'મોદી- શાહની જોડી ગભરાટ અને હતાશામાં છે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : દિલ્હી પોલીસે આકાશવાણી ભવનમાં પ્રવેશવાની કોશિષ કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે એફઆઇઆર દાખલ કરી છે. આ બાબતે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખતરનાક જોડી ગભરાઈ ગઈ છે અને હતાશ છે. જે બની રહ્યું છે એના પરથી ખ્યાલ આવે છે કે આગળ શું થવાનું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હોદ્દા પરથી દુર કરવા અને એસઆઇઆર ખતમ કરવાની માંગણી સાથે ૧૯ વિરોધ પક્ષોએ માર્ચ કાઢી હતી. પોલીસે સંસદ માર્ગ બંધ કર્યો હતો એટલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને બીજા સાંસદો સંસદ માર્ગ સ્થિત આકાશવાણી ભવનમાં પ્રેવેશીને ધરણા પર બેસી ગયા હતા. આકાશવાણી ભવનમાં જબરદસ્તીથી ઘૂસવાનો આરોપ મૂકીને દિલ્હી પોલીસે રાહુલ અને પ્રિયંકા સામે એફઆઇઆર દાખલ કરી છે.
અમિત શાહના માનીતા આઇપીએસ ફરીથી બંગાળના ડીજીપી
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સિદ્ધનાથ ગુપ્તાનો કાર્યકાળ છ મહિના લંબાવી દીધો છે. આઇપીએસ અધિકારીનો કાર્યકાળ લંબાવવો હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી જરૂરી બને છે. કેન્દ્ર સરકાર પોતાના માનીતા આઇપીએસ અધિકારીઓનો કાર્યકાળ લંબાવે છે. સિદ્ધનાથ ગુપ્તાનો કાર્યકાળ તો બીજી વખત લંબાવવામાં આવ્યો છે. ૧૯૯૨ બેચના અને પશ્ચિમ બંગાળ કેડરના આઇપીએસ અધિકારી સિદ્ધનાથ ગુપ્તાને વિધાનસભા ચૂંટણી પહેલા ૧૬મી માર્ચે પશ્ચિમ બંગાળના ડીજીપી નિમવામાં આવ્યા હતા. આ પહેલા ૬થી એપ્રિલે સિદ્ધનાથ ગુપ્તાને ૬ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સિદ્ધનાથ ગુપ્તા અમિત શાહ તેમજ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીના માનીતા છે. ગુપ્તા ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં આવેલા બિંદકીનગરના રહેવાસી છે.
જયા બચ્ચનનો ગુસ્સો અને કંગના રનૌતની ટીપ્પણી
દિલ્હી ખાતે ઇન્ડિયા બ્લોકના સાંસદો ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે સમાજવાદી પક્ષના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન પણ પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા. જયા બચ્ચનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જયા બચ્ચનની બાઇટ લેવા માટે એક ટીવી પત્રકારે માઇક આગળ કર્યું ત્યારે જયા બચ્ચને માઇકને ધક્કો મારી દીધો હતો અને કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ભૂતકાળમાં પણ જયા બચ્ચન પાર્ટીમાંથી કે કાર્યક્રમમાંથી નીકળતા હોય ત્યારે તસવીરો લેતા પાપારાઝીઓ પર ગુસ્સે થતા હોવાના વીડિયો વાયરલ થયા હતા. છેલ્લો વીડિયો વાયરલ થયા પછી ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતએ જયા બચ્ચન પર કટાક્ષ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર કંગનાએ લખ્યું હતું કે, 'જ્યારે તમે આખી દુનિયા સામે વાત રજુ કરવા ધરણા પર બેસો છો અને તમને પૂછવામાં આવે છે કે તમારે શું કહેવું છે ત્યારે જયા બચ્ચન જીનો જવાબ છે, નહીં કહું.'
કેપ્ટન સ્મિત મચ્છરને ટ્રમ્પે મોટુ સન્માન આપ્યું
ફલાઇદુબઇની ફલાઇટના પેસેન્જરોનો જીવ બચાવનાર મૂળ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર વિશ્વભરમાં જાણીતા થઈ ગયા છે. ઇઝરાયલ અને ભારતના વડાપ્રધાને તો એમને ફોન કરીને અભિનંદન આપ્યા છે, પરંતુ હવે અમિરેકાના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સએ સ્મિત મચ્છરના સન્માનમાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે. જોશ ગોટહાઇમર, ડોન બેકન અને માઇકલ મૈઇકકોલએ કેપ્ટન સ્મિત મચ્છર તેમજ ફલાઇટ ૧૦૭૩ના ક્રૂ અને યાત્રીઓનું સન્માન કરીને ફલાઇટ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવમાં મૂખ્ય વાત આ પ્રમાણે હતી. કેપ્ટન સ્મિત મચ્છરને અસાધારણ હિમત બતાવવા માટે સન્માનીત કરવામાં આવે છે. ઓફ ડયુટી પાયલટો, કેબીન ક્રૂ તેમજ જાંબાઝ યાત્રીઓની હિમતને બીરદાવવામાં આવે છે. કેપ્ટન અને ઘાયલ થયેલી બીજી વ્યક્તિઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આતંકવાદી ઘટનાની આકરી ટીકા કરવામાં આવે છે.
મળેલા સમન્સથી પંજાબના મુખ્યમંત્રી લાલચોળ
પંજાબ ઓએસડી મામલે સીબીઆઇએ એફઆઇઆરમાં જેમના નામ દાખલ થયા છે એમને સમન્સ મોકલ્યા છે. પંજાબમાં થયેલી સીબીઆઇ રેડ બાબતે મુખ્યમંત્રી ભગવંત માનએ નિવેદન આપ્યું છે. ભગવંત માનએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, સીબીઆઇને રેડને કારણે ખબર પડી ગઈ કે પંજાબમાં હવે ચૂંટણી થવાની છે. ભગવંત માને ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું હતું કે આ એમની કામ કરવાની પદ્ધતિ છે. દરેક જગ્યાએ બે-ત્રણ મહિના પહેલા મોટા નેતાઓ, એમના સાથીદારો કે કુટુંબના સભ્યોને ત્યાં રેડ કરવામાં આવે છે. માનનું કહેવું છે કે સીબીઆઇની રેડ દરમિયાન એજન્સીને કઈ મળ્યું નથી. સીબીઆઇની ટીમે લગભગ ૭ થી ૮ કલાક ઘરમાં તપાસ કરી હતી, પરંતુ એમણે ખાલી હાથે પરત ફરવું પડયું હતું. હવે સીબીઆઇ ક્લીનચીટ આપશે.
હિન્દી મામલે તામીલનાડુમાં ફરીથી વિવાદ
થોડા દિવસો પહેલા તામીલનાડુમાં હાઇવે પરના સાઇન બોર્ડમાં હિન્દી લખાણ હોવાથી મોટો વિરોધ થયો હતો અને છેવટે સાઇન બોર્ડ પરના હિન્દી લખાણને દુર કરવામાં આવ્યુ હતું. તામીલનાડુમાં હિન્દી ભાષા પ્રત્યેનો દ્વેશ હંમેશા જોવામાં આવ્યો છે. તામીલનાડુની સરકારી હોસ્પિટલોમાં દર્દીને આપવામાં આવતી દવાઓના કવર પર હિન્દી ભાષામાં લખાણ હોવાથી કટ્ટરવાદીઓ વિફર્યા છે. એવું નહોતુ કે દવા પરના કવર પર ફક્ત હિન્દી ભાષા હતી, કવર પર પહેલા તામીલ અને અંગ્રેજી ભાષા હતી અને ત્યાર પછી હિન્દી ભાષામાં પણ દવા વિશેની માહિતી લખવામાં આવી હતી. ડીએમકે નેતા ટી આર બી રાજાએ સોશ્યલ મીડિયા એક્સ પર દવાના કવર પરની ભાષા બાબતે લખીને તસવીર શેર કરી હતી. ત્યાર પછી હોસ્પિટલોને સૂચના આપવામાં આવી હતી કે એમણે દવાના કવર પર ફક્ત અંગ્રેજી અને તામીલ ભાષાનો જ ઉપયોગ કરવો.
'એનસીડબ્લ્યુ પ્રમુખનો સિસ્ટમ પર સવાલ'
રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)ના પ્રમુખ વિજયા રાહતકરએ કબુલ કર્યું હતું કે, દેશની સિસ્ટમમાં મોટી ખામી છે. મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ સુધી સગવડ પહોંચતી નથી. ન્યાય મેળવવા કે સગવડ મેળવવા માટે મહિલાઓએ પાછળ પડવું પડે છે. ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં સુરક્ષા અને ન્યાયને મજબૂત કરવા માટે એમણે ખાસ વાત કરી હતી. એમના કહેવા પ્રમાણે જે મહિલાઓને સુરક્ષાની જરૂર પડે છે એમને એવી ખાતરી મળવી જોઈએ કે તેઓ એકલા નથી અને સિસ્ટમ પણ એમની સાથે છે. પ્રોટેક્શન ઓફિસર્સ તકલીફમાં મૂકાયેલી મહિલાઓને મદદ કરવાનું કામ કરે છે. ટેક્નીકની સાથે સાથે સિસ્ટમમાં માનવીય દ્રષ્ટીકોણ અને સહાનુભૂતિ પણ જરૂરી છે. સુરક્ષાની વાતો ફક્ત પુસ્તકોમાં રહી જવી જોઈએ નહીં, પરંતુ એનો અમલ પણ થવો જોઈએ.




