સ્મિત મચ્છર સામે બોલિવૂડ નતમસ્તક! સલમાન ખાન-રણવીરે કર્યા વખાણ, જાવેદ અખ્તરે કહ્યું- મહાવીર ચક્ર આપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pilot Smit Machhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર કો-પાયલટે હુમલો કરી દીધો હતો. ફ્લાઈટ ક્રેશ થવાની કંડિશનમાં હતી, પરંતુ સ્મિતે ઈજાગ્રસ્ત હાલતમાં પણ સૂઝબૂઝથી તમામ મુસાફરોનો જીવ બચાવ્યો. હવે સ્મિત મચ્છરની બહાદૂરી સામે બોલિવૂડ નતમસ્તક થયું છે. શુક્રવારે સલમાન ખાને મોડી રાત્રે પાયલટ સ્મિત મચ્છરના વખાણ કર્યા.
સલમાન ખાને સત્તાવાર X એકાઉન્ટ પરથી લખ્યું કે,, 'કમાલ કરી દીધો પાયલટ જી, અમે બધા તમને સેલ્યુટ કરીએ છીએ. તમારી સાથે ઉડાન ભરવામાં ગર્વ અનુભવાશે. વેલ ડન બ્રો કેપ્ટન સ્મિત મચ્છર.'
રણવીર સિંહે પણ સોશિયલ મીડિયા પર કેપ્ટન સ્મિતની તસવીર શેર કરતા લખ્યું કે, 'કેપ્ટન બહાદુર.'
અનિલ કપૂરે લખ્યું- આ અસાધારણ છે
અનિલ કપૂરે એક લાંબી પોસ્ટ શેર કરીને ઘટનાની જાણકારી મળવા વિશે વાત કરી. તેમણે લખ્યું કે, જ્યારે આ ઘટના બની, ત્યારે જલાલે મને કહ્યું કે તે સ્મિતને ફ્લાઈંગ સ્કૂલના દિવસોથી જાણે છે. તેમણે કહ્યું કે તે હંમેશાથી જાણતા હતા કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં તેઓ સ્મિતને પોતાની સાથે રાખવા માંગશે. આ વાત પરથી મને વિચારવા મજબૂર કરી દીધો કે સ્મિતમાં શરૂઆતથી જ કેટલી હિંમત રહી હશે, જેને તેમની આસપાસના લોકોએ આટલી નાની ઉંમરમાં જ ઓળખી લીધી હતી.
આગળ અનિલે લખ્યું- 'તે મુશ્કેલ ઘડીમાં સ્મિતે જે કર્યું, તે ખરેખર અસાધારણ હતું. જ્યારે માણસ પોતે કોઈ અત્યંત ડરામણી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હોય, ત્યારે પણ મજબૂત બન્યા રહેવું અને બીજાને પોતાનાથી પહેલા રાખવા, આના માટે અસાધારણ હિંમત જોઈએ. સ્મિતને મારા દિલથી સન્માન અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના.'
સની દેઓલે લખ્યું- મોટી દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી
એક્ટર સની દેઓલે કેપ્ટન સ્મિતની પ્રશંસામાં લખ્યું કે, 'કેપ્ટન સ્મિત મચ્છરે તે સમયે અસાધારણ સાહસ અને સૂઝબૂઝનો પરિચય આપ્યો, જ્યારે આની સૌથી વધુ જરૂર હતી. તમે એક મોટી દુર્ઘટનાને ટાળવામાં અને અનેક લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. તમારા જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. સલામ.'
સુનીલ શેટ્ટીએ કેપ્ટન સ્મિતની પ્રશંસામાં લખ્યું, 'બહાદુરી મોટાભાગે ખામોશ હોય છે, પરંતુ તેને ક્યારેય ભૂલાતી નથી. કેપ્ટન સ્મિત મચ્છર અને તે મુશ્કેલ ઘડીમાં આગળ વધીને જવાબદારી સંભાળનારા દરેક શખ્સે અદ્ભુત ધૈર્ય, સૂઝબૂઝ અને હોંસલાનો પરિચય આપ્યો. દિલથી સન્માન. આ સાચી સલામી છે.'
આ સેલેબ્સે પણ કરી પ્રશંસા
જાવેદ અખ્તર બોલ્યા- મહાવીર ચક્રના હકદાર છે સ્મિત
જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અતુલનીય છે. તેઓ કોઈ પણ શંકા વગર મહાવીર ચક્ર જેવા મોટા સન્માનના હકદાર છે. જાવેદ અખ્તર સિવાય શમિતા શેટ્ટી અને રિદ્ધિમા કપૂર સાહનીએ પણ કેપ્ટન સ્મિતના જઝ્બાની સરાહના કરી છે.
પરેશ રાવલે આપ્યો 'ક્રાંતિવીર' ફિલ્મનો રેફરન્સ
અભિનેતા પરેશ રાવલે કેપ્ટનના સરનેમ 'મચ્છર' પર ચુટકી લેતા 1994માં આવેલી પોતાની મશહૂર ફિલ્મ 'ક્રાંતિવીર'નો ઉલ્લેખ કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમને નાના પાટેકરનો તે મશહૂર ડાયલોગ યાદ આવી રહ્યો છે- 'એક મચ્છર આદમી કો…!' તો બીજી તરફ, એક્ટ્રેસ રવીના ટંડને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કેટલીક પોસ્ટ શેર કરીને કેપ્ટન સ્મિતને રિયલ હીરો કહ્યા.
રવિ કિશન, આર માધવન અને વિજય દેવરકોંડાની પ્રતિક્રિયા
અભિનેતા અને સાંસદ રવિ કિશને લખ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છર ફરજ પ્રત્યે અટૂટ નિષ્ઠા અને અદમ્ય સાહસની મિશાલ છે. પોતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા પછી પણ બીજાની રક્ષા કરવી એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે.
સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા અને બોલિવૂડ એક્ટર આર માધવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને શેર કર્યું. માધવને લખ્યું કે, તેઓ દેશના આ સાચા હીરોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરે છે. તો વિજય દેવરકોંડાએ લખ્યું કે કેપ્ટને જે કર્યું તે અવિશ્વસનીય છે.
શું થયું હતું ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં
ફ્લાયદુબઈનું બોઈંગ 737 મેક્સ 8 વિમાન 174 મુસાફરોને લઈને દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું. જ્યારે પ્લેન સાઉદી અરેબિયા ઉપર ઊડી રહ્યું હતું, ત્યારે જ કોકપિટમાં ઓમાની કો-પાયલટે કેપ્ટન સ્મિત પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.
ખરાબ રીતે ઇજાગ્રસ્ત થવા છતાં કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલી દીધો, જેથી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે અંદર આવીને હુમલાખોરને પકડી લીધો. આ પછી પ્લેનનું તબૂકમાં સેફ લેન્ડ કરાવવામાં આવ્યું.
PM મોદીએ પણ કર્યો વીડિયો કોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી અને ખબરઅંતર પૂછ્યા. PMએ X પર લખ્યું કે કેપ્ટન સ્મિત એક હીરો છે. ગંભીર ખતરા અને ઈજા છતાં તેમણે અદમ્ય સાહસ દર્શાવ્યું. તેમની બહાદુરીથી સેંકડો જિંદગીઓ બચી અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ. પૂરા ભારતને કેપ્ટન સ્મિત પર ગર્વ છે.
સ્પાઈસજેટમાં 11 વર્ષ પાયલટ રહી ચૂક્યા છે કેપ્ટન સ્મિત
ફ્લાયદુબઈ પહેલા સ્મિતે 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઈસજેટમાં કામ કર્યું. અહીં તેમણે 9500 કલાકથી વધુ ઉડાન ભરી. આમાંથી 6400 કલાકથી વધુ સમય વિમાનના મુખ્ય પાયલટ એટલે કે પાયલટ-ઈન-કમાન્ડ તરીકે હતો.
જૂન 2022માં તેમણે ફ્લાયદુબઈ જોઈન કરી હતી. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ પ્રમાણે તેમને કોમર્શિયલ વિમાન ઉડાડવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે બોઈગ 737 વિમાનો પર લગભગ 9750 કલાક ઉડાન ભરી છે.
ઈઝરાયલ અને ગુજરાત સરકાર સન્માનિત કરશે
કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ સન્માનિત કરશે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રુવેન અજારે આ જાણકારી આપી. તો બીજી તરફ ગુજરાત સરકારે પણ કેપ્ટન સ્મિતને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પ અને નેતન્યાહૂએ હીરો કહ્યા હતા
ઈઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ પણ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને સાચા હીરો કહ્યા.
નેતન્યાહૂએ કહ્યું કે મચ્છરની બહાદુરીથી વિમાનમાં સવાર 174 લોકોનો જીવ બચાવવામાં મદદ મળી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ કેપ્ટન મચ્છરને હીરો કહ્યા અને તેમની બહાદુરીના વખાણ કર્યા.




