Editorial

દેશભક્તિ અને ગેસભક્તિ : ઘરઘરમાં ગેસની આહટ

By GS Team
17 Jun 20264 mins read
દેશભક્તિ અને ગેસભક્તિ : ઘરઘરમાં ગેસની આહટ

- બખડજંતર-નટખટ નાગર

'લાભુ, તું રોજ રાંધણ ગેસની કોઠીને ફૂલમાળા ચડાવી કેમ પૂજા કરે છે?'

'દેશભક્તિ દેખાડવાની સાથે જ્યારથી ગેસના ભાવ વધવા માંડયા છે ત્યારથી મેં ગેસભક્તિ શરૂ કરી છે.'

'લાભુ, તે ગેસભક્તિ શું કામ શરૂ કરી છે, જરા કહે તો ખરો?'

'હું રોજ ગેસની કોઠીમાને પ્રાર્થના કરૃં છું કે જય કોઠીમા... આપને 'ભાવથી' ભજતા મારી જેવા અગણિત ભક્તો પાસેથી આ સરકાર હજી વધુ ભાવ ન પડાવે એનું ધ્યાન રાખજો.'

'લાભુ, તું ગેસના ભાવવધારાથી ધૂ્રજી ગયો છો તો તારી લીલાને ભાવવધારાની અસર કેમ નથી થતી?'

'લીલા તો વગર ગેસે કામ ચલાવે છે એ તમને ખબર નથી?'

'લાભુ, લાભુ... લીલા વગરે ગેસે શું કરે છે?'

'લીલા વગર ગેસે આખો દિવસ મારો જીવ બાળ્યા કરે છે, બીજું શું કરે?'

'લાભુ, આવી મોંઘવારીમાં અને ગેસની તાણમાં તારી ગોટમટોળ અને આજીવન વાંઢી સાળી શીલા છ મહિનાથી ધામા નાખીને પડી છે તો તું તારી લીલાને કેમ કાંઈ કહેતો નથી?'

'મેં લીલાને કીધું કે આવી મોંઘવારીમાં તારી 'નિરાકાર'બહેન ધામા નાખીને પડી છે, તને કાંઈ વિચાર થાય છે કે નહીં?'

'લાભુ, લીલાએ શું કીધું?'

'લીલા બોલી કે ગેસ એજન્સીવાળા જ કહે છે કે ઘરમાં એકસ્ટ્રા  કોઠી રાખવી સારી.'

'લાભુ, ગેસ ટ્રબલ વિશે કોઈ ચાર લાઈના તો સંભળાવ!'

'લ્યો ત્યારે, તમેય સાંભળો આ તાજી ચાર લાઈના-

ઘરઘરમાં ગેસની આહટ છે,

રાંઘણ ગેસ તરફ ગૃહિણીઓની ચાહત છે,

પેટનો ગેસ ખાલી થાય તો રાહત છે,

ખાલી કોઠીમાં ગેસ ભરાય તો રાહત છે.'

સ્વર્ગસ્થ એટલે હેવનસ્થ?

'માણસ મરણ પામે ત્યારે આપણે ગુજરાતીમાં તેના નામની આગળ સ્વર્ગસ્થ લખીએ છીએ તો અંગ્રેજીમાં શું લખાય?  હેવનસ્થ?'

'લાભુ, હેવનસ્થ ન લખાય, લેટ લખાય લેટ.'

'શું વાત કરો છો? અંગ્રેજીમાં લેટ કેમ લખાતું હશે?'

'લાભુ આપણે બધા ભારતીયો મોડા પડવામાં એક્કા છીએ. સમયસર જીવતા તો ઠીક, પણ સમયસર મરતા પણ નથી આવડતું એટલે નામની આગળ લેટ લખાય છે.'

'અચ્છા, તો લોકશાહી જ્યારે મૃતઃપ્રાય બનતી હોવાનું લાગે ત્યારે લેટ-ડેમોક્રેસી લખાય?'

'લાભુ, ડહાપણ ડહોળવાનું રહેવા દે અને જવાબ આપ કે તું રોજ ઓફિસે મોડો પહોંચે છે, પણ સાંજે ઓફિસ છૂટે એ પહેલાં બીફોર ટાઈમ કેમ દોડાદોડ ઘરભેગો થઈ જાય છે?'

'અરે ભાઈ, બંને છેડે મોડા પડીએ તો કેવું ખરાબ લાગે! બોસ બહુ બહુ તો ઠપકો આપે, પણ બીબી સીધો ઠપકારે એટલે જ હું કાયમ  કહું છું કે-

ઠપકાં ખાઈ ખાઈને

કરીએ ઓફિસના દોડા,

પણ ઘરે જો પડીએ મોડા

તો પછી માથે પડે જોડાં.'

લેટ-ગો કરતા શીખો

'લાભુ, તું અને તારી લીલા નાના અપુડાને કેમ નાની નાની વાતમાં ધમકાવ્યા કરો છો? મા-બાપે લેટ-ગો કરતા શીખવું જોઈએ.'

'અરે ભાઈ, અમે લેટ-ગો કરતાં શીખીએ એ પહેલાં અપુડો જ લેટ-ગો કરતા શીખી ગયો છે.'

'જુઓને, સ્કૂલે રોજ લેટ જાય છે, એટલે લેટ-ગો જ કહેવાયને?'

'લાભુ, તારા અપુડાના કલાસ ટીચર કાલે મળ્યા હતા એ ફરિયાદ કરતા હતા કે અપુડો ગઈ કાલે એક કલાક લેટ પહોંચ્યો હતો એ કેમ લેટ થયો?'

'એમાં એવું થયું કે હું અને લીલા ખરેખરા બાઝી પડયાં અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ. એમાં અપુડો મોડો પડયો.'

'લાભુ, તારા અને લીલાના ઝઘડામાં અપુડો કેમ મોડો પડયો?'

'અપુડો મોડો જ પડેને? કારણ એનું એક બૂટ મારા હાથમાં હતું અને બીજું   બૂટ લીલાના હાથમાં હતું, એટલે ઉઘાડા પગે સ્કૂલે કેવી રીતે જાય?'

'લાભુ, હવે મને સમજાયું કે તારો અપુડો (ઈંડા વગર) આમ-લેટ કેમ થયો! હા- હા-હા...'

ફન કી બાત

સમયને માથે આગળના ભાગમાં વાળ છે અને પાછળના ભાગમાં ટાલ છે. એટલે સમયને આગળથી પકડી શકે એ જ સફળ થાય છે. પાછળથી પ્રયાસ કરનારાના હાથ ટાલ પરથી લસરી જાય છે.

***

આત્રણ કાયમ ભરેલા રહેવા જોઈએ-

મહેમાનવાળા ઘરમાં ખાટલા,

નાતની પંગતમાં પાટલા,

અને રાંધણ ગેસનાં બાટલા.

***

સવાલઃ આંધ્ર પ્રદેશના અંતરિયાળ ભાગોમાં વરસાદ ખેંચાય ત્યારે ગધેડાને કેમ પરણાવાતા હશે?

જવાબઃ ગધેડા જ આનાકાની વગર ઝટ પરણવા તૈયાર થઈ જાયને એટલે.

***

માગણતંત્રમાં ફેરવાયેલા પાકિસ્તાન ઉર્ફે ભીખીસ્તાનની અત્યારની સ્થિતિ દર્શાવતી હાથ બનાવટની ચાર-લાઈનઃ

રોડ સારે હૈ કચ્ચે,

ઢેર સારે હૈ બચ્ચે,

જૂઠોં કી યહાં સરકાર ચલે,

મર જાતે બેચારે સચ્ચે.

***

સૂફી બાબાએ કહ્યું છેઃ

ફક્ત આ બેથી ડરો - ભગવાનથી અને ભગવાનથી ન ડરતા હોય એવાં લોકોથી.

***

બીજાના માનસના અંધારિયા ખંડમાં ખાંખાંખોળા કરે તેને શું કહેવાય? માનસશાસ્ત્રી કે ફાનસશાસ્ત્રી.

***

યુ.પી.માં પત્ની સાથે ઝઘડો કરી તેને બચકું ભરનાર પતિની પોલીસે ધરપકડ કરી. પત્નીને કરડવા દોડતા આવા કરડકણા પતિને શું કહેવાય ખબર છે? કૌન બનેગા કરડ-પતિ.