ડિજિટલ પેમેન્ટનાં શ્રાદ્ધમાં 'કેશ'લેસના નામે મુંડન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- કમાશો તો ઈન્કમ ટેક્સ, ખર્ચશો તો જીએસટી અને ચૂકવશો તો યુપીઆઈ ચાર્જ - આને કહેવાય ટ્રિપલ એન્જિન વસૂલી
રિઝર્વ બેન્કની છત પર કાગડાઓ ભેગા થઈ ગયા. હેડ કાગડાએ માથું ઊંચું કરીને કહ્યું, 'લ્યા, બધા સીઝન માટે તૈયાર?' એક જુવાન કાગડો કંટાળા સાથે કહે, 'અરે દાદા, હજુ તો ગણપતિ ઉત્સવ ચાલુ થયો છે, આપણી સીઝનને તો હજુ વાર છે.' ત્યાં બીજી જુવાન કાગડી કહે, 'લ્યા આળસુ , જરા નીચે નજર નાખ એટલે ખબર પડે કે ગરબાના ક્લાસ તો મહિનાઓ પહેલાં ચાલુ થઈ ગયા છે.'
એક પ્રૌઢ કાગડો ખોંખારો ખાઈને કહે, 'અને અહીં સરકારે પબ્લિકને દિવાળી ગિફ્ટ તો એડવાન્સમાં આપી દીધી છે. જોયું નહીં, યુપીઆઈ પેેમેન્ટ પર ચાર્જ નાખી દીધો?'
જુવાન કાગડો તો આઘાતનો માર્યો સંતુલન ગુમાવતાં રહી ગયો, 'યુપીઆઈ પર ચાર્જ ? મતલબ ડિજિટલ પેમેન્ટનું ઉઠમણું ?' ત્યાં ઘરડા કાગડા દાદા તેને વઢ્યા. 'લ્યા, તમે નવી પેઢીના કાગડાઓ ફોક્સ કરો. ઉઠમણાં તો શેરબજાર ને ધંધાઓમાં બારે માસ ચાલ્યા જ કરતા હોય. આપણી સીઝન છે શ્રાદ્ધ… ઉઠમણું નહિ, આ તો ડિજિટલ પેમેન્ટનું શ્રાદ્ધ છે.' પેલી જુવાન કાગડી મસ્તીથી ઉછળતાં ઉછળતાં 'કેશ' શબ્દ પર ભાર આપીને કહે, 'મતલબ ડિજિટલ પેમેન્ટનાં શ્રાદ્ધમાં 'કેશ'લેસ ઈકોનોમીના નામે જનતાએ ખરેખર મૂંડાવી નાખવાનું, એમને ?' પ્રૌઢ કાગડો ફરી ગંભીરતાથી કહે, 'આમ તો કહે છે કે બે હજારથી ઉપરના સોદા પર જ ચાર્જ લાગશે, પરંતુ જે રીતે મોંઘવારી વધી રહી છે તે જોતાં ંમને લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં બે હજારથી ઓછામાં કાંઈ આવે. ટૂંકમાં પબ્લિકે બધી બાજુથી મુંડાવાનું જ છે.'
કાગદાદા ગણતરી માંડીને કહે, 'જુઓ, આ લોકોએ કમાણી પર ઈન્કમટેક્સ આપવાનો, ખર્ચા કરે એટલે જીએસટી ભરવાનો અને હવે એ ખર્ચાઓનું પેમેન્ટ કરે તો તેના પર પણ યુપીઆઈ ચાર્જ આપવાનો. આ તો ખરેખર ટ્રિપલ એન્જિન વસૂલી સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે.'
પ્રૌઢ કાગડો કહે, 'બિચારા શેરબજારવાળા, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ ભરે, કમાય તો લોંગ ટર્મ અને શોર્ટ ટમ ગેઈન્સ ટેક્સ ભરે અને હવે શેર- મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા આ પેમેન્ટ ચાર્જ પણ આપવાનો. શેરબજારિયાઓને તો ખબર નહિ કયા ગુનાની સજા મળી રહી છે?'
જુવાન કાગડો માથું ખંજવાળતાં કહે, 'દાદા, કાંઈ સમજાતું નથી. પહેલાં કહ્યું કે ડિજિટલ કેશલેસ ઈકોનોમી લાવવી છે એટલે નોટો બંધ કરી. હવે કેશલેસ પેમેન્ટ પર ચાર્જ નાખી દીધો. તો શું છે પાછી નવી સાઈઝની નોટો આવવાની છે?'
પેલી કાગડી એકમાત્ર આંખ મિચકારીને કહે, 'આ બધી 'કાગારોળ' રહેવા દો. એ કહો કે આ ડિજિટલ પેમેન્ટના શ્રાદ્ધમાં બેસ્ટ ખીર ક્યાંથી મળવાની છે?'
પ્રૌઢ કાગડો કહે, 'એટીએમ સેન્ટરો પર. ત્યાં નજર રાખજો. હવે પાછી રોકડની જરુર વધશે એટલે કદાચ એટીએમ પર લાઈનના દિવસો પાછા ચાલુ થાય તો નવાઈ નહીં. ને એમાંય અમુક ટ્રાન્ઝેક્શન પછી ચાર્જ તો છે જ.'
આ વાત પર કાગડાઓ કા..કા..કરતાં હસી પડયા. જુવાન કાગડાએ માથું કૂટયું.
આદમનું અડપલું
દુકાનોમાં જૂનું બોર્ડ : આજે રોકડા, કાલે ઉધાર. નવું બોર્ડ : આજે રોકડા, કાલે યુપીઆઈ




