Editorial

ઇઝરાયલ જેવી ફરજિયાત લશ્કરી તાલીમ ભારતીયોને પણ આપવી જોઈએ?

By GS Team
3 Oct 20266 mins read
TukuTouch Logo
ગુજરાતી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસ બાદ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ઇઝરાયલી મુસાફરોની બહાદુરી ચર્ચાનો વિષય બની છે. ઇઝરાયલમાં 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે લશ્કરી તાલીમ ફરજિયાત છે. પુરુષોએ 32 મહિના અને મહિલાઓએ 24 મહિના સૈન્ય સેવા આપવી પડે છે. સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે જેવા દેશોમાં પણ આ પ્રથા છે. ભારતની મોટી વસ્તીને કારણે આ મોડેલ અપનાવવું હાલ શક્ય નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇઝરાયલ જેવી ફરજિયાત લશ્કરી તાલીમ ભારતીયોને પણ આપવી જોઈએ?
  • વાત-વિચાર-શિશિર રામાવત
  • માત્ર ઇઝરાયલ નહીં, બલ્કે સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, ડેન્માર્ક, ફિનલેન્ડ, ઓસ્ટ્રિયા, ગ્રીસ અને સાઉથ કોરિયા જેવા દેશોમાં પણ સામાન્ય નાગરિકો માટે લશ્કરી તાલીમ ફરજિયાત છે. ભારતીયોને પણ આ પ્રકાર ટ્રેનિંગ આપવી જોઈએ તે વિચાર તો બહુ સારો છે, આદર્શ છે, પણ વાસ્તવિકતા અને વ્યાવહારિકતા કંઈક જુદો જ રાગ આલાપે છે!

૩૦ સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવિવ જઈ રહેલી પેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં જાંબાઝ ગુજરાતી-ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર ઓમાની કો-પાઇલટે આપેલા ભયાનક ઘા ઝીલ્યા પછી પણ લોહિયાળ હાલતમાં સંઘર્ષ કરતા રહ્યા અને કોકપિટનો દરવાજો ખોલી નાખવામાં કામિયાબ રહ્યા. ત્રણ ઇઝરાયલી મુસાફરો - યાનિવ હાયુન (કે જે વ્યવસાયે પ્લમ્બર છે), ત્ઝવિકા માનેન્સ અને અસાફ રાજુઆન - કોકપિટમાં ઘૂસ્યા, આતંકવાદી કો-પાઇલટને કાબૂમાં લીધો, પ્લેનનું સલામત લેન્ડિંગ થઈ શક્યું ને સૌને જીવ બચી ગયો. દુનિયાભરમાં સ્વાભાવિકપણે જ આ ઘટનાની ચર્ચા છે. સાથે સાથે એક બીજી ચર્ચા પણ શરૂ થઈ છેઃ પેલા ત્રણ ઇઝરાયલી પેસેન્જરો અણીના સમયે બહાદૂરી બતાવી શક્યા, ખાસ કરીને નઠારા કો-પાઇલટના ગળે ભરડે લેનાર યાનિવ હાયુન, એનું એક સંભવિત કારણ શું એ પણ નથી કે ઇઝરાયલના નાગરિકો માટે લશ્કરી તાલીમ ફરજિયાત છે?
પ્રશ્નમાં દમ છે. ઇઝરાયલના યહૂદીઓ પૃથ્વી પરના સૌથી બુદ્ધિમાન અને સૌથી શૌર્યવાન મનુષ્યસમુદાયો પૈકીના એક છે એ તો એમના દુશ્મનોએ પણ નછૂટકે સ્વીકારવું પડે છે. ઇઝરાયલના યહૂદીઓની માનસિક અને શારીરિક તીક્ષ્ણતામાં એમને મળતી લશ્કરી ટ્રેનિંગનો કેટલો ફાળો છે? કેવું છે ઇઝરાયલનું આ લશ્કરી ટ્રેનિંગનું તંત્ર? આ સવાલનો જવાબ વિસ્તારપૂર્વક જાણવા જેવો છે.
ઇઝરાયલના મોટા ભાગના નાગરિકો માટે ૧૮ વર્ષની ઉંમર થતાં જ લશ્કરી સેવા, અથવા કહો કે સૈન્ય તાલીમ, ફરજિયાત છે. ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી જ આ ફરજિયાત ભરતીની વ્યવસ્થા અમલમાં છે અને ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (આઇડીએફ) આ જ પદ્ધતિથી કામ કરે છે. સામાન્યપણે પુરુષોએ લગભગ ૩૨ મહિના અને મહિલાઓ ૨૪ મહિના લશ્કરી તાલીમ લેવાની રહે છે.
આમાં અપવાદો પણ છે. જેમ કે, જો કોઈ વિકલાંગ હોય કે મેન્ટલ હેલ્થની તકલીફો હોય તો દેખીતી રીતે જ એને લશ્કરી સેવામાંથી મુક્તિ આપવામાં આવે. ઇઝરાયલના આરબ નાગરિકો, કે જેમાંના મોટા ભાગના મુસ્લિમ અને ખ્રિસ્તી છે, તેમના માટે લશ્કરી તાલીમ ફરજિયાત નથી, પણ તેઓ પોતાની મરજીથી આ ટ્રેનિંગ લઈ શકે છે. કટ્ટર યહૂદી યુવતીઓ જો એવું જાહેર કરે કે પોતે અત્યંત ચુસ્ત ધામક જીવનશૈલી ઘરાવે છે, અને એનો દાવો સ્વીકારવામાં આવે, તો તેમને પણ મુક્તિ મળે છે. આ યુવતીઓ સેનાને બદલે હોસ્પિટલો કે શાળાઓમાં સમાજસેવા કરવાનું પસંદ કરે છે. ઇઝરાયલમાં હરેદી નામનો સમુદાય છે. હરેદી પુરુષો અત્યંત રૂઢિચુસ્ત ગણાય છે. ધાર્મિક અભ્યાસ કરવો એ તેમનું લગભગ ફુલટાઇમ કામ છે. તેમને પણ લશ્કરી ટ્રેનિંગમાં છૂટછાટ મળે છે. જોકે આ મુદ્દો ઇઝરાયલમાં લાંબા સમયથી વિવાદ અને ચર્ચાનો વિષય રહ્યો છે. કોર્ટ તથા કાયદાકીય ગતિવિધિઓ દ્વારા હરેદી પુરુષોને મળતી મુક્તિ રદ કરીને તેમને પણ સેનામાં સામેલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અપવાદોને બાદ કરો તો, સમજોને કે, ઇઝરાયલની લગભગ પોણા ભાગની વસ્તી ફરજિયાતપણે લશ્કરી તાલીમ મેળવે છે. ઇઝરાયલના લગભગ દરેક પરિવારમાંથી કોઈક ને કોઈક તો સેનામાં જોડાયેલું હોય જ છે. ઇઝરાયલના સામાજિક જીવન, સંસ્કૃતિ અને પરસ્પર સંબંધોમાં આ બાબત ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
લશ્કરી સેવા યા તો લશ્કરી તાલીમ પૂરી થાય મોટા ભાગના સૈનિકો રિઝર્વ ફોર્સ (અનામત સૈન્ય)માં સામેલ થાય છે. આનો અર્થ એ થયો કે ૪૦ વર્ષ કે તેથી વધુ ઉંમર સુધી જ્યારે પણ દેશમાં યુદ્ધ કે કટોકટી જેવી સ્થિતિ સર્જાય ત્યારે તેમને તાત્કાલિક ફરજ પર બોલાવી શકાય છે. ઓકે. કાયદા મુજબ લશ્કરી તાલીમ લઈ લીધી. પછી? આ નાગરિકો હવે સામાન્ય સિવિલિયન્સ જેવી જિંદગી જીવી શકે છે, નોકરી-ધંધો કરી શકે છે, આગળ ભણી શકે છે. લશ્કરી તાલીમ પામેલાં યુવકયુવતીઓ સરળતાથી દેશની મુખ્ય ધારામાં ભળી શકે તે માટે ઇઝરાયલે એક આખું સંસ્થાકીય માળખું ઊભું કર્યું છે. સૈન્યમાંથી છૂટા થયા પછી પણ પાંચ વર્ષ સુધી તેમને વિવિધ મદદો મળતી રહે છે, જેમ કે, આથક સહાય, શિક્ષણના લાભો, હાયર એજ્યુકેશનમાં ટેકો, વ્યવસાયિક તાલીમ, જોબ શોધી આપવામાં મદદ વગેરે.
ઇઝરાયલમાં લશ્કરી સેવા એ કંઈ માત્ર સામાજિક કે નૈતિક અપેક્ષા નથી. તે એક કાનૂની જવાબદારી છે. ઇઝરાયલી કાયદા મુજબ કાયદેસરના લશ્કરી આદેશનું પાલન ન કરવું એ ફોજદારી ગુનો ગણાય છે. જાણીજોઈને તેમાંથી બચવાનો પ્રયાસ કરનારની ધરપકડ થઈ શકે છે, લશ્કરી અદાલતોમાં તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે, એને જેલભેગો કરી શકાય છે, એને મળતા સરકારી લાભો રદ કરી શકાય છે કે અટકાવી શકાય છે, એના પર દેશની બહાર પગ મૂકવા પર પ્રતિબંધ લાગી શકે છે.
આ તો થઈ ઈઝરાયલની વાત. બીજા કયા દેશોમાં નાગરિકોએ આ રીતે લશ્કરી તાલીમ લેવી પડે છે? આવા દેશો ઘણા છે. સિંગાપોરમાં નાગરિકોએ બે વર્ષની ફુલટાઇમ રાષ્ટ્રીય સેવા અને ત્યાર બાદ આશરે દસ વર્ષ સુધી ઓપરેશનલ રિઝર્વ તરીકે સેવા આપવાની હોય છે. દક્ષિણ કોરિયામાં પણ લશ્કરી સેવા ફરજિયાત છે. જો તમે આર્મીમાં જોડાઓ તો ૧૮ મહિના, નેવીમાં જોડાઓ તો ૨૦ મહિના અને એરફોર્સમાં જોડાઓ તો ૨૧ મહિના માટે સેવા આપવી પડે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પુરુષો માટે લશ્કરી સેવા ફરજિયાત છે. વળી, સમયાંતરે રિફ્રેશર કોર્સ પણ કરવા પડે છે. ફિનલેન્ડમાં તમામ પુરુષો લશ્કરી અથવા નાગરિક રાષ્ટ્રીય સેવાની જવાબદારી ઉપાડે છે અને આ સમયગાળો પૂરો થાય પછી રિઝર્વ સિસ્ટમના હિસ્સો બને છે. નોર્વેમાં પુરુષો અને ીઓ બંને માટે સૈન્ય સેવા ફરજિયાત છે. ડેનમાર્કમાં પણ ી-પુરુષ તમામ નાગરિકો માટે લશ્કરી ટ્રેનિંગ ફરજિયાત છે. ૨૦૨૬થી આ ટ્રેનિંગનો ગાળો ૧૧ મહિના જેટલો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રિયામાં પુરુષોએ માટે છ મહિનાની લશ્કરી ટ્રેનિંગ લેવી ફરજિયાત છે. ગ્રીસમાં પુરુષો માટે ફરજિયાત સૈન્ય સેવા છે, તો સ્વીડનમાં ી-પુરુષ બંનેને આવરી લેતી સિલેક્ટિવ ટ્રેનિંગ સિસ્ટમ અમલમાં મૂકાયેલી છે.
સહેજે સવાલ થાયઃ આ બધા દેશોની જેમ ભારતમાં પણ છોકરો ને છોકરી પુખ્ત થાય એટલે લશ્કરી તાલીમ ફરજિયાત ન કરી દેવી જોઈએ? મનમાં પહેલો જવાબ તો 'હા' જ આવે, કેમ કે તે આદર્શ સ્થિતિ છે. વ્યાવહારિક સ્થિતિ જુદી છે. ઇઝરાયલની કુલ વસ્તી એક કરોડ કરતાં પણ ઓછી છે. તેની સામે ભારતની વસ્તી ૧.૪ અબજથી વધુ છે. આપણે ત્યાં દર વર્ષે અંદાજે ૨.૫ થી ૨.૮ કરોડ યુવાનો ૧૮ વર્ષ પૂરાં કરે છે. ધારો કે શરૂઆતમાં માત્ર યુવાનોને જ લશ્કરી તાલીમ આપવાનો નિયમ બનાવવામાં આવે ને યુવતીઓને મુક્તિ આપવામાં આવે તો પણ દર વર્ષે ૧.૩ થી ૧.૪ કરોડ યુવાનો સેનામાં ભરતી કરવા પડે. ભારતની ભૂમિદળ, નૌકાદળ અને વાયુસેનાનું કુલ સક્રિય સૈન્યબળ જ આશરે ૧૪ લાખ જેટલું છે!
૧.૩થી ૧.૪ કરોડ યુવાનોને પગાર કે સ્ટાઈપન્ડ, યુનિફોર્મ, રાશન, દારૂગોળો, બેરેક (રહેવાની જગ્યા), તબીબી સુવિધાઓ, વીમો આ બધામાં કેટલો ગંજાવર ખર્ચ થાય તે વિચારો. ભારતના સંરક્ષણ બજેટનો મોટો હિસ્સો પહેલેથી જ સૈનિકોના પગાર અને પેન્શનમાં વપરાય જાય છે, જેના લીધે યુદ્ધવિમાનો, યુદ્ધજહાજો અને અદ્યતન તોપો જેવા આધુનિક શોની ખરીદી માટેના બજેટ પર પણ કાપ મૂકવો પડે છે. આવી સ્થિતિમાં લાખો-કરોડો કામચલાઉ તાલીમાર્થીઓ માટે નાણું ક્યાંથી લાવવું? આ તો માત્ર આર્થિક પાસું થયું. દર વર્ષે લગભગ સવા કરોડ યુવકોની નોંધણી, શારીરિક તપાસ, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને આ પ્રકારનાં બીજાં પચ્ચીસ કામો માટે કેટલું વિરાટ એડમિનિસ્ટ્રેટિવ માળખું ઊભું કરવું પડે!
જો આપણે ભારતીય યુવાનોને લશ્કરી તાલીમ આપવા માગતા જ હોઈએ તો હાલ સ્કૂલો ને કોલેજોમાં એનસીસી (નેશનલ કેડેટ કોર), એનએસએસ (નેશનલ સર્વિસ સ્કીમ), સ્કાઉટ એન્ડ ગાઇડ્સ અને હોમગાર્ડ્સની જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેને વધારે સઘન, વધારે વ્યાપક બનાવી શકાય. આજની તારીખે આ ચારેય જૂથમાં દાખલ થનારા તાલીમાર્થીઓની સંખ્યા લગભગ ૧.૨ કરોડ જેટલી છે. આમાંથી જોકે બેઝિક લશ્કરી તાલીમ તો માત્ર એનસીસીના કેડેટ્સને જ આપવામાં આવે છે. આજે ભારતમાં એનએસએસ કેડેટ્સની સંખ્યા ૧૭થી ૨૦ લાખ વચ્ચે હોવાનું મનાય છે. ૧.૫ થી ૧.૮ લાખ જેટલા અગ્નિવીરો જુદા.
સો વાતની એક વાત એટલી કે ઇઝરાયલ મોડલ ભલે ગમે એટલું રૂપાળું લાગતું હોય, પણ ભારતમાં તે લાગુ પાડવું હાલના તબક્કે તો શક્ય જણાતું નથી.