વાંઢો તે પહેલો, પરણેલો તે છેલ્લો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બખડજંતર-નટખટ નાગર
'ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ… તમારી નવી ઓફિસ જોવા આવ્યો છું. પહેલી વાર આવ્યોને તો લ્યો, આ રાજકોટના પેડાથી મોઢું મીઠું કરો.'
'લાભુ, વેલકમ, વેલકમ… પણ મારી હાલત ખરેખર વેલ-કમ છે, અનવેલકમ વધુ છે.'
'અરે સાહેબ શું થયું? આવડી મોટી કંપનીના માલિક થઈને હાથે કેમ કામ કરો છો?'
'લાભુ, શ કરૃં? અમારી ઓફિસમાં અમુક એવા રાજા-બહાદુર નહીં પણ રજા બહાદુરો છે, જે વારંવાર રજા પર ઉતરી જાય છે. કોઈવાર કહેશે કે ફેમિલી સાથે બહારગામ જવાનું છે, કાઈવાર કહેશે કે પત્નીની ડિલિવરી માટે પેટર્નલ લીવ જોઈશે, કોઈવાર કહેશે કે લોંગ વીકએન્ડમાં હિલ સ્ટેશન પર જવાનું છે.'
'અરે રામ, ઈ બધાને રજા અને માલિક થઈ તમને સજા? આ બધા 'રજા-મુરાદ' ભલે હકની રજા લે, પણ ઓફિસનું કામ ન ખોરવાય એનો પણ વિચાર કરવો જોઈએને?'
'લાભુ, આ દુનિયાનો નિયમ છે કે જે સહુનું વિચારે એ થઈ જાય બિચારે…'
'તો આમ હેરાન થવું ન પડે માટે કોઈ ઉપાય કેમ અજમાવતા નથી?'
'લાભુ, મેં નવી ઓફિસ ખોલી છેને? એમાં સ્ટાફની ભરતી માટે એક અનોખી શરત રાખી છે. અરજી કરનાર ઉમેદવારમાં બેચલર ઓફ આર્ટસ, બેચલર ઓફ સાયન્સ ભલે હોય, પણ ઉમેદવારપોતે બેચલર ઓફ હાર્ટ એટલે કે વાંઢો હોવો જોઈએ.'
'સાહેબ, વહેલો તે પહેલો એ કહેવત બદલીને કોઈન કરવી પડે કે, વાંઢો તે પહેલો ને પરણેલો તે છેલ્લો…'
'વાહ, લાભુ તે તો કર્મચારીની ભરતી માટે હું જે છાપામાં મોટુકડી જાહેરખબર આપવાનો છું એની જબરજસ્ત કેચલાઈન આપી દીધી હો? વાંઢો તે પહેલો, પરણેલો તે છેલ્લો…'
'સાહેબ, મને આનું કારણ તો કહો? વાંઢાને કેમ પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે?'
'લાભુ, ઈસ્ટ ઓર વેસ્ટ, બેચલર ઈઝ બેસ્ટ, સમજ્યો?'
'અરે સાહેબ, વાંઢાને પ્રાધાન્ય આપવાનું કારણ તો જરા ફોડ પાડીને સમજાવો? કે કઈ રીતે ઈસ્ટ ઓર વેસ્ટ, બેચલર ઈઝ બેસ્ટ?'
'લાભુ, ધ્યાનથી સાંભળ કે જે પરણેલા હોય ને એન ે માથે ઘર-સંસારની પણ જવાબદારી હોય. વેકેશનમાં ફેમિલીને હરવાફરવા બહારગામ લઈ જવાનું હોય, પરિવારમાં કોઈ માંદુ-સાજુ થાય ત્યારે રજા લેવી પડે, વાઈફને ડિલીવરી આવે ત્યારે પેટર્નલ લીવ લેવી પડે અને આ સિવાય ફેમિલીમાં જાત જાતના પ્રસંગોની ઉજવણી માટે રજા લેવી પડે. એમાં પણ ગણેશોત્સવ, નવરાત્રિ કે દિવાળી જેવા તહેવારો વખતે તો એક સાથે કેટલાય આ પરમવીર પરણવીર રજા મૂકે એટલે ઓફિસનું કામ ખોરવાય.આવું ન થાય માટે મેં નવી ઓફિસમાં જે વાંઢાજનક સ્થિતિમાં એકલા જ રહેતા હોય એવાં વાંઢેશ્રીઓને વાજતેગાજતે વધાવવાનો નિર્ણય લીધો છે. વાંઢાને તો ફેમિલીના કોઈ કામ માટે રજાનો પ્રશ્ન જ ન હોયને? '
'વાહ, તમારા ભેજાને દાદ દેવી પડે હો? હું પણ વર્ષો પહેલાં એક સાંજના છાપામાં નોકરી કરતો ત્યારે શનિવારે નાઈટ ડયુટીનો ચાન્સ બે-ત્રણ વાંઢાને જ મળતો, કારણ કે વાંઢાઓને રાત્રે શું 'કામ' હોય?'
'વાહ લ ાભુ, પરણે એ સમસ્યાને શરણે અને જે રહે અવિવાહિત એનું જળવાય હિત.'
'પણ મને એક વાતનો જવાબ તો આપો, કે આટલા બધા બેચલરો તમે મેળવશો ક્યાંથી?'
'લાભુ, મહારાષ્ટ્રના અમુક અછતગ્રસ્ત અને દુકાળગ્રસ્ત ગામોમાંથી અમુક એવાં છે કે પાણીની અસહ્ય તંગીને કારણે એ ગામડાઓમાં કોઈ પોતાની કન્યાને નથી પરણાવતું. એટલે ગામડામાં વાંઢાની સંખ્યા વધતી જાય છે. અમુક વાંઢા ગામ છોડીને મુંબઈ જેવાં શહેરોમાં નોકરી અને છોકરી મેળવવા આવતા જાય છે. ત્યાંના છાપામાં જાહેરખબર આપીશ અને શરત રાખીશ કે ઓછામાં ઓછા પાંચ વર્ષ પરણશે નહીં એવું બોન્ડ લખાવી લેવામાં આવશે. બોલ કેવો આઈડિયા?'
'અરે સાહેબ અફલાતૂન આઈડિયા છે હો? આજના એઆઈ (આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ)ના જમાનામાં કેટલાંયને પાણીચું આપવામાં આવે છે એવી સ્થિતિમાં જો સામેથી સારી નોકરી મળતી હોય તો કેટલાય છોકરી ગોતવાનું પાંચે વર્ષ મુલતવી રાખશે બીજું શું?'
'લાભુ, બાકી તો ક્યારેક એવાં એવાં વર્ક-થીફ (કામચોર) ભટકાય છે કે પગાર પૂરો લે અને કામ અડધુંય માંડ કરે. બહાનાં દખાડી નિષ્ઠા દેખાડવાને બદલે 'વિષ્ટા' દખાડે, બોલ. અરે, જે નોકરીના પગારથી તમારૃં ઘર ચાલતું હોય એ નોકરીમાં કામચોરી કરવાની?'
'સાહેબ, તમને તાજેતરમાં આવો કોઈ બહાનાબાજ મળ્યો હતો?'
'લાભુ, બહાનાબાજ બાબુલાલ નામનો પ્યૂન મારે ત્યાં નોકરી કરતો.'
'અચ્છા… તો બહાનાબાજ બાબુલાલ વળી કેવાં બહાના બતાવતો એનો નમૂનો તો જણાવો?'
'લાભુ, બાબુલાલ દર દસ-પંદર દિવસે રજા લે અથવા ડયુટી પરથી વહેલો ઘરે રવાના થઈ જાય.'
'પણ રજા કે અડધી રજા લેવા માટે એ કારણ શ ું આપતો?'
'લાભુ, બડો ઉસ્તાદ બાબુલાલ મારી કેબિનમાં આવી રડમસ ચહેરે કહે કે સાહેબ… મારી વાઈફ હોસ્પિટલમાં છે. આજે વહેલું જવું પડશ ે. તો ક્યારેક કહેશે સાહેબ, સળંગ બ-ત્રણ દિવસની રજાજોઈએ છે, વાઈફ હોસ્પિટલમાં છે એટલે ઘરે છોકરા સંભાળવાના છે.'
'સાહેબ, તમે કોઈ દિવસ બાબુલાલને પૂછતા નહીં કે તારી વાઈફ આટલા વખતથી હોસ્પિટલમાં છે તો એન ે શું બીમારી છે?'
'લાભુ, મેં એકવાર શું કર્યું ખબર છે? બાબુલાલ અડધી રજા લઈને ગયો એ પછી બીજા પ્યૂનને છાનોમાનો તપાસ કરવા ચૂપચાપ પાછળ મોકલ્યો.'
'સાહેબ, શું ખરેખર બાબુલાલની વાઈફ હોસ્પિટલમાં હતી?'
'લાભુ, બહાનાબાજ બાબુલાલની વાઈફ હોસ્પિટલમાં હતી એ વાત સાચી, પણ હોસ્પિટલમાં પેશન્ટ તરીકે નહીં પણ નર્સ તરીકે નોકરી કરતી હતી. બોલ, બહાનાબાજ બાબુલાલ કેવો ચાપ્ટર કહેવાય?'
'ઓ હો હો… બાબુલાલ ખેરખરો બહાનાબાજ કહેવાય હો? આનાં કરતાં તો બૈરાં-છોકરાં ન હોય એવાં વાંઢાશ્રીઓને નોકરીમાં પ્રેફરન્સ આપવાના તમારા અફલાતૂન અને અનોખા આઈડિયાને સો સલામ કરવી પડે સો સલામ.'
'લાભુ, એટલે જ વધુ એક જાહેરખબરમાં મારૃં મૌલિક જોડકણું લખવાનો છું-
વાંઢાને વધામણાં ને
વાંઢા વહેલા તે પહેલા,
પરણેલાને નડે, ઘરના ઠેલમઠેલા
એટલે પરણેલા છેલ્લમ છેલ્લા.'
ફન કી બાત
ગાંડાના કાંઈ ગામ ન વસે
એમ વાંઢાના ગામ ન વસે
પણ કચ્છના એક ગામનું
નામ છેઃ વાંઢાઈ.
વાંઢાને ભલે ન મળે
ચોટલા કે ચોટલી,
પણ ખાવા માટે મળે
રેડીમેડ રોટલી.
વાંઢાઓ માટેનું એક સુવાક્ય ટ્રકની પાછળ વાંચવા મળ્યુંઃ
ના પિયર ના સાસરે
હંમેશા પ્રભુના આશરે.




