'ભીનાં લાકડા ન મૂકતાં...', નાના પાટેકરે વર્ષો પહેલાં જ પોતાના અંતિમ સંસ્કાર વિશે કરી હતી ખાસ વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nana Patekar cremation wood: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે ગોવા ખાતે હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે નાના પાટેકરે પોતાના મૃત્યુ અને અંતિમ સંસ્કાર વિશે વર્ષો પહેલા જ ખુલીને વાત કરી લીધી હતી. સપ્ટેમ્બર 2023માં પોતાની ફિલ્મ 'ધ વેક્સિન વોર'ના પ્રમોશન દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે મૃત્યુ વિશે ખૂબ જ સ્પષ્ટતાથી પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પોતાની અંતિમ સંપત્તિ વિશે મોટો ખુલાસો કર્યો હતો.
'12 મણ સૂકું લાકડું' જ મારી આખરી સંપત્તિ છે
એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન નાના પાટેકરે જણાવ્યું હતું કે, 'હું મૃત્યુના સત્યને સારી રીતે સ્વીકારું છું અને મને ખબર છે કે એક દિવસ આ દુનિયા છોડીને જવું જ પડશે. મારી છેલ્લી ઇચ્છા એવી છે કે અંતિમ સંસ્કાર માટે મારે 12 મણ લાકડાની જરૂર પડશે. આ જ મારી આખરી સંપત્તિ છે અને હું તેની સાથે જ વિદાય લઈશ.' એટલું જ નહીં, તેમણે પોતાના અંતિમ સંસ્કાર માટે પહેલેથી જ લાકડાની વ્યવસ્થા પણ કરી રાખી હતી.
ભીનાં લાકડા સામે નાના પાટેકરનો વિનોદી અંદાજ
અંતિમ સંસ્કાર જેવા ગંભીર વિષય પર પણ પોતાની આગવી મસ્તી અને અંદાજમાં વાત કરતા તેમણે ખાસ એવું કહ્યું હતું કે તેમના અંતિમ સંસ્કારમાં માત્ર સૂકા લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, 'મેં મારા 12 મણ લાકડા અલગ રાખી મૂક્યા છે જે એકદમ સૂકા છે. મને તેમાં જ સળગાવજો, ક્યારેય ભીના લાકડાનો ઉપયોગ ન કરતા.'
અભિનેતાએ તેનું કારણ આપતા હસતા-હસતા કહ્યું હતું કે, 'જો ભીના લાકડા વાપરશો તો ધુમાડાથી ભેગા થયેલા મિત્રોની આંખોમાં પાણી આવી જશે. એવામાં મને મરતી વખતે ખોટી ગેરસમજ થઈ જશે કે લોકો મારા માટે રડી રહ્યા છે. ઓછામાં ઓછું મરતી વખતે તો કોઈ ગેરસમજ ન થવી જોઈએ!' તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજાવવાનો હતો કે મૃત્યુ પછી દુનિયામાં બધું જ છૂટી જાય છે, તેથી કોઈ વસ્તુનો મોહ રાખવામાં કોઈ અર્થ નથી.
ગોવા ખાતે અચાનક વિદાય અને આગામી અંતિમ સંસ્કાર
નાના પાટેકરની અંતિમ ક્ષણો ખૂબ જ અચાનક આવી ગઈ. ગુરુવારે સવારે ગોવા સ્થિત પોતાના નિવાસ્થાને તેમણે મિત્રને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને બચાવવાના ભારે પ્રયાસો કર્યા પરંતુ સવારે 5:20 કલાકે તેમનું નિધન થયું હતું.
માત્ર ચાર દિવસ પહેલાં (4 ઓક્ટોબરે) ગોવામાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં તેમણે જીવનની અનિશ્ચિતતા વિશે વાત કરી હતી કે, 'હું આજે અહીં છું, કાલે શું થશે તે કોઈ નથી જાણતું.' મરાઠી રંગભૂમિ તેમજ હિન્દી અને મરાઠી સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપવા માટે રાજ્ય સરકારે તેમને રાજકીય સન્માન (સ્ટેટ ફ્યુનરલ) સાથે વિદાય આપવાની જાહેરાત કરી છે. તેમના અંતિમ સંસ્કાર પુણે પાસે આવેલા તેમના પ્રિય ફાર્મહાઉસ (ડોંજે) ખાતે કરવામાં આવશે.
પદ્મશ્રી અને ત્રણ વખત નેશનલ એવોર્ડ વિજેતા નાના પાટેકર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની અનોખી અભિનય શૈલી અને યાદગાર પાત્રો હંમેશાં જીવંત રહેશે.




