મનને પૂર્વગ્રહ અને વાસીપણાથી મુક્ત રાખવાના ઉપાયો

- એક જ દે ચિનગારી-શશિન્
- ઝેરીલા સાપ જેવા સાપને પણ વાસી કાંચળી ખપતી નથી, જ્યારે માણસ પોતાની હઠ, વટ, જીદ, અહંકાર, અને પકડી રાખેલો અસત્યભર્યો અભિપ્રાય છોડવા કેમ તૈયાર થતો નથી?
દિ વાળી પછી એક માણસ પોતાના વર્તનની વિગતો આપતાં બીજા માણસને કહે છે : પેલા પડોશીએ મને નમસ્તે કહી 'સાલ મુબારક' કહ્યા પણ મેં એનો ઠંડો પ્રતિસાદ આપ્યો, એટલે એ ઝંખવાણો પડી ગયો. એની સાથે મારે જૂનું વેર છે. મારા આગણાં પાસેની જમીન એ દબાવીને બેઠો છે. એને હું કેવી રીતે માફ કરી શકું ? માફીને મફતના ભાવે વહેંચીએ તો ગુનેગારોને જલસા થઇ જાય.
માણસ દરરોજ નહાય છે, છતાં એનું દિમાગ, એનું હૃદય કેમ વાસી રહે છે ? માણસ બધું જ છોડવા તૈયાર થાય છે, પણ પોતાનું વાસીપણું સહેલાઈથી છોડવા તૈયાર થતો નથી. મગજને ખોપરીના અંદરના ભાગમાં ઇશ્વરે ગોઠવ્યું છે, એટલા માટે કે એ સુરક્ષિત રહે. મગજ તાજગી ગુમાવે એ કુદરતને પણ મંજૂર નથી. બગીચામાં દરરોજ તાજાં ફૂલો ખીલે છે. તાજા જળપ્રવાહ સાથે સરિતા વહેતી રહે છે અને સવિતા (સૂર્ય) પણ તાજાં રશ્મિ દ્વારા જગતને આલોકિત કરે છે. વાયુ પણ તાજો અને વારિ (પાણી) પણ તાજું.
'સરગમ' ના સંપાદક ડૉ. ગૌરાંગ ગાંધીએ પર્વતારોહણ પ્રસંગકથા સંદર્ભે પર્વતારોહણના પ્રશિક્ષક ગુરુનો ઉપદેશ વણી લીધો છે. ગુરુજી સમજાવે : 'રબરનું કામ છે પેન્સિલથી લખેલા લખાણમાં થયેલી ભૂલોને ભૂંસી કાઢવાનું. જો તે ભૂંસી ન કાઢે તો લખાણ ભૂલોથી ભરેલું જ રહેવાનું, તેવી જ રીતે આપણે આપણા વિચારોની ભૂલો છેકી ન નાખીએ, તેને ન સુધારીએ તો જીવન તેના પરમ લક્ષ્યથી ફંટાઈ જવાનું. જીવનમાં થતા રાગદ્વેષ, મત્સર અને ક્રોધ વગેરે જેવી ભૂલો સુધારતા જવાનું કામ નહીં કરીએ તો આપણે આ ભૂલ ભરેલા વર્તનને જ સાચું માની લઈશું, આપણા વિચારોનું કામ પેલા ક્લીનર જેવું છે. તે ન વાપરીએ તો સાફ કરનાર સાધન ઉપર ધૂળના થર જામી જાય. આપણે પણ સતત વિચારોના રબરથી આવી ભૂલો સાફ કરતાં કરતાં આગળ વધવાનું છે, તો જ આપણે આત્માનુભૂતિનું ઉચ્ચ શિખર સર કરી શકીશું.'
માણસને કુદરતે આત્મદર્શનનો અરીસો આપી જીવનમાં થતી ભૂલોને સુધારી લેવાનો મોકો આપ્યો છે. ઝેરીલા સાપ જેવા સાપને પણ વાસી કાંચળી ખપતી નથી. એ જૂની કાંચળીમાંથી બહાર સરકીને જૂની કાંચળીનો પરિત્યાગ કરે છે, પણ માણસ નથી પોતાનું મહોરું બદલવા તૈયાર કે નથી વાસીપણાની કાંચળી બદલવા તૈયાર. આપણે પાળેલા પોષેલા વાસીપણાના રક્ષક બનવામાં આપણને ગર્વ અને આનંદની અનુભૂતિ થાય છે.
કોઇને હરાવી દીધો, કોઇને પછાડી દીધો, કોઇને ચર્ચામાં પરાજિત કર્યો, આક્રમક દલીલ દ્વારા બોલતી બંધ કરી દીધી, મીટિંગમાં બૂમ-બરાડા પાડી પોતાનું ધાર્યું કરાવી લીધું વગેરે બાબતોને આપણે અહંકાર સાથે રજૂ કરતા હોઈએ છીએ. ગંદકીના ગાણાં ગાવામાં પાવરધા બનનારને સજ્જન કહી શકાય ખરો ?
માણસ તરીકે આપણે જૂનાં બંધનોનો ત્યાગ કરીને, જીર્ણ વિચારોને છોડી દઈને, પરિવર્તનને અપનાવવાનું છે. આ જગત બગડી ગયું છે, એવી ફરિયાદ આપણે કરીએ છીએ પણ એને બગાડનાર કોણ ? પ્રકૃતિએ તો સુંદર પૃથ્વીનું નિર્માણ કરી માણસને સોંપી દીધી છે. ઇશ્વરે પોતાના શ્રેષ્ઠ સર્જન તરીકે માણસનું નિર્માણ કરીને તેને જીવવાની સ્વતંત્રતા આપી છે. પણ માણસને અમર્યાદ સ્વતંત્રતાની ભૂખે બેબાકળો કરી દીધો છે. પરિણામે એ વિવેક ચૂક્યો અને ન કરવા જેવાં કામોમાં લલચાયો.
જેને ભાગે જે રોલ આવ્યો, તેને તે ગમતો નથી. ચપરાસીએ ઉત્તમ ચપરાસી બનવું નથી, ધારાસભ્ય ઉત્તમ ધારાસભ્ય બનવાને બદલે મંત્રી બનવાનાં સોણલાં સેવે છે. મંત્રીએ મુખ્યમંત્રી બનવાના અને મુખ્ય મંત્રીએ વડાપ્રધાન બનવાનાં ખ્વાબોમાં રાચવું છે. ધનવાને મહાધનવાનમાં ખપવું છે અને ગુરુએ મહાગુરુમાં પરિણામે, પોતાને ભાગે આવેલા કામને તે ન્યાય આપી શક્તો નથી. એટલે એ કર્મની કુશળતાનો સાધક બની શક્તો નથી. પ્રત્યેક દિવસ એને માટે મહત્વાકાંક્ષાના મહાસાગરનો યાત્રી બનવાનો મોકો બને એવું માણસ ઝંખે છે. માણસ બહારથી જાગે છે, પણ અંદરથી કુંભકર્ણની નિદ્રા તેનો કબજો લઇ લે છે. પરિણામે એનામાં આત્મજાગૃતિ આવતી નથી. જ્હોન રસ્કિને સાચું જ કહ્યું છે કે જ્યારે માણસ પોતાનામાં જ વીંટળાયેલો રહે ત્યારે તે ખરેખર એક નાનકડું પેકેટ બની જાય છે.
માણસની બધી વિકૃતિઓનું મૂળ કારણ છે તૃષ્ણા. માણસ તૃષ્ણાને પહેરે છે, ઓઢે છે અને તૃષ્ણાનું જ ભોજન કરે છે. ખરેખર તો તૃષ્ણાઓને મનની બહાર ધકેલી દેવાની જરૂર છે.
મનને વાસી રાખી જીવનમાં તાજગી અનુભવવાનું શક્ય નથી. આજે કાર્યાલયોમાં ઉદ્યોગ ધંધાઓમાં કે અન્યત્ર કામ કરનારા માણસો જીવનની પ્રતિકૂળતાઓ, નિરાશાઓ અને અતૃપ્ત ઇચ્છાઓના બોજથી એટલા બધાં બેચેન હોય છે કે તેઓ કામ કરતા નથી, પણ કામને પતાવે છે. જીવન ક્યારેય કોઇના માટે નિરર્થક હોતું જ નથી. માણસનું પ્રદુષિત મન જીવનને નિરર્થકતાની નામોશીભરી સ્થિતિમાં હડસેલતું હોય છે. કેવળ સ્વાર્થપૂર્ણ યાત્રા મનુષ્યને સુખશાન્તિનો માર્ગ દેખાડી શક્તી નથી. સ્વાર્થના મહોદધિમાં માણસની સદ્વૃત્તિઓ એવી રીતે વિલીન થઇ જાય છે.
ધિક્કારના બીજ વાવીને ધરતીને ધન્ય બનાવવાનું શક્ય નથી, ધિક્કારની પરણોગત કરીને જીવનને પણ ધન્યતા ન જ પ્રાપ્ત થાય.
કોઇના પ્રત્યે નફરત દાખવવી કે નજીવા કારણસર મનમાં પૂર્વગ્રહ બાંધવાથી સંબંધોમાં તિરાડ ઊભી થાય છે. પૂર્વગ્રહ એટલે બાંધેલો ખોટો મત. પક્ષપાતયુક્ત બુધ્ધિ કે મનોવલણ. અગાઉથી જ મનમાની રીતે બાંધેલું કે પકડી રાખેલું મંતવ્ય. સંબંધ, મૈત્રી, વેપાર વાણિજ્ય કે જાહેર જીવનમાં વિવિધ ક્ષેત્રો પૂર્વગ્રહના પ્રદૂષણને કારણે પરિત્રસ્ત છે. માણસ બધું છોડવા તત્પર હોય છે પણ પોતાની હઠ, વટ, જીદ, અહંકાર અને પકડી રાખેલો અસત્યભર્યો અભિપ્રાય છોડવા તૈયાર હોતો નથી.
માણસના મનની બે પ્રવૃત્તિઓ છે : સદ્વિચારોનું પાલન અને દુષ્ટ વિચારોનો મોકો મળે સંગ્રહ. સદ્વિચારો શુધ્ધ હોય છે એટલે એ વિધાયક હોય છે, જ્યારે દુર્વિચારો એ વિઘાતક હોય છે. માણસના મનને પ્રદૂષિત કરે છે. ન કરવા યોગ્ય કામો તરફ ગતિ કરાવે છે.
નકારાત્મક વિચારો એટલે કે ર્દુવિચારો એ માત્ર પાપ નથી, પણ અનેક પાપોનું ઉદ્ભવસ્થાન છે.
સારાંશ એ જ કે શુધ્ધ રહેવા કે થવા માટે માણસ જૂના પૂર્વગ્રહયુક્ત વિચારો અને દુર્વૃતિઓનો ક્ષય કરે તો તે પોતે આપોઆપ શાંતિ અનુભવશે.
નવા વર્ષે મનને પૂર્વગ્રહ મુક્ત, વાસીપણાથી મુક્ત રાખી તરોતાજા બનવાનાં આ રહ્યા કેટલાક ઉપાયો.
૧. દરરોજ મનમાં ઊઠતી ધિક્કારની લાગણી, પૂર્વગ્રહયુક્ત વિચારસરણી ફગાવી દો અને સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવો.
૨. માણસને નવા રૂપે, નવા દ્રષ્ટિકોણથી નિહાળો. દ્વેષ, ઇર્ષા કે નિંદાને જાકારો આપો.
૩. પ્રત્યેક કાર્ય ઇશ્વરે તમને સોંપેલી જવાબદારી છે, એમ સમજી કામને પતાવવા નહીં પણ દીપાવવાનો સંકલ્પ કરો.
૪. જીવનને વહેતું રાખો. સર્વજનોને તમારા પ્રેમના બિનશરતી અધિકારી બનાવો.
૫. નવા સ્વીકારવા જેવા વિચારોનું જતન અને માવજત કરો.
૬. તમારા દિમાગને સાંકડું ન રાખો, વિચારશીલ અને વિશાળ બનાવો.
૭. દરેક વ્યક્તિ તરફ સહાનુભૂતિ દર્શાવો. વેર સમાપ્ત કરવા માટે નમ્રતા અને મૈત્રીપૂર્ણ હાથ લંબાવવામાં કે માફી માગવામાં નાનમ માનશો નહીં.
૮. જીવન, જગત અને ઇશ્વર તરફ આદરભાવ કેળવો. તમારું નાનું મોટું કામ કરી આપનાર પ્રત્યેક ધન્યવાદની ભાવના કેળવો.
૯. જીદ, વટ, હઠ, અહંકાર અને માનસિક સંકીર્ણતા ત્યજી તમારામાં રહેલી માનવતાને ખીલવા દો.




