હું સંપન્ન પરિવારમાં રહું છું, આ ઉંમરે બદનામ ના કરો: આર્થિક તંગીની અફવાઓ પર ભડકી સિનિયર એક્ટ્રેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anita Kanwal Slams Financial Crisis Rumours: ટેલિવિઝન અને હિન્દી સિનેમાની જાણીતી વરિષ્ઠ અભિનેત્રી અનીતા કંવલ સોશિયલ મીડિયા અને કેટલાક ન્યૂઝ પોર્ટલ્સ પર ચાલી રહેલા ભ્રામક સમાચારોને લઈને ભારે આક્રોશમાં છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર એવા અહેવાલો વાયરલ થયા હતા કે 72 વર્ષની આ અભિનેત્રી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે અને લોકો પાસેથી કામ તથા આર્થિક સહાય માંગી રહી છે. આ પાયાવિહોણી અફવાઓથી નારાજ થઈને આખરે અભિનેત્રીએ એક વીડિયો શેર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
જૂના ઇન્ટરવ્યુની વાતને ખોટી રીતે તોડી-મરોડી રજૂ કરી
અનીતા કંવલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે પરોઢિયે 3:45 વાગ્યે પણ તેમને ઊંઘ નથી આવી રહી, કારણ કે આ ખોટા સમાચારોએ તેમની ઊંઘ હરામ કરી દીધી છે. સમગ્ર મામલાની સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે આ આખો વિવાદ લગભગ છ મહિના પહેલાં એક પત્રકારને આપેલા એક જૂના ઇન્ટરવ્યુને કારણે ઊભો થયો છે.
તે ઇન્ટરવ્યુ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે જો તેમની પાસે કોઈ કામ કે નિયમિત આવક ન હોય, તો પોતાની બચતથી તેઓ કેટલો સમય સુધી ગુજરાન ચલાવી શકે છે. તેના જવાબમાં અનીતાએ કહ્યું હતું કે તેઓ કોઈ પણ કમાણી વગર પણ આશરે એકથી દોઢ વર્ષ સુધી પોતાનો ખર્ચ સરળતાથી સંભાળી શકે છે. પરંતુ કેટલાક મીડિયા પ્લેટફોર્મ્સે આ વાતનું ખોટું અર્થઘટન કરીને એવી હેડલાઇન્સ બનાવી દીધી કે તેઓ આર્થિક તંગીમાં સપડાયાં છે અને લોકો પાસેથી મદદ માંગી રહ્યાં છે.
'હું એક ઈજ્જતદાર પરિવારમાંથી આવું છું, બાળકો પાસેથી પણ પૈસા નથી લેતી'
અભિનેત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે,
"તેઓ એવું લખી રહ્યા છે કે હું લોકો પાસે ભીખ માંગી રહી છું, જે તદ્દન ખોટું અને શરમજનક છે. હું કોઈ આર્થિક મુશ્કેલીમાં નથી. હું એક અત્યંત પ્રતિષ્ઠિત અને સક્ષમ પરિવારમાંથી આવું છું. મેં મારી આવકનું યોગ્ય આયોજન કર્યું છે અને આગામી 10 વર્ષ સુધી કોઈ પણ ટેન્શન વગર પોતાનો ખર્ચ ઉઠાવી શકું એટલી સક્ષમ છું."
તેમણે વધુમાં ઉમેર્યું કે છ મહિના જૂના તે ઇન્ટરવ્યુ પછી હવે સંજોગો પણ બદલાઈ ચૂક્યા છે. તેમને નવો ફિલ્મ પ્રોજેક્ટ મળી ચૂક્યો છે, ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડ કોલેબોરેશનની ઓફર્સ આવી રહી છે અને તાજેતરમાં તેમણે પોતાની સ્વતંત્ર રીલ ડ્રામા સીરિઝ પણ તૈયાર કરી છે.
અનીતા કંવલે સવાલ ઉઠાવ્યો કે જ્યારે તેઓ પોતાના બાળકો પાસેથી પણ નાણાકીય સહાય નથી લેતાં, તો પછી બહારના લોકો પાસે મદદ માંગવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? વીડિયોના અંતે તેમણે ભાવુક બનીને મીડિયા અને ટ્રોલર્સને અપીલ કરી કે આ ઉંમરે સનસનાટી મચાવવા માટે તેમનું નામ આ રીતે બદનામ કરવાનું બંધ કરવામાં આવે. અભિનેત્રીના આ સ્પષ્ટ વલણ બાદ તેમના ચાહકો અને ફિલ્મ જગતના સાથી કલાકારો તેમના સમર્થનમાં આગળ આવ્યા છે.




