ટ્રેનો લગ્ન, બેસણાં, મુશાયરા અને ભાષણો માટે પણ ભાડે આપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગડમ્ બગડમ્-બાબા આદમ
ટ્રેનો મલ્ટિપલ ડેસ્ટિનેશન વેડિંગનું વેન્યુ બનેઃ આમ આદમી સેકન્ડમાં, ધનાઢ્યો ફર્સ્ટ ક્લાસમાં બેસણાં રાખે
રેલવે અધિકારીઓને બુલેટ ટ્રેનની સ્પીડે મીટિંગમાં પહોંચવા આદેશ છૂટયો.
એક અધિકારીએ પહેલો સવાલ કર્યો. 'આટલી ઈમરજન્સી? શું ફરી કોઈ ટ્રેન અક્સ્માત થયો? કે વરસાદને કારણે ટ્રેનો બંધ રહી એટલે?'
બીજા અધિકારી કહે, 'અરે યાર, એવા ફાલતુ પ્રજાલક્ષી પ્રશ્નો માટે આપણે ક્યાં લાંબા થઈએ છીએ?'
જોકે, સાહેબ ધુંઆપુંઆ થતાં કહે, 'શાંતિ રાખો. રેલવેને લગતી એક મોટી ઘટના સામે આવી છે. બહુ જ મોટી…'
'એકસાથે દસ-વીસ રીલ બનાવવાં પડે એટલી મોટી?' ફરી એક અધિકારી બોલી પડયા.
બોસ કરડાકીથી કહે, 'એનાથી પણ મોટી. મહારાષ્ટ્રમાં એક કપલે ફર્સ્ટ ક્લાસ કૂપેમાં ડેકોરેટરને બોલાવી તેમાં બલૂન અને 'આઈ લવ યુ'નું ડેકોરેશન કરાવી તેને હનીમૂન કોચમાં ફેરવી દીધો.'
'ગ્રેટ…' એક અધિકારી બોલી પડયા. 'પબ્લિકને હનીમૂનના એ જ રુટિન મનાલી, બાલી, ગોવા કરતાં કાંઈ અલગ ફોટા તો જોવા મળશે.'
બીજા અધિકારી કહે, 'વાહ, ભારતીયો ટ્રેનને જ પોતાનું ઘર માને છે તે આનું નામ. રીલ બનાવવા સારો આઇડિયા છે.'
ત્રીજા અધિકારી કહે, 'અરે, મારી પાસે તો આઇડિયાઓની આખી એક્સપ્રેસ છે. આપણે ક્યાં સુધી લોકોને આરએસીમાં અડધી સીટનું આખું ભાડું કે કેન્સલેશન ચાર્જના નામે લૂંટીને પૈસા ભેગા કર્યા કરીશું? એના કરતાં ટ્રેનને એક વેન્યુની જેમ જ ભાડે આપવા માંડીએ તો? સમજો કે ગામમાં એક પાર્ટી પ્લોટ હોય તેમ રેલવેને દેશનો હરતફરતો પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ બનાવી દઈએ. લોકો ટ્રેનની અંદર જ લગ્ન વિધિ, સિમંત, મુંડન, સગાઈ માટે કોચ ભાડે રાખી શકે. મહેમાનોના આવવા જવા, રોકાવાની બબાલ જ નહિ. સિંગલ ડેસ્ટિનેશન વેડિંગ નહિ પરંતુ મલ્ટીપલ ડેસ્ટિનેશન વેડિંગ જ થઈ જાય.'
ચોથા અધિકારી કહે, ' હું તો કહું છું કે બેસણાં માટે પણ ટ્રેન ભાડે આપી શકાય. સામાન્ય માણસ સેકન્ડ ક્લાસમાં બેસણું રાખે, પૈસાવાળા ફર્સ્ટ ક્લાસમાં ને કોઈ વીવીઆઈપી બેસણા ંમાટે આખી ટ્રેન બૂક થાય. બેસણાંની જેમ કવિ સંમેલન માટે પણ ટ્રેન ભાડે આપી શકાય. બેસણાં હોય કે કવિ સંમેલન, તેમાં મોટાભાગના લોકોના ચહેરા એકસરખા શોકગ્રસ્ત જ હોય છે.'
પાંચમા અધિકારી કહે, 'આજકાલ નેતાઓએ સભાઓમાં માણસોને પુરી શાક અને ૫૦૦ રુપિયાની લાલચે લાવવા પડે છે તેના કરતાં આપણે ટ્રેનો જ એમને ભાષણ માટે ભાડે આપી દઈએ તો? નેતાઓ ઝપાટાભેર પાર્ટી બદલીનેે ભાષણો આપે છે તો ટ્રેનમાં એક પછી એક કોચ બદલીને ભાષણ આપશે.'
બોસ એકદમ કીડી જેવા તીણા અવાજે કહે, 'ભાઈ, જવા દો. આ આઇડિયા ન આપશો. મંત્રીઓ રોડ શો ને બદલે ટ્રેન શો ગોઠવવા માંડશે તો હું ને તમે બધા ધંધે લાગી જઈશું.'
રેડ સિગ્નલ પડતાં ટ્રેનો અટકે એમ બોસની ચેતવણીથી મીટિંગ એક્સપ્રેસ અટકી ગઈ.
આદમનું અડપલું
હનીમૂન એક્સપ્રેસ તરીકે બે કલાકમાં પહોંચાડનારી બુલેટ કરતાં ૪૦ કલાકે પહોંચાડતી હાવરા એક્સપ્રેસ વધુ પોપ્યુલર બનશે.




