલ કપાયાનો વિવાદ થયો હતો
- કેટલાક વેન્ડર્સનો લાખોના પેમેન્ટ બાકી હોવાનો દાવોઃ જોકે, એકતા કપૂરે આરોપો ફગાવ્યા
મુંબઈ : અક્ષય કુમારની ફિલ્મ 'ભૂતબંગલા' નવા વિવાદમાં સપડાઈ છે. કેટલાક વેન્ડર્સના દાવા અનુસાર તેમનું પેમેન્ટ હજુ બાકી છે.
જોકે, ફિલ્મ નિર્માણ કરનારી એક્તા કપૂરે આ આરોપો ફગાવ્યા છે.
એક વેન્ડરના દાવા અનુસાર તેના ૩૦ લાખ રુપિયા બાકી છે. અન્ય વેન્ડરના દાવા અનુસાર તેના ૧૮ લાખ રુપિયા બાકી છે. વેન્ડરના દાવા અનુસાર પ્રોડક્શન હાઉસ દ્વારા મુખ્ય કલાકારો તથા કેટલાક ટોચના ક્રૂ મેમ્બર્સને પૈસા આપી દેવાયા છે પરંતુ વેન્ડર્સનાં બિલ બાકી છે. ૯૦ દિવસની અંદર પેમેન્ટનો નિયમ છતાં પણ તેનું પાલન કરાયું નથી. બીજી તરફ બાલાજી મોશન પિકચર્સનો દાવો છે કે કંપનીએ કોન્ટ્રાક્ટ અનુસાર તમામ પેેમેન્ટ પૂર્ણ કરી દીધાં છે.
ઉલ્લેખનીય છે કે 'ભૂતબંગલા' ફિલ્મમાં અગાઉ તબુનો રોલ કાપી નાખવામાં આવ્યો હોવાનો વિવાદ થયો હતો. અક્ષય કુમારે તબુનો રોલ કપાવી નાખ્યો હોવાનો દાવો કરાયો હતો. જોકે, દિગ્દર્શક પ્રિયદર્શને આ આરોપ નકારી કાઢ્યો હતો.


