Editorial
મેં નરક વિશે ઘણું સાંભળ્યું હતું, આજે નરક સાક્ષાત્ જોઈ લીધું...
By GS Team
18 Sep 20266 mins read
14મી-15મી સદીના જાપાનમાં, ઈક્ક્યુ સોજુન નામના ઝેન ભિક્ષુએ પરંપરાગત નિયમો તોડ્યા હતા. તેઓ શરાબ પીતા, વેશ્યાલયોમાં જતા અને શૃંગારિક કવિતાઓ લખતા, છતાં એક મોટા ઝેન મંદિરના મહંત બન્યા. તેમણે આધ્યાત્મિક દંભ સામે વિદ્રોહ કરી, વાસ્તવિકતા અને ક્ષણભંગુરતાને સ્વીકારી. તેમની કવિતાઓ અને કલા આજે પણ જાપાની સંસ્કૃતિમાં મહત્વ ધરાવે છે, જે તેમની સત્વશીલતા દર્શાવે છે.
Summarized by AI; it may make mistakes. Check important info
14મી-15મી સદીના જાપાનમાં, ઈક્ક્યુ સોજુન નામના ઝેન ભિક્ષુએ પરંપરાગત નિયમો તોડ્યા હતા. તેઓ શરાબ પીતા, વેશ્યાલયોમાં જતા અને શૃંગારિક કવિતાઓ લખતા, છતાં એક મોટા ઝેન મંદિરના મહંત બન્યા. તેમણે આધ્યાત્મિક દંભ સામે વિદ્રોહ કરી, વાસ્તવિકતા અને ક્ષણભંગુરતાને સ્વીકારી. તેમની કવિતાઓ અને કલા આજે પણ જાપાની સંસ્કૃતિમાં મહત્વ ધરાવે છે, જે તેમની સત્વશીલતા દર્શાવે છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- વાત-વિચાર - શિશિર રામાવત
૧૪મી-૧૫મી સદીનું જપાન છે. કલ્પના કરો કે એક ઝેન ભિક્ષુ જાપાનની ગલીઓમાં પોતાની બગલમાં તલવાર દબાવીને ફરી રહ્યો છે.
ઝેન ભિક્ષુ બૌદ્ધ પરંપરાના એવા સાધુ છે, જે 'ઝેન' માર્ગનું અનુસરણ કરે છે. ઝેન એટલે એક એવી પરંપરા જેમાં માત્ર શાો કે ધામક વિધિ-વિધાનો પર આધાર રાખવાને બદલે ધ્યાન, જાગૃતિ (માઇન્ડફુલનેસ), શિસ્તબદ્ધ સાધના અને રોજિંદા જીવન દ્વારા સત્યના સાક્ષાત્કાર પર ભાર મૂકવામાં આવે છે. હવે બીજી કલ્પના કરો. આ જ બૌદ્ધ સાધુ શરાબ પીવે છે, વેશ્યાલયોમાં જાય છે, ગણિકાઓ સાથે ઊઠબેસ કરે છે, ખુલ્લેઆમ શૃંગારિક કવિતાઓ લખે છે, અને તેમ છતાં, તેને જાપાનના સૌથી મહત્ત્વનાં ઝેન મંદિરો પૈકીના એક મંદિરના મુખ્ય મહંત તરીકે નિયુક્ત કરવામાં આવે છે! એટલું જ નહીં, સદીઓ સુધી એક અત્યંત આદરપાત્ર સાધુપુરુષ તરીકે એમની ગણના થતી થતી રહી છે!
આ જૈન ભિક્ષુ હતા, ઈક્ક્યુ સોજુન. ૧૩૯૪માં એમનો જન્મ, ૧૪૮૧માં મૃત્યુ. જાપાનના સૌથી વધુ પ્રસિદ્ધ અને સૌથી વિવાદાસ્પદ ઝેન ભિક્ષુઓમાંના એક. તેઓ કવિ હતા, ફિલોસોફર હતા, ધામક વિવેચક હતા અને અચ્છા કેલિગ્રાફર પણ હતા. પોતાના સમગ્ર જીવનને એમણે એક 'ઝેન કોઆન' (ગૂઢ આધ્યાત્મિક કોયડો) બનાવી દીધો હતો - પૂરેપૂરી સભાનતાપૂર્વક અને મક્કમપણે.
ઈક્ક્યુને બાળપણથી જ એક ઝેન મઠમાં મૂક દેવામાં આવ્યા હતા. એમની યુવાની જાપાની ઝેન પરંપરાની અત્યંત બૌદ્ધિક અને કલાત્મક સંસ્કૃતિની તાલીમમાં વીતી હતી. તેઓ ચીની સાહિત્ય અને કવિતાના અસાધારણ વિદ્યાર્થી હતા. એમણે અત્યંત કઠિન ધ્યાનસાધના કરી અને છેવટે એક માન્યતાપ્રાપ્ત ઝેન માસ્ટર બન્યા. પરંતુ જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ, તેમ તેમ સદીઓથી ચાલી આવતી માન્યતાઓ અને ધામક માળખા પ્રત્યે તેમના મનમાં સવાલો પેદા થવા લાગ્યા. તેમણે જોયું કે સંસારીઓની જેમ ભિક્ષુઓ પણ રાજકીય સત્તા, સંપત્તિ, માનપાન, ભપકાદાર ધામક વિધિઓ અને ધનિક શ્રેષ્ઠીઓ ને દાતાઓથી ઘેરાયેલા રહેતા હતા. ઈક્ક્યુને થતું કે જો આ બધાથી જ વીંટળાયેલા રહેવાનું હોય તો સાધુ બનવાનો મતલબ શો છે? ધર્મ મનુષ્યને મુક્ત કરવા માટે બન્યો છે, પણ અહીં તો ધર્મસંસ્થાનો બાહ્ય આડંબરો અને દેખાડા પાછળ ઘેલો થઈ ગયેલા લોકોનો અડ્ડો બની રહ્યા છે. આ વાસ્તવિક ધર્મ નહોતો, આ લોકધર્મ હતો. વાસ્તવિક ધર્મ અને લોકધર્મ વચ્ચે જોજનોનું છેટું પડી જતું હોય છે.
તેથી ઇક્કુ સોજુને લગભગ અકલ્પનીય કહેવાય એવું પગલું ભર્યું. તેમણે એક પ્રતિષ્ઠિત ભિક્ષુની જેમ વર્તવાનો સાફ ઇનકાર કરી દીધો.
તેઓ સામાન્ય લોકો વચ્ચે ભટકવા લાગ્યા. તેમણે શરાબ પીધો. તેઓ ભોગવિલાસની જગ્યાઓમાં ફરવા લાગ્યા. તેમણે કલાકારો, સંગીતકારો અને ગણિકાઓ (સાદી ભાષામાં કહીઓ તો, વેશ્યાઓ)નો સંગ કર્યો. તેમણે વાસના, એકલતા, મદિરા, ઘડપણ અને શારીરિક પ્રેમ જેવા વિષયો પર કવિતાઓ લખી. આ એવા વિષયો છે જેનાથી ખરેખર તો પરંપરાગત ભિક્ષુએ જોજનો દૂર રહેવાનું હોય!
પણ આ ઇક્કુનો વિદ્રોહ હતો. આધ્યાત્મિક દંભ સામે વિદ્રોહ. ધર્મના નામે ચાલતા પાખંડ સામે વિદ્રોહ. ઇક્કુનો સવાલ અસ્વસ્થ કરી મૂકે તેવો હતોઃ જો ઝેનનો ઉદ્દેશ્ય વાસ્તવિકતાને જેવી છે તેવી દર્શાવવાનો ને સ્વીકારવાનો હોય તો પછી એક ભિક્ષુએ માનવજીવનની વાસ્તવિકતાથી કેમ દૂર ભાગવું જોઈએ? શું શરીર, શરીરની ઝંખનાઓ વૃદ્ધ થવાનો ભય - આ બધું વાસ્તવિક નથી? જો ધ્યાન કરવું આધ્યાત્મિક ગણાતું હોય તો જાતીય કામવાસના કેમ આધ્યાત્મિક ન હોઈ શકે? મઠ પવિત્ર ગણાય છે, પણ વેશ્યાવાડો કેમ આપોઆપ અપવિત્ર કેમ બની જાય છે? સાધુએ શા માટે એવો ઢોંગ કરવો જોઈએ કે જાણે એનું શરીર બીજા માણસોના હાડમાંસનાં શરીર કરતાં જુદું છે, ને તેમાં આવેગો અને કામવાસના પેદા થતાં નથી? ઈક્ક્યુ માટે આ બધી બાબતો સ્ખલનરૂપ કે જીવનને ભટકાવનારી નહોતી, એમના માટે આ જ વાસ્તવિક જીવન હતું, અને ઝેનની સાધના માટેની સામગ્રી પણ આ જ હતી.
ઇક્કુના જીવન સાથે વણાયેલી એક કથા ખૂબ જાણીતી છે. લોકવાયકા મુજબ, જીગોકુ સકાઈ નામની એક પ્રસિદ્ધ ગણિકા હતી. જીગોકુ એટલે, જપાની ભાષામાં, નરક! ઈક્ક્યુએ તેના વિશે સાંભળ્યું અને તેઓ તેને મળવા ગયા. આ એક રૂપજીવિની અને એના શરીરને ભોગવવા આવેલા પુરૂષની મુલાકાત નહોતી, આ બે કવિઓનું મિલન હતું. ઈક્ક્યુએ તાત્કાલિક એક કાવ્યપંક્તિ રચી જેનો ભાવાર્થ કંઈક એવો થતો હતો કે, 'મેં નરક વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ આજે નરકને સાક્ષાત્ જોઈ લીધું, જે વધુ ભયાનક છે!' ગણિકાએ તરત કાવ્યપંક્તિથી વળતો જવાબ આપ્યો, જેનો સાર હતોઃ 'જે કોઈ જીવતા નરકની નજીક આવે છે, તે તેમાં ખાબક્યા વિના રહી શકતા નથી…'
આ માત્ર ચતુરાઈભરી હાજરજવાબી નહોતી. અહીં સ્ત્રી પ્રલોભનનું સાક્ષાત્ સ્વરૂપ હતી, અને પુરૂષ ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક હતા. તેમ છતાં, બંનેમાંથી એકેય એવા નહોતા જેવી સામેવાળાએ કલ્પના કરી હોય. આ વાર્તાની સૌથી અસાધારણ ક્ષણ હવે આવે છે. કહેવાય છે કે ગણિકાએ ભોગવિલાસની આ જગ્યાએ સાધુને અન્ય ગણિકાઓ સાથે નાચતા જોયા. અચાનક એને સુંદર સ્ત્રીઓ દેખાતી બંધ થઈ ગઈ. તેને માત્ર નાચતાં માનવકંકાલ યા તો કહો કે હાડપિંજર દેખાયાં. જે સ્ત્રીશરીરો યુવાન અને કામુક હતાં એ એકાએક સુંદરતા ગુમાવી ચૂક્યાં હતાં. માંસ ગાયબ થઈ ગયું હતું, માત્ર હાડકાં જ બચ્યાં હતાં… અને એ જ ક્ષણે જીગોકુ નામની ગણિકાને વીજળીની જેમ સત્ય લાધ્યુંઃ સુંદરતા કાયમી નથી, તે નષ્ટ થઈ જાય છે. યુવાની વિલાઈ જાય છે. શારીરિક સુખ સમાપ્ત થઈ જાય છે. ખુદ આ શરીર પણ એક દિવસ અદ્રશ્ય થઈ જાય છે. જે કંઈ જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે તે સઘળું ક્ષણભંગુર છે. ગણિકાને ક્ષણભંગુરતા (અનિત્યતા)નું સત્ય એક ક્ષણમાં સમજાઈ ગયું, અને એ સમજણે તેનું આખું જીવન બદલી નાખ્યું!
આ અદ્ભુત ઘટના ખરેખર બની હતી એવા તથ્યાત્મક ઉલ્લેખો ઇતિહાસમાં થયા નથી, પણ આ કથાને એક પ્રતીક તરીકે લેવાની છે. આ કહાણી ઈક્ક્યુ સાથે જોડાયેલી કંઈકેટલીય દંતકથાઓનો એક હિસ્સો છે, જે એમના મૃત્યુની સદીઓ પછી પણ ચિત્રો, પુસ્તકો અને નાટકોમાં વારંવાર દોહરાવાતી રહી છે.
ઈક્ક્યુના જીવનના છેલ્લાં વર્ષોમાં બીજી એક સ્ત્રી આવી હતી. તેનું નામ હતું, મોરી. એ એક અંધ ગાયિકા હતી. ઈક્ક્યુ મોરીના સંપર્કમાં આવ્યા ત્યારે વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેમણે મોરી વિશે જે કવિતાઓ લખી છે તે ટિપિકલ 'આધ્યાત્મિક' કવિતાઓ કે ભજનો જેવી જરાય નથી. તેં અત્યંત અંગત છે. તેમાં શારીરિકતા છે. તેમાં સ્પર્શ, વિરહ-ઝંખના, કામુકતા અને દૈહિક પ્રેમ વિશે બિન્ધાસ્ત અભિવ્યક્તિ થઈ છે. એક પ્રસિદ્ધ કવિતામાં, વસંત ઋતુમાં એક સૂકા ઠૂંઠા થઈ ગયેલા વૃક્ષ પર નવેસરથી ઉગી નીકળતી કૂંપળોની વાત છે. આ રૂપક માત્ર શૃંગારિક નથી. તેમાં એક એવા વૃદ્ધ માણસની વાત છે, જેનું શરીર મૃત્યુ તરફ આગળ વધી રહ્યું છે, ને એ અચાનક ફરીથી તીવ્ર ઝંખનાની અનુભૂતિ કરે છે. એ જાણે છે કે આ વસંત કાયમ રહેવાની નથી. તેથી જ તેના માટે આ વસંત વધુ અમૂલ્ય બની જાય છે. અહીં જ ઈક્ક્યુની કવિતા સાચા અર્થમાં 'ઝેન' બને છે. તેઓ ક્ષણભંગુરતાથી દૂર ભાગતા કરતા નથી, તેઓ ક્ષણભંગુરતાની આંખોમાં સીધું જુએ છે, સ્વસ્થતાપૂર્વક તેનું નિરીક્ષણ કરે છે.
ઈક્ક્યુ પછી તો ક્યોટો શહેરનાં વિશાળ ઝેન મંદિરોમાંના એક એવા દાઈતોકુ-જીના મુખ્ય મહંત બન્યા. જોકે ઝેનની પરંપરાગત સંસ્થાકીય વ્યવસ્થા એમને ક્યારેય માફક ન આવી. સર્વોચ્ચ ધામક પદ પર બેસીને પણ તેઓ સંસ્થાની ગતિવિધિઓ પર ભીતરથી પ્રહારો કરી શકતા હતા.
ઇક્ક્યુની બીજી એક તસવીર જાણીતી છે, જેમાં તેઓ તલવાર લઈને શેરીઓમાં ફરવા નીકળ્યા છે. એક ઝેન ભિક્ષુને તલવારની વળી શી જરૂર? કદાચ તેઓ લોકોને ઉશ્કેરવા અને વિચારતા કરી મૂકવા માગતા હતા. તલવાર ઝાલીને તેઓ સાધુની બીબાઢાળ ઇમેજને નકારવા માગતા હતા. તેમનો બાહ્ય દેખાવ સ્વયં એક 'આધ્યાત્મિક જોક' બની ગયો હતો. આમ છતાં તેઓ એક ઉચ્ચ કોટિના કલાકાર હતા, જેમની કવિતા, કેલિગ્રાફી તેમજ સૌંદર્યશાના વિચારો આજે પણ જાપાની સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આજે છ-છ સદી વીતી ગયા પછી પણ તેઓ રિલેવન્ટ છે. એમની સત્ત્વશીલતાની આના કરતાં વધારે મોટી સાબિતી બીજી કઈ હોવાની?




