દેશ માટે પતિને મારી નાંખ્યો: ભારતની પ્રથમ મહિલા જાસૂસ પર બનશે ફિલ્મ, દુશ્મને કાપી નાંખ્યા હતા સ્તન
Neera Arya Story: 1857 થી 1947 સુધી, ભારતની સ્વતંત્રતા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા...ઘણા આંદોલનો અને યુદ્ધો લડાયા, જેમાં સેંકડો વીરોએ અને ક્રાંતિકારીઓએ પોતાની અદમ્ય હિંમત દર્શાવી. નાયકો, નાયકાઓ અને સૈનિકોએ દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું અને કેટલા ગુમનામ રહીને મૃત્યુ પામ્યા. આવા જ એક બહાદુર મહિલા નીરા આર્ય હતા, જેમને ભારતીય સેનાની પ્રથમ મહિલા જાસૂસ માનવામાં આવે છે. હવે નીરા આર્ય પર એક ફિલ્મ બની રહી છે, જેનું દિગ્દર્શન કન્નડ ફિલ્મ નિર્માતા રૂપા ઐયર કરશે. આ બાયોપિક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વરુણ ગૌતમ દ્વારા લખવામાં આવશે.
સુભાષ ચંદ્ર બોઝનો જીવ બચાવવા પોતાના પતિની કરી હત્યા
નીરા આર્યની બહાદુરી વિષે વાત કરીએ તો તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જીવ બચાવવા માટે પોતાના પતિની હત્યા કરી દીધી હતી. બાદમાં તેમને કાળા પાણીની સજા પણ ભોગવવી પડી. તેમણે જેલમાં એટલી બધી યાતનાઓ સહન કરી કે તેના વિશે જાણીને તમારો આત્મા કંપી જશે અને પછી જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે કોઈને આ બહાદુર મહિલાની પરવા નહોતી. નીરા આર્યએ અત્યંત ગરીબી અને ગુમનામીમાં આ દુનિયા છોડી દીધી.
નીરા અને તેના ભાઈને શ્રેષ્ઠ શિક્ષણ આપવા કોલકાતા મોકલ્યા હતા
નીરાનો જન્મ 5 માર્ચ, 1902ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકરામાં થયો હતો. પિતાનું નામ શેઠ છજ્જુમલ હતું. તેઓ વ્યવસાયે ઉદ્યોગપતિ હતા. શેઠ છજ્જુમલ તેમના બંને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગતા હતા. તેથી તેમણે નીરા અને તેના ભાઈ બસંતને અભ્યાસ માટે કોલકાતા મોકલ્યા પણ નીરાના મનમાં બાળપણથી જ દેશભક્તિ હતી.
નીરા બાળપણથી દેશની સ્વતંત્રતા માટે કંઈક કરવા માંગતા હતા
નીરા આર્ય દેશની સ્વતંત્રતા માટે કંઈક કરવા માંગતા હતા. તેથી, અભ્યાસ દરમિયાન જ તેમણે નક્કી કર્યું કે તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજનો ભાગ બનશે. ત્યારબાદ શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેઓ આઝાદ હિન્દ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટમાં જોડાયા. પરંતુ પરિવાર તેના નિર્ણયથી અજાણ હતો.
બ્રિટિશ આર્મી ઓફિસર શ્રીકાંત સાથે થયા હતા નીરાના લગ્ન
થોડા સમય પછી નીરાના બ્રિટિશ આર્મી ઓફિસર શ્રીકાંત જય રંજન દાસ સાથે લગ્ન થયા. શ્રીકાંત તે સમયે ભારતમાં CID ઇન્સ્પેક્ટર હતા. નીરા અને શ્રીકાંતના વિચારો એકબીજાથી તદ્દન વિરુદ્ધ હતા. એક તરફ, નીરા બ્રિટિશ સરકાર સામેના યુદ્ધમાં સામેલ હતી. બીજી બાજુ, તેમના પતિ અંગ્રેજો પ્રત્યે વફાદાર રહ્યા. તેના પતિ એવા ભારતીયોમાંના એક હતા જે જન્મથી તો ભારતીય હતા, પરંતુ હૃદયથી તે અંગ્રેજોનો ગુલામ બની ગયા હતા.
સુભાષ ચંદ્ર બોઝનો જીવ બચાવવા પોતાના પતિની કરી હત્યા
એવું કહેવાય છે કે શ્રીકાંતને એક સમયે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જાસૂસી કરવાનું અને તેમની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. શ્રીકાંતે નીરાને પણ આ વાતની ખબર ન પડે તે રીતે નેતાજીની જાસૂસી કરવાનું શરૂ કર્યું. એકવાર જ્યારે નીરા નેતાજીને મળવા ગયા, ત્યારે શ્રીકાંતે તેમનો પીછો કર્યો. પછી તક જોઈને તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ પર ગોળીઓ ચલાવી, પરંતુ તે તેમના ડ્રાઇવરને વાગી ગઈ. નીરા ત્યાં હાજર હતા. જ્યારે તેમણે આ દ્રશ્ય જોયું, ત્યારે તેમણે નેતાજીને બચાવવા પોતાના પતિને મારી નાખ્યો. આ કારણે નેતાજીએ તેમનું નામ 'નીરા નાગિન' રાખ્યું.
આ પણ વાંચો: સલમાનની બિલ્ડીંગમાં ઘૂસી ગયેલ મોડલે અગાઉ આરટીઓમાં તોડફોડ કરી હતી
કાળા પાણીની સજા, આંદામાન જેલમાં ત્રાસ સહન કર્યો
પતિની હત્યાના કરવાના કારણે નીરાને કાળા પાણીની સજા આપવામાં આવી. આ વાત ફરહાના તાજે તેમના પુસ્તક 'First Lady Spy Of INA: Neera Arya- Espionage and Heroism in the INA' માં કહી છે. પુસ્તકમાં ફરહાના તાજે જણાવ્યું છે કે જ્યારે નીરા આર્ય જેલમાં હતા, ત્યારે તેમને લાલચ આપવામાં આવી હતી કે જો તે નેતાજી અને અન્ય નેતાઓ વિશે બધી માહિતી આપશે તો તેમને છોડી દેવામાં આવશે. પરંતુ નીરા આર્ય મક્કમ રહ્યા.
જેલમાં નીરાને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યું. બેડી કાપતી વખતે તેમના પર હથોડીથી પણ ઘણા ઘા આપવામાં આવ્યા. આટલું જ નહિ પરંતુ જેલમાં જયારે નીરાને નેતાજી વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું નેતાજી મારા હૃદયમાં છે તો આ સંભાળીને જેલરે તેના સ્તન પણ કાપી નાખ્યા હતા. આટલા ટોર્ચર પછી પણ તેમણે ક્યારેય મોં ખોલ્યું નહીં.
દેશ આઝાદ થયો એટલે નીરાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા
જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નીરા આર્યને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા, પરંતુ એવું કહેવાય છે કે તેમણે દેશ માટે જે કંઈ કર્યું તે અને તેની બહાદુરી લોકો ભૂલી ગયા. એવું કહેવાય છે કે નીરા આર્યએ પોતાના છેલ્લા દિવસો ગુમનામીમાં વિતાવ્યા હતા. તેમજ હૈદરાબાદમાં ફૂલ વેચીને ગુજરાન ચલાવતા હતા. આ રીતે 26 જુલાઈ, 1998માં ખૂબ જ ગરીબી અને ગુમનામીમાં તેમનું મોત થયું.