Entertainment

રણબીર-અરુણ ગોવિલ પહેલાં 9 વખત શ્રીરામ બન્યા હતા આ અભિનેતા! ફોટો મૂકીને પૂજા કરતા હતા લોકો

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
રણબીર કપૂરની 'રામાયણ' પહેલાં, 1940-50ના દાયકાના અભિનેતા પ્રેમ અદીબે 9 વાર પડદા પર ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું. 1942માં વિજય ભટ્ટની 'ભરત મિલાપ'થી શરૂ કરીને, તેમણે 'રામ રાજ્ય' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. મહાત્મા ગાંધીએ તેમની 'રામ રાજ્ય' ફિલ્મ જોઈ હતી. તેમની લોકપ્રિયતા એટલી હતી કે લોકો તેમના ફોટાની પૂજા કરતા. 42 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રણબીર-અરુણ ગોવિલ પહેલાં 9 વખત શ્રીરામ બન્યા હતા આ અભિનેતા! ફોટો મૂકીને પૂજા કરતા હતા લોકો

Prem Adib played Lord Ram 9 times: બોલિવૂડમાં રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ પૌરાણિક કથા પર અગાઉ પણ અનેક ફિલ્મો અને સિરિયલો બની ચૂકી છે. જ્યારે પણ ટીવી પર ભગવાન રામની વાત આવે ત્યારે રામાનંદ સાગરની 'રામાયણ'ના અરુણ ગોવિલનો હસતો ચહેરો જ લોકોના મનમાં ઉપસી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અરુણ ગોવિલ અને રણબીર કપૂર પહેલાં પણ હિન્દી સિનેમામાં એક એવા મહાન કલાકાર થઈ ગયા, જેમણે એક-બે વાર નહીં પણ પૂરી 9 વાર મોટા પડદા પર ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું!

કોણ હતા પ્રેમ અદીબ?

10 ઓગસ્ટ, 1917ના રોજ જન્મેલા પ્રેમ અદીબ તે સમયના ભારતીય સિનેમાના જાણીતા અને લોકપ્રિય કલાકાર હતા. તેમને 'સિલ્વર સ્ક્રીનના આદર્શ રામ' તરીકે ઓળખવામાં આવતા હતા. ભગવાન રામ તરીકે તેમની યાદગાર સફર વર્ષ 1942માં ડાયરેક્ટર વિજય ભટ્ટની ફિલ્મ 'ભરત મિલાપ'થી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં તેમના અભિનયને દર્શકોએ ખૂબ જ વધાવી લીધો હતો.

મહાત્મા ગાંધીએ જોઈ હતી તેમની 'રામ રાજ્ય' ફિલ્મ

'ભરત મિલાપ'ની ભવ્ય સફળતા બાદ વિજય ભટ્ટે વર્ષ 1943માં પ્રેમ અદીબને ફિલ્મ 'રામ રાજ્ય'માં ફરીથી ભગવાન રામના રોલમાં કાસ્ટ કર્યા હતા. આ ફિલ્મ સાથે એકતિહાસિક સિદ્ધિ જોડાયેલી છે; 'રામ રાજ્ય' સમગ્ર ઇતિહાસની એકમાત્ર એવી ફિલ્મ છે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જોઈ હતી.

9 વાર ભજવ્યો શ્રીરામનો રોલ, ઘરોમાં થતી હતી પૂજા

એક વાર ભગવાન રામના રોલમાં લોકપ્રિય થયા બાદ દર્શકો તેમને વારંવાર એ જ અવતારમાં જોવા માંગતા હતા. પ્રેમ અદીબે 'રામબાણ', 'રામ વિવાહ', 'રામ નવમી', 'રામ હનુમાન યુદ્ધ', 'રામ લક્ષ્મણ', 'રામ ભક્ત વિભીષણ' અને 1954માં આવેલી ફિલ્મ 'રામાયણ'માં પણ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. 1940 અને 1950ના દાયકામાં શોભના સમર્થ સાથે તેમની 'રામ-સીતા'ની જોડી સુપરહિટ રહી હતી. તેમની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ હતી કે લોકો આ બંને કલાકારોના ફોટા અને કટ-આઉટ ઘરમાં મૂકીને તેમની પૂજા કરવા લાગ્યા હતા.

42 વર્ષની નાની વયે દુનિયાને અલવિદા કહ્યું

મોટા પડદા પર 9 વાર શ્રીરામનું પવિત્ર પાત્ર ભજવનાર આ મહાન અભિનેતાનું વર્ષ 1959માં બ્રેઇન હેમરેજના કારણે માત્ર 42 વર્ષની નાની વયે નિધન થયું હતું. તેમણે વહેલી વિદાય લીધી, પરંતુ ભારતીય સિનેમાના ઇતિહાસમાં અને લોકોના દિલમાં તેઓ આજે પણ અમર છે.