Editorial

ઓપરેશન ટાઈગરથી વાઘ જમાતમાં કુતૂહલ .

By GS Team
20 Jun 20263 mins read
ઓપરેશન ટાઈગરથી વાઘ જમાતમાં કુતૂહલ                   .

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- આપણા જ કુળમાં આપણી માસી બિલાડી બનાવી દે તેનો વાંધો નથી, પણ આ તો કહે છે કે ઉંદર બનાવી  દેવાના છે 

'ટાઈગર અભી ઝિંદા હૈ' વ્હોટ્સ એપ ગૂ્રપમાં ચેટિંગ જામ્યું. 

ટાઈગર વન: બંધુઓ, આ મહારાષ્ટ્રથી ઓપરેશન ટાઈગરના બહુ ન્યુઝ આવે  છે. તાડોબા અને  સહ્યાદ્રીના આપણા સભ્યો કન્ફર્મ કરો કે બધું હેમખેમ છેને? અહીં અમને બહુ ચિંતા થાય છે. 

ટાઈગર ટુ : હેલ્લો, સહ્યાદ્રિ કિંગ ઈઝ હિયર. ડોન્ટ વરી, ડિયર. અમે બધા એકદમ સકુશળ  છીએ. પેલુું ઓપરેશન ટાઈગર તો દિલ્હીમાં ચાલે છે. 

ટાઈગર થ્રી: એલા દિલ્હીમાં ક્યાં કોઈ  ટાઈગર  છે? ત્યાં તો કાચિંડાઓ અને ધોળા હાથીઓ જ રહે છે એવું સાંભળ્યું છે. 

ટાઈગર  થ્રી: હા, હા...મારી જાણ મુજબ દિલ્હીમાં ઘેટાંઓની વસતી પણ બહુ જ વધી ગઈ છે. હા-જી-હા કર્યા કરે છ, જયજયકારની પોસ્ટો મૂક્યા કરે છે  અને રીલો બનાવ્યા કરે છે. 

ટાઈગર ફોર: અરે યાર, ઘેટાંઓની વસતી તો આખા દેશમાં વધી ગઈ છે. માણસોની ભાષામાં એમને ભક્ત કહે છે. 

ટાઈગર ટુ : ઓય દોસ્ત, માણસોની ભાષામાં નહીં, રાજકારણની ભાષામાં. રાજકારણ અને માણસ એ બે અલગ અલગ  વસ્તુ છે. રાજકારણીઓ માણસો નથી હોતા. 

ટાઈગર વન: એલા આ ગુ્રપમાં ઘણી વાઘણો પણ છે. તેમને ઈમ્પ્રેસ કરવા માટે આવી બધી ફેંકમફેંક રહેવા  દે. માણસોમાં જ રાજકારણ  હોય છે. આપણે ત્યાં જંગલમાં પ્રાણીઓમાં કોઇ દિવસ રાજકારણ જોયું? 

ટાઈગર થ્રી: તો પણ આ માણસો કશુંક  ખોટું  ચાલતું હોય તો તેને જંગલ રાજ જ કેમ કહેતા હશે? આ મુદ્દે તો આપણે જંગલનાં બધાં  પ્રાણીઓએ ભેગા મળીને માણસોના ભાષાશાસ્ત્રીઓ પર બદનક્ષીનો દાવો  કરવો જોઈએ. 

ટાઈગર ફોર: અરે યાર, આવો દાવો તો આ ઓપરેશન ટાઈગર લખનારાઓ પર પણ કરવો  જોઈએ. ખબર નહીં, મુંબઈ ને દિલ્હીમાં શું ધમાલ ચાલે છે અને એમાં આપણે વાઘો  અમથા બદનામ થઈએ છીએ. 

ટાઈગર ટુ: થોડાક ટાઈમ પહેલાં મેં કેટલાક ઘોડાઓને અંદરોઅંદર વાતો કરતા સાંભળ્યા હતા. એમને પણ એક 'હોર્સ  ટ્રેડિંગ' શબ્દ સામે વાંધો છે. ઘોડાઓ કહેતા હતા કે આપણી કોઈ લે-વેચ થતી નથી, અનેે છતાં 'હોર્સ ટ્રેડિંગ' બોલીને અને લખીને  એમને બદનામ કરવામાં આવે છે. 

ટાઈગર ફાઈવ: મારી જાણકારી મુજબ આ ઓપરેશન  ટાઈગરમાં તો કેટલાક જાદુગરોએ ટાઈગરને બિલાડી બનાવી દેવાનું  બીડું ઝડપ્યું છે. 

ટાઈગર સિક્સ : અરે ડિયર, આપણને આપણા જ કુળમાં આપણી માસી બિલાડી  બનાવી દે તેનો વાંધો નથી, પરંતુ મેં તો સાંભળ્યુું છે કે આ તો ટાઈગરને ઉંદર બનાવી  દેવાનું  કામ ચાલે છે. 

ટાઈગર સેવન : એલા, ફક્ત ટાઈગરને જ નહીં. એ જાદુગરોએ તો આખા દેશની પ્રજાને ઉંદર બનાવીને રાખી છે. જેમ વિજ્ઞાનીઓ લેબોરેટરીમાં ઉંદર પર દુનિયાભરના  પ્રયોગો કરે છે  એમ આ જાદુગરો પ્રજા પર જાતભાતના પ્રયોગો કરે છે. 

...આ વાત પર તો બધા ટાઈગરોએ પંજાનાં ઈમોજી  મૂકી દીધાં.

આદમનું અડપલું

લોકશાહીનું પ્રાણીશાસ્ત્ર: વિપક્ષમાં વાઘ થઈને ફરતા નેતાઓ શાસક પક્ષમાં જાય ત્યારે બકરી બની જાય છે.