Get The App

મેટ ગાલામાં ભારતીય યુવતીના કપડાંને લઈને કેમ હોબાળો મચ્યો? ટોકેનિઝમ અને વંશવાદનો મુદ્દો છેડાયો

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
મેટ ગાલામાં ભારતીય યુવતીના કપડાંને લઈને કેમ હોબાળો મચ્યો? ટોકેનિઝમ અને વંશવાદનો મુદ્દો છેડાયો 1 - image

Bhavitha Simple Look Trolled: દુનિયાના સૌથી મોટા ફેશન ઇવેન્ટ્સ તરીકે જાણીતું મેટ ગાલા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. દર વર્ષે યોજાતા આ ભવ્ય ફેશન ઇવેન્ટમાં દુનિયાભરના સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલ અને ગ્લેમર દ્વારા કંઈક અલગ અને ખાસ રજૂ કરવાની કોશિશ કરે છે. તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ સમગ્ર દુનિયા જુએ છે. અહીં ડેબ્યૂ કરવું કોઈપણ મોડલ માટે સપનું સાકાર થવા જેવું માનવામાં આવે છે અને તે તેમના કરિયરને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. જોકે હાલમાં મોડલ ભાવિતા મંડવા માટે આ તક એક ખરાબ સપનાં સમી બની ગઈ છે.

ભાવિતા એક ઇન્ડિયન મોડલ છે. આ તેના કરિયરની સૌથી મોટી અને ઐતિહાસિક ક્ષણ હોવી જોઈએ હતી. જોકે તેનું મેટ ગાલા ડેબ્યૂ ટ્રોલિંગનું કારણ બની ગયું છે. એટલું જ નહીં, તેની હાજરી સોશિયલ મીડિયા પર મોટી ચર્ચાનો વિષય બની ગઈ છે. જોકે આ ચર્ચાના તેના અંગત કારણોસર નહીં, પરંતુ તેણે પહેરેલા કપડાંને કારણે શરૂ થઈ હતી. રેડ કાર્પેટ પર પગ મૂકતા જ તેના લુકને લઈને સવાલો ઊઠવા લાગ્યા હતા. લોકોએ માત્ર તેના આઉટફિટ વિશે જ નહીં, પરંતુ તેની પાછળની વિચારસરણી અને સ્ટાઇલિંગ અંગે પણ ટીકા કરી હતી.

સિમ્પલ લુક બન્યો ચર્ચાનો વિષય

ભાવિતા Chanelની પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે મેટ ગાલાના રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તેનો લુક લોકોની અપેક્ષા કરતાં એકદમ અલગ હતો. તેણે રેડ કાર્પેટ માટે ન તો કોઈ ભારે ડ્રેસ પહેર્યો હતો અને ન કોઈ સ્ટેટમેન્ટ જ્વેલરી. તેનો લુક રસ્તા પર ચાલતી કોઈ સામાન્ય યુવતી જેવો લાગતો હતો.

તેણે મેટ ગાલા 2026ના રેડ કાર્પેટ પર ડેબ્યૂ માટે પીચ કલરના શિયર ટોપ સાથે ડેનિમ-ઇફેક્ટ સિલ્ક પેન્ટ પહેરી હતી, જે પહેલી નજરે જીન્સ જેવી લાગી રહી હતી. પોતાના લુકની સાથે તેણે બ્લેક-વ્હાઇટ સ્લિંગબેક શૂઝ પહેર્યા હતા. મેટ ગાલા જેવા ભવ્ય અને હાઇ-ફેશન ઇવેન્ટમાં જ્યાં સામાન્ય રીતે ડ્રામેટિક અને એક્સપેરિમેન્ટલ આઉટફિટ્સ જોવા મળે છે, ત્યાં ભાવિતાનો આ સાદગીભર્યો અંદાજ તરત જ લોકોની નજરમાં આવી ગયો. જોકે આ લુક દરેકને પ્રભાવિત કરી શક્યો નહીં.

ઘણા લોકોને ભાવિતાનો આ લુક જરૂર કરતાં વધુ સિમ્પલ લાગ્યો, ખાસ કરીને તે મંચ માટે જ્યાં દર વર્ષે ફેશન અને સ્ટાઇલના સૌથી શ્રેષ્ઠ નમૂનાઓ રજૂ કરવામાં આવે છે. એવું કહેવું ખોટું નહીં બને કે આ મંચ પર ફેશન પોતાના સૌથી બોલ્ડ અને ગ્લેમરસ સ્વરૂપમાં જોવા મળે છે. આ જ કારણથી તેની આ સ્ટાઇલ થોડા જ સમયમાં ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો.

સોશિયલ મીડિયા પર ઉઠ્યો જાતિવાદ અને ટોકેનિઝમનો મુદ્દો

જેમ જેમ સોશિયલ મીડિયા પર ભાવિતાના લુક અંગે ચર્ચા વધતી ગઈ, તેમ આ મામલો માત્ર ફેશન સુધી સીમિત રહ્યો નહીં. ઘણા યુઝર્સે Chanel પર ટોકેનિઝમ, માઇક્રોએગ્રેશન અને અહીં સુધી કે જાતિવાદ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું કોઈ પશ્ચિમી અથવા વ્હાઇટ એમ્બેસેડરને પણ એટલા સિમ્પલ લુકમાં રેડ કાર્પેટ પર મોકલવામાં આવ્યો હોત?

મેટ ગાલામાં ભારતીય યુવતીના કપડાંને લઈને કેમ હોબાળો મચ્યો? ટોકેનિઝમ અને વંશવાદનો મુદ્દો છેડાયો 2 - image

ટોકેનિઝમ એટલે કે ખોટો દેખાડો કરવો અને એથી જ કેટલાક યુઝર્સે એવું પણ પૂછ્યું કે શું ભારતીય લોકોની હાજરીને ખરેખર એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે, જેટલું બતાવવાની કોશિશ કરવામાં આવે છે?

તે જ ઇવેન્ટમાં અન્ય સ્ટાર્સ ખૂબ જ ગ્લેમરસ અને ડ્રામેટિક આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. તેની સરખામણીએ ભાવિતાનો લુક ઘણા લોકોને અન્ડરડ્રેસ્ડ લાગ્યો. અહીંથી ચર્ચા વધુ વધતી ગઈ અને સવાલ ઊભો થયો કે શું Chanelએ પોતાના પ્રથમ ભારતીય એમ્બેસેડરને એ જ લેવલનું ટ્રીટમેન્ટ આપ્યું, જે અન્ય ઇન્ટરનેશનલ ચહેરાઓને મળે છે?

શું ભાવિતાને ‘ગેસલાઇટ’ કરવામાં આવી?

કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એવું પણ કહ્યું કે ભાવિતાને એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તેનો લુક ખૂબ જ ખાસ અને અલગ છે, જ્યારે હકીકતમાં તેને તે લેવલનું હાઇ-ફેશન ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું નહોતું જે બીજાઓને મળ્યું. જોકે ભાવિતા રેડ કાર્પેટ પર ખૂબ ખુશ દેખાઈ રહી હતી અને તેણે આ ક્ષણને પોતાના માટે ગૌરવની વાત ગણાવી.

દરેક વ્યક્તિ નારાજ નહોતી

એક તરફ ઘણા લોકો ભાવિતાના આ લુકને લઈને ભારે ટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ કેટલાક લોકોએ તેની પ્રશંસા પણ કરી. તેમનું માનવું હતું કે ફેશનબલ દેખાવા માટે દરેક વખતે ભારે-ભરખમ અને ઓવર-દ-ટોપ આઉટફિટ્સ પહેરવાની જરૂર નથી હોતી. એક સિમ્પલ લુક પણ મજબૂત ફેશન સ્ટેટમેન્ટ આપી શકે છે. ભાવિતાએ પોતાના કરિયરની શરૂઆત પણ આવા જ સિમ્પલ લુકથી કરી હતી અને મેટ ગાલામાં પણ એ જ અંદાજમાં આવીને તેણે પોતાના જીવનની એ મહત્ત્વપૂર્ણ ક્ષણને ખાસ બનાવવાની કોશિશ કરી હતી.