'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મની જાહેરાત બાદ લોકોએ ભારે વિરોધ કરતાં ફિલ્મમેકરે માંગી માફી, પોસ્ટર પણ કર્યું હતું રિલીઝ
Operation Sindoor Movie Poster Out: પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર બનેલી પ્રથમ ફિલ્મનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ હવે આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં આર્મી યુનિફોર્મ પહેરેલી એક મહિલા ખૂબ જ આત્મવિશ્વાસથી કપાળ પર સિંદૂર લગાવતી જોવા મળે છે.
જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર જેકી ભગનાનીના પિતરાઈ ભાઈ વિકી ભગનાની અને નિક્કી ભગનાનીએ 'ઓપરેશન સિંદૂર' ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ નિક્કી વિક્કી ભગનાની ફિલ્મ્સ અને ધ કન્ટેન્ટ એન્જિનિયર પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવશે. જેનું દિગ્દર્શન નીતિન કુમાર ગુપ્તા અને ઉત્તમ મહેશ્વરી કરશે.
'ઓપરેશન સિંદૂર'નું પોસ્ટર રિલીઝ થયું
ઓપરેશન સિંદૂર પર આધારિત આ ફિલ્મનું પોસ્ટર માનવ મંગલાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું. પરંતુ ભારે વિરોધ થતા બાદમાં તેને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.
ફિલ્મની જાહેરાત બાદ લોકોએ ભારે વિરોધ
લોકોએ આ પોસ્ટરનો વિરોધ કરતા નિક્કી ભગનાનીએ માફી માંગી હતી અને લખ્યું હતું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફિલ્મની જાહેરાત ન કરાવી જોઈએ, આ પૈસા અને ફેમ કમાવવાનો સમય નથી.' ભારે વિરોધ બાદ માનવ મંગલાણીએ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી તેમજ આ મામલે માફી પણ માંગી હતી.
ફિલ્મમેકરે માંગી માફી
નિક્કી ભગનાનીએ માફી માંગતા લખ્યું, 'ઓપરેશન સિંદૂર પર આધારિત ફિલ્મની જાહેરાત કરવા બદલ હું દિલથી માફી માંગુ છું, જે આપણા ભારતીય સશસ્ત્ર દળોના તાજેતરના પરાક્રમી પ્રયાસોથી પ્રેરિત છે. મારો હેતુ ક્યારેય કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું આપણા સૈનિકો અને નેતૃત્વની હિંમત, બલિદાન અને શક્તિથી ખૂબ પ્રભાવિત થયો હતો અને ફક્ત આ શક્તિશાળી વાર્તાને પ્રકાશમાં લાવવા માંગતો હતો.'