Editorial

જોઈએ છે : સરકાર માટે જરા ચોખ્ખી, સાફસૂથરી ગાળો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
સરકારે દેશમાં આંદોલનકારીઓ દ્વારા બોલાતી 'અગડમ્ બગડમ્' ગાળોને લઈને ચિંતા વ્યક્ત કરી. આ માટે ભાષાશાસ્ત્રીઓને બોલાવી 'સ્વચ્છ અને શિષ્ટ' ગાળો શોધવા સૂચન કર્યું. એક ભાષાશાસ્ત્રીએ 'ભક્ત' શબ્દ ગાળ બની ગયો હોવાનું કહેતા, મંત્રીશ્રી ગુસ્સે ભરાયા અને ભાષાશાસ્ત્રીઓ ભાગી ગયા. સરકારે આંદોલનોમાં વપરાતી ભાષા સુધારવા પ્રયાસ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જોઈએ છે : સરકાર માટે જરા ચોખ્ખી, સાફસૂથરી ગાળો
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • ગાળો એ ભાષાશાસ્ત્રીઓની સંમતિ વિના ભાષાના ભાથામાંથી નીકળી ગયેલું તીર છે

અચાનક સરકારને ખ્યાલ આવ્યો કે દેશની દરેક સમસ્યાની જેમ જેન ઝીની આવી ગાળાગાળી માટે પણ આઝાદી પછી રચાયેલી સરકારો જ જવાબદાર છે, કારણ કે તેમણે લોકશાહીમાં આંદોલનોને પાંગરવાની છૂટ આપવાની ભૂલ તો કરી નાખી, પરંતુ આંદોલનકારીઓએ સરકારોને કેવી શિષ્ટ, સૌમ્ય, ચોખ્ખી ગાળો આપવી તેનો કોઈ ગાળકોશ તો બનાવ્યો જ નહીં. આથી આ દિશામાં પવિત્ર વિચારણા માટે સરકારે તાબડતોબ કેટલાક ભાષાશાસ્ત્રીઓને બોલાવ્યા.
'અમને ગાળો આપો…' મંત્રીશ્રીએ ઉચ્ચાર્યું.
બે-ચાર ભાષાશાસ્ત્રીઓએ તો દોડીને મંત્રીશ્રીના પગ પકડી લીધા. 'નામદાર, આ અમૃતકાળમાં અમને તો ફક્ત પ્રશંસા અનેે શરણાગતિની ભાષા જ આવડે છે. તમને ગાળો આપતાં પહેલાં તો અમે ગળે ફાંસો ખાઈ લઈશું.'
મંત્રીશ્રીએ પગ પર છછુંદર ફરી ગયો હોય તેમ પગ ઊંચા લઈને કહે, ' ભલા માણસ, શબ્દ નહીં, અર્થ પકડો. મને નહિ, આ તો સરકારને સારી સારી ગાળો જોઈએ છીએ. અમારા માટે આંદોલન થવા પાછળનાં કારણ કરતાં આંદોલનમાં બોલાયેલી ગાળો વધારે મોટી ચિંતાનો વિષય છે. અમે હવે નવી પેઢી માટે કૂણું વલણ અપનાવવા માગીએ છીએ. આથી, નવી પેઢી સરકારને ગંદી નહીં, પરંતુ જરા ચોખ્ખીચણાક, સાફસૂથરી, સ્વચ્છ, શિષ્ટ ગાળો આપતી થાય એ માટે તમે એવી સારી સારી ગાળો શોધી આપો.'
'ઓહો!' એક ભાષાશાસ્ત્રીએ જરા રિલેક્સ થતાં કહ્યું. 'એ તો આંદોલનકારીઓને કહીશું કે હવે પછીથી જરા મોઢું-બોઢું ધોઈને, બ્રશ કરીને, માઉથવોશથી કોગળા કરીને અને ફાવતું હોય તો ઉલિયાંથી જીભ સાફ કરીને ગાળો બોલે…એટલે દરેક ગાળ ચોખ્ખી અને સ્વચ્છ જ થઈ જશે.'
મંત્રીશ્રી બરાડો પાડીને કહે, 'ઓ…મને ગાળો બોલવા મજબૂર ના કરો.'
'તમારી તો ગાળો પણ અમારા માટે પ્રસાદ…' બીજા ભાષાશાસ્ત્રી હરખાયા.
છેવટે એક વડીલ ભાષાશાસ્ત્રીએ સંધાન સાધ્યું. 'જુઓ, ગાળો એ તો અમારા જેવા ભાષાશાસ્ત્રીઓની સંમતિ વિના ભાષાના ભાથામાંથી નીકળી ગયેલું તીર છે. જેમ આજકાલ મોટા ભાગના નેતાઓની રાજકીય વ્યુત્પત્તિનો કોઈ તાળો મળતો નથી એમ ગાળોની પણ કોઈ વ્યુત્પત્તિ મળતી નથી. ગાળોનું પણ ચૂંટણીમાં અપાતા મત જેવું હોય છે, જે લોકો બહુ પાકટ વિચારણા વિના ગમે ત્યાં ફેંકી દે છે. જેમ રાજકારણમાં ભ્રષ્ટાચારથી લાંચની વ્યાખ્યામાં નહિ આવતાં ઈલેક્ટોરલ બોન્ડ પેદા થાય છે તેમ ભાષાકીય ભ્રષ્ટાચારથી શબ્દકોશની સીમા પારની ગાળો પેદા થાય છે. તમે કહો તો અમે નવી ગાળ શોધી આપવાને બદલે 'ભાષણોને શું વળગે ભૂર, જે ગાળો આપી શકે તે શૂર' જેવી નવી કહેવત રચી આપીએ.'
એક ભાષાશાસ્ત્રી ઉત્સાહમાં કહે, 'ક્યારેક તો કોઈ શિષ્ટ શબ્દ પણ જુદા સંદર્ભમાં ગાળ બની જાય છે. જુઓને આજકાલ 'ભક્ત' શબ્દ પણ ગાળ જ બની ગયો છે ને..'
આ સાંભલી મંત્રીશ્રીની આંખો પેલેટ ગન જેવી તીક્ષ્ણ બની ગઈ. ભાષાશાસ્ત્રીઓ પોતાનાં મોઢે હાથ દઈ ભાગ્યા.