આઇએમએફએ ભારતનાં જીડીપીનો અંદાજ વધારીને સાત ટકા કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત
- જીડીપીનો અંદાજ ૨૦૨૬-૨૭માં ૬.૪૦ ટકાથી વધારી ૭ ટકા જ્યારે ૨૦૨૭-૨૮માં ૬.૭૦ ટકાથી વધારી ૭ ટકા કરાયો
મુંબઇ : વર્લ્ડ બેંક પછી આઇએમએફએ પણ ભારતનાં જીડીપીનાં વિકાસનાં અંદાજમાં વધારો કર્યો છે. આઇએમએફએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલનાં ઉંચા ભાવ અને જિયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ છતાં મજબૂત ઘરેલુ માંગ અને સર્વિસ સેક્ટરનાં સારા દેખાવને કારણે ભારતમાં વિકાસને ટેકો મળી રહ્યો છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)એ વર્તમાન નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૪૦ ટકા પરથી વધારી ૭ ટકા કર્યો છે. ઘરઆંગણે માંગ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને કારણે વૈશ્વિક આર્થિક સંક્ટ સામે ટકી રહેવામાં ભારતને મદદ મળી છે.
ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ભૌગોલિક રાજકીય તંગદિલી વચ્ચે પણ આઈએમએફ દ્વારા આર્થિક વિકાસ દરમાં જુલાઈની સરખામણીએ વધારો કરાયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૮ માટેના જીડીપી અંદાજને પણ ૬.૭૦ ટકા પરથી વધારી ૭ ટકા કરાયો છે. જે ભારતના આર્થિક વિકાસ દરની ગતિ વર્તમાન નાણાકીય વર્ષ પછી પણ જળવાઈ રહેવાના સંકેત આપે છે.
ભારતમાં આર્થિક પ્રવૃત્તિ અગાઉની ધારણાં કરતા ઘણી સારી રહેવા સાથે વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારત ઝડપથી વિકસતો દેશ જળવાઈ રહ્યો છે.
વિશ્વની અન્ય કેટલીક રેટિંગ એજન્સીઓએ પણ ભારત માટેના પોતાના અંદાજમાં તાજેતરમાં વધારો કર્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર આશ્ચર્યકારક રીતે વધી ૭.૮૦ ટકા આવ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પણ તેની વર્તમાન મહિનાની નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૭૦ ટકા પરથી વધારી ૭.૧૦ ટકા કર્યો છે. ઊર્જાના ઊંચા ખર્ચ વચ્ચે પણ ઘરઆંગણે માંગમાં સ્થિતિસ્થાપકતા અને સેવા ક્ષેત્રની મજબૂત પ્રવૃત્તિને કારણે ભારત વૈશ્વિક આર્થિક ખલેલો વચ્ચે ટકી રહ્યું હોવાનું ધ્યાનમાં રાખી અંદાજમાં વધારો કરાયો હોવાનું આઈએમએફ દ્વારા તેના ઓકટોબર વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવાયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા રહ્યો હતો.
ભારતમાં લોકસંખ્યાને લગતી સાનુકૂળ ગતિશીલતા, મોટા તથા વિસ્તરણ કરી રહેલા ઘરેલુ બજારો તથા સતત માળખાકીય સુધારા વિકાસને ટેકો પૂરો પાડતા પરિબળો બની રહ્યા છે.
વિકાસ અંદાજમાં સુધારા છતાં કોમોડિટીના ઊંચા ભાવ તથા બાહ્ય અસમતુલા તરફથી ભારત જોખમોનો સામનો કરી રહ્યું છે.
વૈશ્વિક જીડીપીનો અંદાજ ૩ ટકાથી વધારી ૩.૧૦ ટકા કરાયો
બેંગકોક : ઇન્ટર નેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)એ મંગળવારે ચાલુ વર્ષ માટે વિશ્વનાં અર્થતંત્ર અંગેનાં પોતાના અંદાજમાં સુધારો કર્યો છે. આઇએમએફએ જુલાઇમાં વૈશ્વિક અર્થતંત્રનો જીડીપી ૩ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જો કે આજે આ અંદાજમાં સુધારો કરી ૩.૧ ટકા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૫માં વૈશ્વિક જીડીપી ૩.૫ ટકા રહ્યો હતો. આઇએમએફનાં અંદાજ મુજબ ૨૦૨૬ અને ૨૦૨૭માં અમેરિકાનો વિકાસ ૨.૩ ટકાએ સ્થિર રહેશે. આઇએમએફએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલનાં ભાવ લગભગ ૪૧ ટકા વધીને સરેરાશ ૯૬ ડોલર પ્રતિ બેરલ રહેશે. જેના કારણે વૈશ્વિક મોંઘવારી ગયા વર્ષનાં ૪.૧ ટકાથી વધીને ૪.૭ ટકા થઇ જશે. યુરો કરન્સી ઉપયોગ કરનારા ૨૧ યુરોપિયન દેશોનાં અર્થતંત્રમાં ચાલુ વર્ષે ૧.૧ ટકા અને ૨૦૨૭માં ૧.૨ ટકાનાં દરે વિકાસ થવાનો અંદાજ છે. વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનનો વિકાસ ચાલુ વર્ષે ૪.૫ ટકા રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે આઇએમએફ ૧૯૧ દેશોને લોન આપનારું સંગઠન છે જે આર્થિક વિકાસ અને નાણાકીય સ્થિરતાને વેગ આપવા તથા વૈશ્વિક ગરીબીને ઘટાડવાનું કાર્ય કરે છે.




