Editorial

ગાદી, બાદી અને બરબાદી

By GS Team
14 Oct 20264 mins read
ગાદી, બાદી અને બરબાદી
  • બખડજંતર-નટખટ નાગર

'લ્યો ભાઈ, મીઠું મોઢું કરો મીઠું મોઢું…'
'લાભુ, કહે તો ખરો કે કંઈ ખુશીમાં તું મોઢું મીઠું કરાવવા આવ્યો છે?'
'અરે સાહેબ, દિવાનખાનામાં રાખેલી ખુરશી માટે સરસ મજાની પોચી પોચી ગાદી લાવ્યો એની ખુશીમાં મીઠું મોઢું કરાવવા આવ્યો છું.'
'લાભુ, તું પણ ખરો છે હો? ૨૦૦ રૂપિયાની ગાદી માટે ૩૦૦ રૂપિયે કિલો પેડા લઈ આવ્યો?'
'અરે મારા ભાઈ, આપણા દેશમાં ગાદી મળે એટલા માટે નેતાઓ પૈસાની રેલમછેલ કરતા હોય છે અને જીતીને પછી ગાદી મળી જાય પછી પણ પાણીની જેમ પૈસા વેરે છે, તમે જોતા નથી?'
'અચ્છા લાભુ, એટલે તે ગાદીની ખુશીમાં મીઠું મોઢું કરાવ્યું એમ જ ને? હવે કહે તો ખરો કે કયાં ગાદી બનાવડાવી?'
'આપણા સ્ટેશનની પાસે રાજસ્થાની ગાદી-ગાદલાવાળાની દુકાન તમ ે જોઈ છે? એની પાસેથી આ ગાદી બનાવડાવી.'
'અચ્છા લાભુ, મેં જોઈ છે દિલ્હી ગાદી ભંડાર નામની દુકાન, બરાબરને? હવે તે દુકાન પાસેના બોર્ડમાં જાહેરાતમાં શું લખ્યું છે એ કોઈ દિવસ વાંચ્યું છે?'
'ના ભઈ ના, મેં નથી વાંચ્યું, શું લખ્યું છે જાહેરાતમાં?'
'દિલ્હી ગાદી ભંડારની બહારના બોર્ડ પર લખ્યું છે કે, ' અમારી બનાવેલી ગાદી વાપરો, પોંચી પોંચી ગાદી બનાવી આપીશું. એક વાર ગાદી પર બેસશો પછી ઊઠવાનું મન નહીં થાય…'
'અરે?મને તો લાગે છે કે આ ગાદી ભંડારવાળો જ દિલ્હીમાં મોટા ભાગના નેતાઓને ગાદી પૂરી પાડતો લાગે છે. જે એક વાર ગાદી પર બેસે છે પછી ઊઠવાનું નામ જ નથી લેતા.'
'હા-હા-હા… લાભુ, તારા ફળદ્રુપ ભેજાને એકલી દાદ નહીં, દાદ-ખાજ-ખુજલી આપવી જોઈએ હો?'
'પણ ગાદીનું કેવું છે, ખબર છે? એકવાર સત્તાની ગાદી ઉપર બેસે એને ઝટ ઊઠવાનું મન ન થાય. એટલે જ હું કાયમ કહું છું કે કાં બેસવા માટે નીચે ગાદી હોય અને કાં બાદી હોય ત્યારે ઝટ ઊઠે જ નહીં.'
'હા-હા-હા… લાભુ, બાદી એટલે કબજિયાત, બરાબરને? બાદીને અંગ્રેજીમાં શું કહે છે ખબર છે? કોન્સ્ટીપેશન.'
'શું વાત કરો છો? આપણાં કોન્સ્ટીટયુશને બધાને ગાદી મેળવવાનો અધિકાર આપ્યો છે અને કોન્સ્ટીપેશને બાદીથી બેઠાં રહેવાનો અધિકાર આપ્યો છે.'
'લાભુ, ગાદી મળે જ્યારે સત્તા આવે અને બાદી મળ ે એ સતાવે.'
'મને પેલું ગીત છેને -ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ… એ ગીત જ્યારે સત્તા માટે દિલ્હીની દિશામાં દોડતા જોઊંને ત્યારે ફેરવીને ગાવાનું મન થાય છે: 'ગાદી' બુલા રહી હૈ સીટી બજા રહી હૈ…'
'લાભુ, ગાદી માટે વલખાં મારતા અને વનપ્રવેશ કર્યા પછી પણ યુવાનેતા તરીકે ધમપછાડા કરતા પનોતા પપ્પુજીને જોઈને ગાવું પડે કે ગાદી 'રૂલા' રહી હૈ, સીટી બજા રહી હૈ… હારના હી જિંદગી હૈ હારતી હી જા રહી હૈ…'
'આમાં એવું છે ને કે ગાદી અને ગાડી મળી જાય તો મજા અને ગાદી અને ગાડી છૂટી જાય તો સજા.'
'તમને ખબર છે, આપણાં કરોડરજ્જુના જે મણકા હોય છે એની વચ્ચે પણ ગાદી હોય છે?'
'લાભુ, મને ખબર છેને? એટલે જ હું કાયમ કહું છું કે ગાદી ખસે સત્તાની કે મણકાની, ત્યારે પીડા ખમવી પડે સણકાની.'
'ગાદીનો આ વળગાડ છે એ ભલભલા ભૂવા કાઢી નથી શક્તા. જેના પેટમાં સત્તાની ભૂખ સળગે ઈ બધાં ગાદીને વળગે.'
'લાભુ, એટલે જ મને તારૃં જ ચોટડુંક વાક્ય યાદ આવ્યું : ગાદી ઉપર ખાદીના કવર અને ખાદીના કવર ઉપર ગાદીના લવર.'
'હા-હા-હા… આઝાદી પછી કેટલાય નેતાએ ખાદીના નામે જ ગાદી મેળવી હતીને? બીજું તો ઠીક કેટલાંય એવાં નીકળ્યાં જેણે ગાંધીબાપુના ચરખાને વગોવ્યો.'
'લાભુ, ગાંધીબાપુના ચરખાને નઠારા નેતાઓએ કેવી રીતે વગોવ્યો એ જરા કહે તો ખરો?'
'જો ધ્યાનથી સાંભળો. સત્તા આવ્યા પછી કેટલાય નેતાઓ ઊભે ગળે પૈસાની ખાઈકી કરવામાં પડી ગયા. આ બધાંએ ચરખા શબ્દનો નવો જ અર્થ કર્યો કે ચરાય એટલું ચર અને ખવાય એટલું ખા આમને આમ ચર-ખા. '
'લાભુ, હું પણ કહું છું કે રેંટિયાનો ટેકો લઈ વિરાટ બની ગયા વહેંતીયા…'
'ખુરશીની જ આ બધી ખેંચતાણ છેને? ખુરશી શબ્દની વચ્ચેથી 'ર' કાઢી નાંખો તો શું થાય? ખુશી, બરાબર? એટલે જેને ખુરશી મળે એને ખુશી મળે.'
'લાભુ, એટલે જ એક હિંદીના હાસ્યકવિએ ડેમોક્રેસી શબ્દનું વિચ્છેન કરીને ક્યો શબ્દ બનાવ્યો હતો ખબર છે? દે-મોહે-કુર્સી!'
'વાહ, સ રસ શબ્દ છે હો? દે-મોહે-કુર્સી… લોકશાહીમાં ચાલ્યા જ કરે ખુરશીની ખેંચતાણ, જેને મળે ખુરશી એ કહેશે કે હવે ટેસથી સત્તા માણ…'
'લાભુ, ગાદી ઉપરથી મને મુંબઈના એક જૂના વિસ્તારનું નામ યાદ આવ્યું, એ વિસ્તારનું નામ છે વડગાદી.'
'વાહ ભાઈ વાહ મુંબઈમાં છે વડ-ગાદી અને રાજકારણમાં ગાદી ઉપર ચડનારાનો વિસ્તાર છે, ચડ-ગાદી.'
ફન કી બાત
લોકશાહીમાં નકરી ટોકશાહી છે
જોકરિયા કેટલાકની જોકશાહી છે
વચન ફોક કરનારાની ફોકશાહી છે
ઠોકી બેસાડાતા નેતાઓની ઠોકશાહી છે.


લોકશાહીના રસોડે વાળુ છે
પછી કોણ કોને કહેવાવાળું છે
ખબરદારી ખંખેરી કૈંક મંડે છે ખાવા
અહીં દરેકની દાળમાં કંઈક કાળું છે.


ફ્રાન્સના રાજા લૂઈ-ચૌદમાના સિંહાસનની ઝાંખી દિલ્હીના શૌચાલય સંગ્રહાલયમાં જોવા મળે છે. લૂઈ ચૌદમાને પેટની બીમારી હતી. એટલે ઓચિંતુ પ્રેશર આવે ત્યારે દરબારનું કામકાજ છોડી દોડી જવું ન પડે એટલે તેણે સિંહાસનમાં જ નીચે કમોડ બનાવડાવ્યું હતું. બન્ને કામ ચાલુ રહે. આ કમોડાસન જોઈને કૈંક નઠારા નેતાઓ ગાદીએ બેસી 'ડર્ટી પોલિટિક્સ' કરતા શીખ્યા હશે?


પુલિંગ અને સ્ત્રીલિંગ શબ્દના અર્થમાં કેવો અર્થ બદલાઈ જાય છે? આને શાબ્દિક કજોડા કહેવાય:
રસ-રસી
આરસ-આરસી
પારસ-પારસી
ચોરસ-ચોરસી
દૂધ-દૂધી
પાણો-પાણી
ચીમન-ચીમની
બરફ-બરફી
માળો-માળી
બળ-બળી
શરદ-શરદી.