'મને જીવનભર શરમ....' અભિનેત્રી જાહ્નવી કપૂરે પેદ્દી ફિલ્મ વિવાદમાં મૌન તોડ્યું..
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Janhvi Kapoor Expresses Deep Regret: બોલિવૂડ અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે સેલિબ્રિટી ચેટ શો 'કોફી વિથ કરણ'ના લેટેસ્ટ એપિસોડમાં પોતાની ફિલ્મ 'પેદ્દી' સાથે જોડાયેલા વિવાદ પર મૌન તોડ્યું છે. વાતચીત દરમિયાન જાહ્નવીએ ભારે હૈયે સ્વીકાર્યું હતું કે તે આ સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ શરમ અનુભવે છે અને આ શરમ તે આખી જિંદગી પોતાની સાથે લઈને ચાલશે. જોકે, તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે પોતાને કોઈ પીડિતા તરીકે રજૂ કરવા માંગતી નથી, પરંતુ તે સમયે યોગ્ય વિરોધ ન દર્શાવવા બદલ તેને આજે પણ ઘણો અફસોસ છે.
વિવાદ પર કેમ મૌન રહી હતી જાહ્નવી?
શો દરમિયાન જ્યારે કરણ જોહરે 'પેદ્દી' વિવાદ વિશે પૂછ્યું, ત્યારે જાહ્નવીએ જણાવ્યું કે ફિલ્મ પાછળ આખી ટીમે ઘણી મહેનત કરી હોવાથી તે શરૂઆતમાં આ મુદ્દે વધારે બોલવાનું ટાળી રહી હતી. તેણે કહ્યું કે તે સમયે તેને પોતાની વાત રજૂ કરવા માટે યોગ્ય શબ્દો નહોતા મળી રહ્યા. જાહ્નવીએ કબૂલાત કરી કે તે જીવનભર આ શરમ પોતાની સાથે રાખશે અને જો તે ઈચ્છતી તો ઘણું બધું કરી શકતી હતી, વધુ સાવધ રહી શકતી હતી અને મોટો વિરોધ પણ નોંધાવી શકતી હતી. પ્રોફેશનલિઝમ જાળવવા અને ડિરેક્ટરની સૂચનાઓનું પાલન કરવાની ગડમથલમાં તે સમયે અવાજ ન ઉઠાવી શકી, જેના માટે તે પોતાની જાતને જ વારંવાર દોષી માને છે.
કપૂર પરિવારના 'પ્રિવિલેજ'નો ઉપયોગ કરવો જોઈતો હતો
અભિનેત્રીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે તે એક પ્રતિષ્ઠિત કપૂર પરિવારમાંથી આવે છે અને તેને મળેલા પ્રિવિલેજનો ઉપયોગ તેણે એ સમયે અવાજ ઉઠાવવા માટે કરવો જોઈતો હતો. દક્ષિણ ભારતીય ફિલ્મોમાં બાઉન્ડ સ્ક્રિપ્ટ ન હોવાને કારણે પણ તે કેટલીક બાબતો સામે ખુલીને વાંધો ન ઉઠાવી શકી. જાહ્નવીએ જણાવ્યું કે તે કોઈ સહાનુભૂતિ મેળવવા નથી માંગતી, પરંતુ આ એક એવો કડવો અનુભવ હતો જેણે તેને અંદરથી ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. આ કિસ્સામાંથી તેણે મોટો બોધપાઠ લીધો છે કે ભવિષ્યમાં જો ક્યારેય આવી સ્થિતિ સર્જાશે તો તે ચુપચાપ સહન નહીં કરે પરંતુ અવાજ જરૂર ઉઠાવશે.
શું હતો 'પેદ્દી' ફિલ્મનો વિવાદ?
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'પેદ્દી'માં જાહ્નવી કપૂરના પાત્ર 'અચમ્મા'ના ફિલ્માંકન અને કેમેરા એંગલ્સને લઈને દર્શકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મના અનેક દ્રશ્યોમાં તેના શરીરના અંગોને વારંવાર અયોગ્ય રીતે હાઇપર-સેક્સ્યુઅલાઇઝ કરીને બતાવવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા હતા. આ સાથે એક સીનમાં અભિનેતા રામ ચરણનું પાત્ર જાહ્નવીના પાત્રની સહમતિ વિના તેને કિસ કરતું બતાવાયું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર મોટો વિરોધ ફાટી નીકળ્યો હતો. દર્શકોનો રોષ જોઈને અંતે ફિલ્મના ડિરેક્ટર બુચી બાબુ સનાએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી.




